મુંબઈ
ભારતે બીજી પ્રેક્ટિસ મેચમાં અનુભવી હરમનપ્રીત કૌરને આરામ આપ્યો હતો. બીજી તરફ પ્રથમ વોર્મ-અપ ન રમનાર શેફાલી વર્માને આજે તક મળી હતી. પરંતુ તેના ખરાબ ફોર્મનો સિલસિલો ચાલુ રહ્યો. તે ખાતું ખોલાવ્યા વિના બે બોલ રમીને આઉટ થઈ ગઈ હતી. દીપ્તિ શર્માને પ્રમોટ કરવામાં આવી હતી અને સ્મૃતિ સાથે ૧૧૭ રનની ભાગીદારી કરી હતી. સાઉથ આફ્રિકા સામેની મેચમાં માથામાં વાગ્યા બાદ રિયાયર થવા મજબૂર બનેલ સ્મૃતિએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે ઈજાની યાદોને ભૂલીને અડધી સદી ફટકારી હતી. સ્મૃતિએ ૬૭ બોલમાં સાત ચોગ્ગાની મદદથી ૬૬ રન બનાવ્યા હતા. તે જ સમયે, દીપ્તિએ ચોગ્ગાની મદદથી ૫૧ રન બનાવ્યા હતા. મિતાલી આ મેચમાં તેના નિયમીત સ્થાન નંબર ચાર પર ઉતરી હતી. તેણે ૩૦ રન બનાવ્યા હતા. ભારતના ટોપ ઓર્ડરની શાનદાર રમત બાદ એવું લાગી રહ્યું હતું કે આ મેચમાં મોટો સ્કોર બની શકે છે. પરંતુ યાસ્તિક ભાટિયા (૪૨) સિવાય લોઅર ઓર્ડરના બાકીના બેટ્સમેનો મોટો સ્કોર બનાવી શક્યા ન હતા. યાસ્તિકાએ ૫૩ બોલની ઈનિંગમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે તાજેતરની મેચોમાં શાનદાર બેટિંગ કરી છે. આ સાથે પ્લેઈંગ ઈલેવનમાં તેનું સ્થાન નિશ્ચિત થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. તે સ્મૃતિ સાથે પણ ઓપનિંગ કરી શકે છે. બાકીના બેટ્સમેનોમાં રિચા ઘોષ ૧૩, સ્નેહ રાણા ૧૪ રન બનાવીને પરત ફર્યા હતા. અંતે, પૂનમ યાદવ અને રાજેશ્વરી ગાયકવાડે ૨૧ રન જાેડીને ટીમને ૨૫૦થી આગળ પહોંચાડી દીધી હતી. ભારતે પોતાની પ્રથમ વોર્મ અપ જીતી હતી. દક્ષિણ આફ્રિકાને ૨ રને હરાવ્યું હતુ.૨૦૨૨ મહિલા વર્લ્ડ કપ પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમને બીજી વોર્મ-અપ મેચમાં બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ ૨૫૮ રનમાં સમેટાઈ ગઈ હતી. તેના વતી ઓપનર સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્માએ અડધી સદી ફટકારી હતી. સ્મૃતિએ ૬૬ અને દીપ્તિએ ૫૧ જ્યારે યાસ્તિકા ભાટિયાએ ૪૨ રન બનાવ્યા હતા. પરંતુ તેનો લોઅર મિડલ ઓર્ડર મોટા રન બનાવી શક્યો નહોતો. ભારતે છેલ્લી છ વિકેટ માત્ર ૬૩ રનમાં ગુમાવી દીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ચેરી એન-ફ્રેઝર, કરિશ્મા રામહરક અને હેલી મેથ્યુઝે બે-બે વિકેટ લીધી હતી.


