Uttar Pradesh

જ્ઞાનવાપી મસ્જિદની ૧૭મી મે પહેલા સર્વે કરાવવાનો આદેશ

ઉત્તરપ્રદેશ
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદની અંદર વીડિયોગ્રાફી અને સર્વે કરવા અંગે અને તે માટે નિયુક્ત કરાયેલા એડવોકેટ કમિશનર એ કે મિશ્રાને બદલવાનો આગ્રહ સંબંધિત અરજી મામલે વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટે આજે પોતાનો ર્નિણય જણાવ્યો. કોર્ટે સર્વે માટે નિયુક્ત કરેલા એડવોકેટ કમિશનર અજયકુમાર મિશ્રાને હટાવવાની ના પાડી દીધી. કોર્ટે તેમની સાથે બે અન્ય વકીલને પણ સર્વે કમિટીમાં સામેલ કર્યા છે. આ સાથે જ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદનો ૧૭મી મે પહેલા સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ૧૭મી મેના રોજ સર્વેનો આગામી રિપોર્ટ આપવા માટે કહ્યું છે. કોર્ટે આજે કરેલા આદેશ મુજબ ભોયરામાં જે તાળા લાગેલા છે તેને તોડીને સર્વેનું કામ પૂરું કરવામાં આવે. જિલ્લાધિકારી પણ આ કેસમાં નિગરાણી કરશે. કોર્ટ કમિશનર એ કે મિશ્રાને હટાવવામાં નહીં આવે તેઓ પદ પર યથાવત રહેશે અને તેમને સાથ આપવા માટે બે સહાયક કમિશનર રહેશે જેમના નામ વિશાલ સિંહ અને અજય સિંહ છે અને તેઓ તેમને સર્વેમાં મદદ કરશે. આ બાજુ વાદી પક્ષના વકીલે કહ્યું કે કોર્ટે સમગ્ર મસ્જિદ પરિસરનો સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે. યુપી સરકાર અને પ્રશાસનને પણ આદેશ આપ્યા છે કે આ કાર્યવાહી પૂરી કરાવવામાં આવે અને જે પણ લોકો આ કામમાં વિધ્ન નાખે તેમના પર કાર્યવાહી કરવામાં આવે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ મામલે કોર્ટમાં બુધવારે સુનાવણી પૂરી થઈ હતી. ત્યારબાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. કેસમાં પ્રતિવાદી અંજુમન ઈન્તઝામિયા મસાજિદ કમિટી તરફથી એડવોકેટ કમિશનર એ કે મિશ્રાને હટાવવાની માગણી મુદ્દે છેલ્લા ૩ દિવસથી દલીલો થઈ રહી હતી. હિન્દુ પક્ષના વકીલ શિવમ ગોરે બુધવારે કેસની સુનાવણી બાદ મીડિયાને જણાવ્યું કે સિવિલ જજ રવિકુમાર દિવાકરની કોર્ટમાં જ્ઞાનવાપી પરિસરમાં ‘બેરિકેડિંગની અંદર’ સ્થિત બે ભોયરા ખોલાવીને તેની વીડિયોગ્રાફી કરાવવા અને એડવોકેટ કમિશનરને બદલવા મુદ્દે બંને પક્ષોએ પોત પોતાના તર્ક રજૂ કર્યા. જ્યારે એડવોકેટ કમિશનર અજય મિશ્રાએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો. આ મામલે કોર્ટ તરફથી નિયુક્ત કરાયેલા એડવોકેટ કમિશનર અજયકુમાર મિશ્રાએ કોર્ટમાં કહ્યું કે તેમણે પૂરેપૂરી પ્રમાણિકતા અને નિષ્ઠાથી કામ કર્યું છે. આવા કેસમાં લોકોને સમસ્યા રહેતી હોય છે. કોર્ટનું કામ છે તે દૂર કરે. ત્યાં એવું કઈ કામ થયું નથી જેનાથી કોર્ટના કોઈ પણ આદેશનો ભંગ થયો હોય. અત્રે જણાવવાનું કે આ મામલે મુસ્લિમ પક્ષ તેમની દલીલોથી ખુશ નહતો અને તેમને બદલવાની માંગણી કરાઈ હતી. હિન્દુ પક્ષ આ પરિસરની વીડિયોગ્રાફી અને સર્વે કરાવવાની વાત કરી રહ્યો છે જ્યારે મુસ્લિમ પક્ષનો અલગ મત છે. આ બાજુ મુસ્લિમ પક્ષના વકીલ અભય યાદવે કહ્યું કે મસ્જિદનું તાળું ખોલાવીને અંદરની વીડિયોગ્રાફી કરાવવા મુદ્દે અરજી પર કોર્ટમાં લગભગ સવા બે કલાક સુધી દલીલો ચાલી. જેના પર મુસ્લિમ પક્ષે આપત્તિ રજૂ કરી હતી. અત્રે જણાવવાનું કે ૫ મહિલાઓએ આ અગાઉ અરજી દાખલ કરીને શ્રૃંગાર ગૌરીની પૂજાના અધિકારની માંગણી કરી હતી. કોર્ટે સુનાવણી બાદ જ્ઞાનવાપી મસ્જિદના સર્વેનો આદેશ કર્યો હતો. આ સાથે જ એડવોકેટ કમિશનર પણ નિયુક્ત કર્યા હતા. પરંતુ સર્વે દરમિયાન મસ્જિદમાં હંગામો થયો અને ત્યારબાદ સર્વે થઈ શક્યો નહીં.

India-Uttra-Pradesh-Varanasi-Gyanvapi-Masjid-Case-Take-Serve-Report-Before-17-May.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *