ચીન
ચીન લોકતાંત્રિક રૂપથી સંચાલિત તાઇવાનને તેનો પ્રદેશ ગણાવે છે. ચીને તેના સાર્વભૌમત્વના દાવાઓ પર જાેર આપવા માટે છેલ્લા બે વર્ષમાં લશ્કરી અને રાજદ્વારી દબાણ વધાર્યું છે. ચીનના આ વલણે તાઈપેઈમાં ગુસ્સો અને વોશિંગ્ટનમાં ઊંડી ચિંતા પેદા કરી દીધી છે. તાઇવાનની સરકાર કહે છે કે તે શાંતિની તરફેણ કરે છે પરંતુ જાે જરૂર પડશે તો પોતાનો બચાવ કરશે. નાનો દેશ તાઈવાન ‘ડ્રેગન’ની દરેક હરકતનો જાેરશોરથી જવાબ આપી રહ્યો છે. તાઈવાનને અમેરિકા અને જાપાનનું ખુલ્લેઆમ સમર્થન મળી રહ્યું છે. તાજેતરના એક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જાપાન અને યુએસના સશસ્ત્ર દળોએ તાઈવાનમાં સંભવિત કટોકટી માટે સંયુક્ત ઓપરેશન માટે એક ડ્રાફ્ટ પ્લાન તૈયાર કર્યો છે.યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવમાં તક જાેઈને ચીને અમેરિકાને ધમકી આપી છે કે જાે તે તાઈવાનની આઝાદીનું સમર્થન કરશે તો બંને મહાસત્તાઓ વચ્ચે સૈન્ય સંઘર્ષ થઈ શકે છે. દક્ષિણ ચીન સાગરમાં તંગ વાતાવરણ વચ્ચે અમેરિકામાં ચીનના રાજદૂત કિન ગાંગે એક રેડિયો ઈન્ટરવ્યુમાં કહ્યું કે ચીન અને અમેરિકા વચ્ચે તાઈવાન સૌથી વિસ્ફોટક મુદ્દો છે. ગાંગે કહ્યું કે તાઈવાનના અધિકારીઓ જાે સતત આઝાદીના માર્ગ પર આગળ વધે છે એ વાતની પૂરેપૂરી શક્યતા છે કે અમેરિકા અને ચીનની સેનાઓ વચ્ચે સંઘર્ષ થઈ શકે છે. બીજી તરફ ચીનની આ ધમકી પર અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોને કહ્યું છે કે તે હજુ પણ ‘વન ચાઈના’ અને યુએસ-તાઈવાન સંબંધોના કાયદા પર કાયમ છે. અમેરિકાએ લાંબા સમયથી તાઈવાનને બદલે ચીનને માન્યતા આપી છે, પરંતુ તે તાઈવાન રિલેશન એક્ટ હેઠળ તાઈપેઈને પોતાનો બચાવ કરવામાં પણ મદદ કરી રહ્યું છે. પેન્ટાગોનના પ્રવક્તાએ કહ્યું, ‘અમે તાઈવાનને પોતાનો બચાવ કરવા માટે જરૂરી ક્ષમતાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખીશું. આ સાથે અમે અમારી ક્ષમતા પણ જાળવી રાખીશું જેથી જાે બળજબરીથી તાઈવાનના લોકોની સુરક્ષાને જાેખમમાં નાખવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે તો તેમને જડબાતોડ જવાબ આપી શકાય.’ આ પહેલા ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે પણ ધમકી આપી હતી કે જાે તાઈવાનને બચાવવા માટે અમેરિકન સૈનિકો મોકલવામાં આવશે તો ચીનના સૈનિકો તેમના પર પણ ગોળીબાર કરતા ખચકાશે નહીં.


