ઓસ્ટ્રેલિયા
મેરનસ લબુશેન અને અનુભવી બેટ્સમેન સ્ટિવ સ્મિથે શાનદાર સદી ફટકારતાં પ્રવાસી ઓસ્ટ્રેલિયાએ શુક્રવારથી અહીં શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટમાં શ્રીલંકા સામે મજબૂત પ્રારંભ કરીને પાંચ વિકેટે ૨૯૮ રનનો સ્કોર નોંધાવ્યો હતો.ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ સ્મિથ અને લબુશેનને બાદ કરતાં તેણે નિયમિતપણે વિકેટો ગુમાવી હતી. બાકીના બેટ્સમેન ખાસ નોંધપાત્ર યોગદાન આપી શક્યા ન હતા પરંતુ આ બે બેટ્સમેનની સદીની મદદથી ઓસ્ટ્રેલિયા સંગીન સ્થિતિમાં પહોંચી ગયું હતું. પ્રથમ દિવસની રમતને અંતે સ્ટિવ સ્મિથ ૧૦૯ અને એલેક્સ કેરી ૧૬ રન સાથે રમતમાં હતા. અગાઉ ઓપનર ડેવિડ વોર્નર સસ્તામાં આઉટ થઈ ગયો હતો તો ઉસ્માન ખ્વાજા ૩૭ રન કરી શક્યો હતો. પરંતુ સ્ટિવ સ્મિથ અને મેરનસ લબુશેને ત્રીજી વિકેટ માટે ૧૩૪ રનની ભાગીદારી નોંધાવી હતી. કારકિર્દીનો શાનદાર પ્રારંભ કર્યા બાદ ઘણા સમયથી સદીથી વંચિત રહેલા લબુશેને પોતાની ૨૭મી ટેસ્ટ રમતાં સાતમી સદી ફટકારી હતી. તેણે ૧૫૬ બોલ રમીને ૧૦૪ રન ફટકાર્યા હતા. લબુશેનની વિકેટ પડ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ ટ્રેવિસ હેડ અને કેમરૂન ગ્રીનની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી પરંતુ ટીમના સૌથી અનુભવી બેટ્સમેન સ્ટિવ સ્મિથે એક છેડો સાચવી રાખીને આખા દિવસ દરમિયાન શ્રીલંકન બોલર્સને પરેશાન કર્યા હતા. તેણે પોતાની ૮૭મી ટેસ્ટ રમતાં ૨૮મી સદી ફટકારી હતી જેમાં ૧૪ ચોગ્ગાનો સમાવેશ થતો હતો. શ્રીલંકા માટે પહેલી વાર ટેસ્ટ રમી રહેલા ૩૦ વર્ષીય લેફ્ટ આર્મ સ્પિનર પ્રભાત જયસૂર્યાએ ઓસ્ટ્રેલિયાની પાંચમાંથી ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે કાસુન રજિથા અને રમેશ મેન્ડીસને ફાળે એક એક વિકેટ આવી હતી. વર્તમાન સિરીઝમાં પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયા ૧-૦ની સરસાઈ ભોગવી રહ્યું છે.


