શ્રીલંકા
શ્રીલંકાના ચલણ રૂપિયાની વેલ્યૂ ડોલર સામે સતત ગગડી રહી છે. માર્ચમાં એક ડોલરની કિંમત ૨૦૧ શ્રીલંકન રૂપિયા હતી જ્યારે હવે ૩૬૦ થઈ ગઈ છે. એપ્રિલ ૨૦૨૧માં કુલ ૩૫ અબજ ડોલરનું વિદેશી દેવું હતું જે એક જ વર્ષમાં વધીને ૫૧ અબજ ડોલર પર પહોંચી ગયું છે. સ્થિતિ એવી કપરી થઈ ગઈ છે કે સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકાએ પોતાનું અડધું રિઝર્વ ગોલ્ડ વેચવું પડ્યું. સેન્ટ્રલ બેંક પાસે ૨૦૨૧ની શરૂઆતમાં ૬.૬૯ ટન સોનાનો ભંડાર હતો જેમાંથી ૩.૬ ટન સોનું વેચી કાઢ્યું. વિદેશી મુદ્રા ભંડારની વાત કરીએ તો ૨૦૧૮માં ૭.૫ અબજ ડોલર હતો જે ફેબ્રુઆરી ૨૦૨૨માં ૨.૩૧ અબજ ડોલર થઈ ગયો. શ્રીલંકાની આ સ્થિતિ માટે કેટલાક જવાબદાર પરિબળો પર નજર ફેરવો. ભારતનો પાડોશી દેશ શ્રીલંકા જે એક સમયે સોનાની લંકા કહેવાતો હતો હાલ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો છે. બે વર્ષ પહેલા સ્થિતિ એવી હતી કે દક્ષિણ એશિયાની સૌથી મજબૂત અર્થવ્યવસ્થામાં તેની ગણતરી થતી હતી. કોરોનાના પગલાં પડ્યા તે પહેલા ૨૦૧૯માં વિશ્વ બેંકે શ્રીલંકાને દુનિયાના હાઈ મિડલ ઈન્કમવાળા દેશોની કેટેગરીમાં મૂક્યું હતું. પરંતુ માત્ર ૨ વર્ષમાં શ્રીલંકા ઊંધે માથે પટકાયું અને હાલ સ્થિતિ એવી છે કે વિદેશી દેવું ચૂકવી શકવામાં અસમર્થ થઈ ગયું છે. દેવાળું પણ ફૂંક્યું છે. સરકારી આંકડા મુજબ મોંઘવારી દર ૧૭ ટકા પાર ગયો છે જે સમગ્ર દક્ષિણ એશિયાના કોઈ પણ દેશ કરતા સૌથી ભયાનક સ્તરે છે. સરકારે માર્ચ ૨૦૨૦માં વિદેશી આયાત પર પ્રતિબંધ લગાવ્યો જેથી કરીને વિદેશી મુદ્રા બચાવી શકાય પરંતુ તેની કોઈ ખાસ અસર ન થઈ ઉપરથી પ્રતિબંધના કારણે દેશમાં જરૂરી સામાનની અછત સર્જાઈ. રાસાયણિક ખાતરની કમી થઈ ત્યારબાદ સરકારે સમગ્ર દેશમાં જૈવિક ખેતી ફરજિયાત કરી. જેણે સ્થિતિ વિકટ કરી. સરકારના આ ર્નિણયના પગલે શ્રીલંકાનું કૃષિ ઉત્પાદન અડધું થઈ ગયું. વિદેશી આયાત પર પ્રતિબંધ અને જૈવિક ખેતીના કારમે શ્રીલંકામાં સામાનની અછત થઈ અને ભાવો એટલા કાબૂ બહાર ગયા કે આર્થિક કટોકટીએ પહોંચી ગયું. શ્રીલંકાની ઈકોનોમીમાં મોટો ફાળો ટુરિઝમનો છે. તેની જીડીપીમાં ટુરિઝમનું ૧૦ ટકા કરતા વધુ યોગદાન છે. શ્રીલંકા માટે વિદેશી કરન્સીનો ત્રીજાે સૌથી મોટો સ્ત્રોત છે. ટુરિઝમ ક્ષેત્ર પર સીધી રીતે ૫ લાખ અને આડકતરી રીતે ૨૦ લાખ જેટલા નાગરિકો નભે છે. વાર્ષિક ૫ અબજ ડોલરની આ ક્ષેત્રેથી કમાણી આવતી હતી. ટુરિઝમ ક્ષેત્ર પર કોરોનાની મારના કારણે શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર તળિયે પહોંચી ગયો. સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકાના જણાવ્યાં મુજબ હાલ શ્રીલંકા પર કુલ ૫૧ અબજ ડોલરનું વિદેશી દેવું છે. વિશ્વ બેંક મુજબ શ્રીલંકા પર વિદેશી દેવાની રકમ કુલ જીડીપીના ૧૦૩ ટકા થઈ છે. આગામી ૧૨ મહિનામાં વિદેશી દેવાના હપ્તા ભરવા માટે ૭.૩ અબજ ડોલરની જરૂર છે. આગામી ચાર વર્ષ એટલે કે ૨૦૨૬ સુધીમાં ૨૬ અબજ ડોલરની ચૂકવણી વિદેશી દેવાના હપ્તા પેટે કરવાની છે. એક સમયે સોનાની લંકા ગણાતું શ્રીલંકા હાલ પાતાળે પહોંચી ગયું છે. ગંભીર આર્થિક સંકટમાં ધકેલાયેલા શ્રીલંકાને મુશ્કેલીઓના મધદરિયે મૂકીને રાજપક્ષે પરિવાર ભારત ભાગી ગયો હોવાની ચર્ચાઓ પ્રબળ બની છે. આ બધા વચ્ચે શ્રીલંકામાં ભારતીય ઉચ્ચાયોગે આ ખબરોને ખોટી અને પાયાવિહોણી ગણાવી છે. એક નિવેદન બહાર પાડીને કહ્યું કે રાજપક્ષે પરિવાર ભારત ભાગી ગયો હોવાની ખબરો સંપૂર્ણ રીતે ખોટી છે. તેમાં કોઈ સચ્ચાઈ નથી. ઉચ્ચાયોગ આ પ્રકારની ભ્રામક ખબરોને ફગાવે છે. અત્રે જણાવવાનું કે શ્રીલંકાના તત્કાલિન પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ સોમવારે દેશના રાષ્ટ્રપતિ અને નાના ભાઈ ગોટાબાયા રાજપક્ષેને રાજીનામું સોંપી દીધુ હતું. ત્યારબાદ તેમના સમર્થકોએ સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યો જેના પગલે દેશમાં હિંસા ભડકી અને ૮ લોકોના જીવ ગયા. દેશવ્યાપી હિંસામાં કોલંબો સહિત અન્ય શહેરોમાં ૨૦૦થી વધુ લોકો ઘાયલ પણ થયા. સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ દેશભરમાં રાજપક્ષે પરિવાર અને અન્ય નેતાઓની સંપત્તિને બાળવાનું શરૂ કર્યું છે. વધતી હિંસાને જાેતા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ ઉપદ્રવીઓને જાેતા જ ગોળી મારવાના આદેશ આપી દીધા છે. આ સાથે જ કોલંબો સહિત મોટા દેશોમાં સેના તૈનાત કરીને રાષ્ટ્રવ્યાપી કરફ્યૂ લાગૂ કર્યો છે. આમ છતાં સ્થિતિ સુધરી રહી નથી.
