પાકિસ્તાન
પાકિસ્તાને અંતિમ બે ઓવરમાં ઈંગ્લેન્ડની મહત્વની વિકેટો ઝડપીને રવિવારે ચોથી ટી૨૦માં રોમાંચક વિજય મેળવ્યો હતો. ઈંગ્લેન્ડ દ્વારા આત્મઘાતી પ્રયાસને પગલે તેનો પાકિસ્તાન સામે ત્રણ રને પરાજય થયો હતો. પાકિસ્તાનના ચાર વિકેટે ૧૬૬ રનના જવાબમાં ઈંગ્લેન્ડની સમગ્ર ટીમ ૧૬૩માં ઓલ આઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડનને જીત માટે ૧૮ બોલમાં ૩૩ રનની જરૂર હતી અને લિઆમ ડૉસને (૩૪) મોહમ્મદ હસનૈને ફેંકેલી ૧૮મી ઓવરમાં ૨૪ રન ઝૂડ્યા હતા જેમાં એક ચોગ્ગો અને એક છગ્ગાનો સમાવેશ થયો હતો. ૧૯મી ઓવરમાં ડૉસને રઉફના બીજા બોલ પર વધુ એક બાઉન્ડ્રી ફટકારી ત્યારે ઈંગ્લેન્ડનો સ્કોર ૧૬૨-૭ થયો હતો અને જીત માટે ૧૦ બોલમાં ફક્ત પાંચ રનની જરૂર હોવાથી તેની જીત નિશ્ચિત જણાતી હતી. ત્યારબાદ મેન ઓફ ધ મેચ રઉફે બે બોલમાં ડૉસન અને નવોદીત બેટ્સમેન ઓલી સ્ટોન (૦)ની વિકેટ ઝડપતા મેચ રોમાંચક વળાંક આવ્યો હતો. અંતિમ ઓવરમાં વસીમના બીજા બોલ પર રન દોડવા જતા રીસ ટોપ્લી રન આઉટ થઈ જતા ઈંગ્લેન્ડની ટીમ ૧૬૩ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી રઉફ અને નવાઝે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે હસનૈને બે અને વસીમે એક વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન મોઈન અલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. પાકિસ્તાને ઓપનર મોહમ્મદ રિઝવાન (૮૮) અને બાબર આઝમ (૩૬)ની દમદાર બેટિંગની મદદથી મજબૂત શરૂઆત કરી હતી. બન્નેએ પ્રથમ વિકેટ માટે ૯૭ રનની ભાગીદારી નોંધાવી હતી. શાહ મસૂદે ૨૧ રન તથા આસિફ અલીએ અણનમ ૧૩ રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડના બોલર ટોપ્લીએ અંતિમ ઓવરમાં રિઝવાન અને ખુશદિલ (૨)ની વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ડૉસન અને વીલીને એક-એક સફળતા મળી હતી. ઈંગ્લેન્ડના ટોચના બેટ્સમેનોનો ફ્લોપ શો જાેવા મળ્યો હતો સોલ્ટ (૮), હેલ્સ (૫) અને જેક્સ (૦) પર આઉટ થતા ઈંગ્લેન્ડને ઉપરા ઉપરી ત્રણ ફટકા પ્યા હતા. ડકેટ (૩૩) અને બ્રુક (૩૪) વચ્ચે ચોથી વિકેટ માટે ૪૩ રનની ભાગીદારી થઈ હતી. કેપ્ટન મોઈન અલીએ ૨૯ રનનું યોગદાન આપ્યું હતું. લોઅર ઓર્ડરના ધબડકાને પગલે ઈંગ્લેન્ડની ટીમનો પરાજય થયો હતો. પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે સાત ટી૨૦ પૈકીની ચાર મેચના અંતે હાલમાં શ્રેણી ૨-૨થી સરભર છે.


