નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ બોર્ડે શુક્રવારે આઈપીએલ ૨૦૨૩ની પ્લેઓફ અને ફાઈનલ મેચ માટેના સ્થળની શુક્રવારે સત્તાવાર જાહેરાત કરી હતી. ટાટા આઈપીએલની ફાઈનલ ૨૮મી મેએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. ચેન્નાઈના ચેપોક ખાતે એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ ક્વોલિફાયર અને એલિમિનેટર અનુક્રમે ૨૩ અને ૨૪મી મેએ યોજાશે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ૨૬મી મેએ અમદાવાદના મોદી સ્ટેડિયમમાં બીજી ક્વોલિફાયર મેચ રમાશે. ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૬મી આવૃત્તિનો ૩૧ માર્ચના રોજ વિશ્વના સૌથી મોટા નરેન્દ્રી મોદી સ્ટેડિયમમાં ઝાકઝમાળ સાથે પ્રારંભ થયો હતો. અમદાવાદ સળંગ બીજા વર્ષે આઈપીએલ ફાઈનલની યજમાની કરશે. અગાઉ ૨૦૨૨ની આઈપીએલ સિઝનની ફાઈનલ પણ અમદાવાદમાં યોજાઈ હતી. ગત આઈપીએલ ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને ટ્રોફી જીતી હતી. ગત વર્ષે કોરોનાને પગલે આઈપીએલની તમામ લીગ મેચોનું મુંબઈ અને પુણેમાં ચાર સ્થળોએ બાયોબબલ હેઠળ આયોજન કરાયું હતું. જ્યારે પ્લેઓફ મુકાબલા કોલકાતા અને અમદાવાદમાં યોજાયા હતા. ચાર વર્ષ બાદ આઈપીએલ તેના મૂળ હોમ અને અવે સ્વરૂપમાં યોજાઈ રહી છે. વર્તમાન આઈપીએલ સિઝનની અંતિમ લીગ મેચ ૨૧મી મેએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે બેંગ્લોરમાં યોજાશે.


