નવીદિલ્હી
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ ડોમિનિકામાં રમાઈ રહી છે. યજમાન ટીમના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય કર્યો અને વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ માત્ર ૧૫૦ રનમાં સમેટાઈ ગઈ. જવાબમાં ભારતે મેચના બીજા દિવસે ૨ વિકેટે ૩૧૨ રન બનાવ્યા હતા અને ૧૬૨ રનની લીડ મેળવી હતી. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. પ્રથમ દાવમાં યજમાનોને ૧૫૦ રનમાં આઉટ કર્યા બાદ ઓપનિંગ જાેડીએ રેકોર્ડબ્રેક બેટિંગ કરી હતી. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલના નામે ૪૪ વર્ષ જૂનો રેકોર્ડ છે. બંનેએ પ્રથમ વિકેટ માટે ૨૨૯ રન જાેડ્યા અને દિગ્ગજાેને પાછળ છોડી દીધા. યશસ્વી જયસ્વાલ સાથે મળીને કેપ્ટન રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ૨૨૯ રનની ભાગીદારી કરી હતી. વિદેશમાં રમાયેલી ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી બની છે. વર્ષ ૧૯૭૯માં સુનીલ ગાવસ્કર અને ચેતન ચૌહાણની જાેડીએ આ રેકોર્ડ બનાવ્યો હતો. સુનીલ ગાવસ્કર અને ચેતન ચૌહાણે ૧૯૭૯માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓવલ મેદાન પર ૨૧૩ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. મેચના પ્રથમ દાવમાં નિષ્ફળ રહ્યા બાદ બંનેએ મુશ્કેલીમાં ફસાયેલી ટીમ માટે આ અનોખી ભાગીદારી રમી હતી. સુનીલ ગાવસ્કરે ૨૨૧ જ્યારે ચેતને ૮૦ રનની ઇનિંગ રમી હતી. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝ સામે ૨૨૯ રનની ભાગીદારી નોંધાવી હતી. કેપ્ટન રોહિતે ૧૦૩ રન બનાવીને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલે મેચના બીજા દિવસે ૧૪૩ રનની ઇનિંગ રમી હતી અને અણનમ પરત ફર્યો હતો. ત્રીજા દિવસની રમતમાં તે બેવડી સદી ફટકારવાના ઈરાદા સાથે ઉતરશે.


