નાળિયેરીના પાકમાં સફેદ માખીના ઉપદ્રવથી ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે. ત્યારે ખેડૂતોની આ મૂંઝવણને ધ્યાનમાં રાખી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ (જૂનાગઢ જોનલ ચેપ્ટર)ના સંયુક્ત ઉપક્રમે નાળિયેરીની આધુનિક ખેતી પદ્ધતિ: સમસ્યા અને સમાધાન વિષય પર રાજ્યકક્ષાનો પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. જેનો ૩૫૦થી વધુ ખેડૂતોએ લાભ લીધો હતો.
કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પ્રારંભિક સત્રમાં સંબોધન કરતા કુલપતિ શ્રી વી.પી. ચોવટીયાએ જણાવ્યું કે, ગ્લોબલ વોર્મિંગના કારણે નાળિયેરીના પાકના ઉત્પાદનને અસર થઈ રહી છે. ખાસ કરીને ફળ ધારણ કરવાની પ્રક્રિયામાં વિક્ષેપ આવી રહ્યા છે. ઉપરાંત સફેદ માખીના ઉપદ્રવના કારણે નળીયેરીના પાકને માઠી અસર પહોંચી છે ત્યારે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા આ માટે અસરકારક ઉપાયો શોધવામાં આવી રહ્યા છે.
સફેદ માખી નાળિયેરી ઉપરાંત ૨૫ જેટલા પાકોમાં જોવા મળે છે. આ સફેદ માખી પાનની નીચેના ભાગમાં મોટી સંખ્યામાં ઈંડા મૂકે છે અને ઉપરથી આવરણ કરી લે છે. જેથી દવા વગેરે અસરકારક રીતે કામ કરી શકતી નથી.
દેશમાં નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદનમાં કેરળ રાજ્યમાં થાય છે, પણ ત્યાં કોપરાના તેલ માટે ઉત્પાદનને ધ્યાનમાં રાખવામાં આવે છે. પરંતુ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ત્રોફા તરીકે વધુ ઉત્પાદન લેવામાં આવે છે. તેમાં પણ ગીર સોમનાથ જિલ્લો નાળિયેરના ઉત્પાદન માટે દેશભરમાં અગ્રેસર છે.
અંતમાં તેમણે આઈ કૃષિ સંહિતા એપ અને એફએમ રેડિયો દ્વારા ખેડૂત કલ્યાણ અને તાજેતરમાં કૃષિ યુનિવર્સિટીના જુદા જુદા વિભાગો-એકમોને મળેલા સન્માનનો ઉલ્લેખ કર્યો હતો.
ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળના પ્રમુખ ડો. એ.આર. પાઠકે આ પરિસંવાદની તાતી જરૂરિયાત હોવાનું જણાવતા કહ્યું કે, બાગાયત ખેતી કરતા ખેડૂતોના વૃક્ષો પણ અંગારવાયું એટલે કે કાર્બન ડાયોક્સાઇડ નું શોષણ કરે છે આમ એક રીતે પર્યાવરણનું રક્ષણ પણ કરે છે. ત્યારે ઉદ્યોગકારોને જેવી રીતે કાર્બન ક્રેડિટ મળે છે, તેવી જ રીતે બાગાયત ખેતી કરતા ખેડૂતોને સહાય મળે તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ સાથે તેમણે આ પરીસંવાદ ખેડૂતો માટે લાભદાયી નિવડશે. તેમ પણ ઉમેર્યું હતું.
ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળના મંત્રી ડૉ. કે.જી. મહેતા એ જણાવ્યું કે, ગુજરાતમાં ૨૫ હજાર હેક્ટરમાં નાળિયેરીના પાકનું વાવેતર થઈ રહ્યું છે, ત્યારે નાળિયેરના બજારને વધુ વ્યાપ આપવા પ્રોસેસિંગ અને પ્રીઝર્વેશન પર વધુ ધ્યાન આપવામાં આવે તો સોફ્ટ ડ્રિંક્સને ટક્કર રાખી શકાય તેમ છે.
સંશોધન અને વિસ્તરણ નિયામક શ્રી એચ.એમ. ગાજિપરાએ જણાવ્યું કે, દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં નાળિયેરીના બગીચામાં સફેદ બાકીનો ઉપદ્રવ એક જટિલ પ્રશ્ન બની ગયો હતો. ત્યારે સફેદ માખીની સાથે અન્ય રોગોનું નિયંત્રણ નિવારણ માટે કૃષિ યુનિવર્સિટીનો બાયો કન્ટ્રોલ વિભાગ કામ કરી રહ્યો છે. આમ નાળિયેરીના ઉત્પાદનને અસર ન થાય તે માટે તેકેદારી લેવામાં આવી રહી છે.
આ પ્રસંગે એપીએમસી-વિસાવદરના ચેરમેન શ્રી વિનોદભાઈ હપાણીએ પણ પ્રાસંગિક સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે ભેસાણ તાલુકાના ચુડા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી અશોકભાઈ બટુકભાઈ મોવલિયાનું કપાસ પાકમાં આધુનિક ખેતી અપનાવવા માટે સરદાર સ્મૃતિ કેન્દ્ર દ્વારા રજત જયંતિ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને રૂ.૭૫૫૧નો ચેક અને સ્મૃતિચિહ્ન પણ અર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત વય નિવૃત્ત થવા જઈ રહેલા કૃષિ યુનિવર્સિટીના સંશોધન અને વિસ્તરણ નિયામક શ્રી એચ.એમ ગાજીપરાનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના ડૉ. એસ.જી. સાવલિયાએ શાબ્દિક સ્વાગત અને કૃષિ ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળના સેક્રેટરી ડૉ. કલસરિયાએ આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે નોબલ યુનિવર્સિટીના કુલપતિ ડો. ખેર, બાગાયત વિભાગના ડીન ડૉ. વરૂ સહિત ગણમાન્ય અતિથિ, કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


