Gujarat

ગીર સોમનાથઃ મહાશિવરાત્રિ નિમિત્તે યોજાયો ‘શ્રી સોમનાથ ઉત્સવ ૨૦૨૩’

મંજીરા રાસ, ધમાલ નૃત્ય, હુડો રાસ, આદિવાસી નૃત્ય, તલવાર રાસ માણી મંત્રમુગ્ધ થયા શહેરીજનો
———-
સોશ્યિલ મીડિયા મારફતે જીવંત પ્રસારણ, દેશ-વિદેશના લોકોએ મનભરી માણ્યો ઉત્સવ
———-
૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના બીજા દિવસે રાત્રે ૮.૦૦ કલાકથી યોજાશે ભવ્ય લોકડાયરો
———-
ગીર સોમનાથ, તા:૧૭: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનરશ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૭ અને ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ રાત્રે ૮.૦૦ કલાકથી પ્રભાસપાટણ ખાતે સોમનાથ મંદિર પરિસર પાસે ‘શ્રી સોમનાથ ઉત્સવ ૨૦૨૩’નું ભવ્ય આયોજન છે. આ ઉત્સવમાં ૨૨૫થી વધુ કલાકારોએ ભાગ લીધો છે. સોમનાથ મંદિર ટ્રસ્ટીશ્રી પી.કે.લહેરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા ‘શ્રી સોમનાથ ઉત્સવ ૨૦૨૩’ના ભવ્ય ઉદ્ઘાટન સમારોહ બાદ પહેલા દિવસે કલાકારોએ પોતાની વિવિધ ભાતીગળ નૃત્યકલાથી ઉપસ્થિત તમામને મંત્રમુગ્ધ કર્યા હતાં.

ઉદ્ઘાટન સમારોહની તકે જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું અને કલાકારોના ઉત્સાહને બીરદાવ્યો હતો જ્યારે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એચ.ડી.મકવાણાએ ઉપસ્થિત તમામ મહાનુભાવો તેમજ કાર્યક્રમ નિહાળવા આવેલા શ્રદ્ધાળુઓ અને શહેરીજનોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું. જ્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટીશ્રી પી.કે.લહેરીએ કલાકારોને આશિર્વચન આપતા પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, સોમનાથની પાવન ધરા પર કલાકારો દ્વારા રજૂ થતી કૃતિથી આપણી સંસ્કૃતિ અને પરંપરાગત વારસાનો વૈભવ અહીં પુનઃ જાગૃત થઈ રહ્યો છે. જે અત્યંત આનંદની વાત છે.

આ ભવ્ય ઉત્સવના પહેલા દિવસે સૌપ્રથમ અખિલેશ ચતુર્વેદી ગ્રુપ, મુંબઈ દ્વારા શિવ મહિમાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જે પછી રાઠવા લોક નૃત્ય મંડળ છોટા ઉદેપુર દ્વારા આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યુ હતું. આ સાથે જ જાહેર જનતાએ ક્રમશઃ આ ઉત્સવમાં મુંબઈ, પોરબંદર, ડાંગ, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, તાલાલા, લીમડી, ચોરવાડ, કોડિનારથી પધારેલા ૨૨૫થી વધુ કલાકારોના  મંજીરા રાસ, ધમાલ નૃત્ય, હુડો રાસ, આદિવાસી નૃત્ય, તલવાર રાસ, શિવ મહિમા, ડાંગી નૃત્ય, રાજસ્થાની નૃત્ય, લાવણી નૃત્ય સહિત ગરબા, લોકનૃત્ય, ભક્તિ સંગીત જેવા આપણી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માણ્યા હતાં.

આ તકે ગુજરાતી સાહિત્ય જેનાથી સમૃદ્ધ થયું છે એવા સાહિત્યકાર કનૈયાલાલ મુનશીના પ્રપૌત્ર શ્રી કાર્તિકભાઈ મુનશી,  જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિંહભાઈ પરમાર, સેક્રેટરી શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ, જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા તેમજ બચુભાઈ વાજા સહિતના અગ્રણીઓ, પદાધિકારીઓ તેમજ અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં. ‘શ્રી સોમનાથ ઉત્સવ ૨૦૨૩’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું જેથી દેશ-વિદેશના લોકોએ પણ બહોળા પ્રમાણમાં તેનો લાભ લીધો હતો.
૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
રેતશિલ્પ મહોત્સવ- ૨૦૨૩
———
“રૂપા તે રંગની રેતી વેરાયેલી, પાસે વહે છે વહેણ વાંકડુ જી રે….” રેતશિલ્પ કલાકારોના કાંડાનું કૌવત નિહાળી આશ્ચર્યમાં ગરકાવ થયાં પ્રવાસીઓ
———-
સોમનાથની ભૂમિમાં શિવત્વ છે. અમે નસીબદાર છીએ કે અહીં કલા દર્શાવવાની તક મળીઃ રેતશિલ્પ કલાકાર હરિશભાઈ લાખાણી
———-
પોતાની કલાના માધ્યમથી મહાશિવરાત્રિ નિમિત્તે કલાકારોએ ભગવાન શિવ સમક્ષ આરાધના કરી: સચિવ શ્રી તેજાભાઈ દેસાઈ
———-
ગીર સોમનાથ, તા.૧૭: રૂપા તે રંગની રેતી વેરાયેલી, પાસે વહે છે વહેણ વાંકડુ જી રે…. કવિશ્રી બાલમુકુંદ દવેએ ભાઈ-બહેનનો પ્રેમ દર્શાવતી આ કવિતામાં રેતીને રૂપાના રંગની ઉપમા આપી છે. ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, ગાંધીનગર દ્વારા આયોજીત રેતશિલ્પ-2023 મહોત્સવમાં આવી જ રૂપેરી રેતીને લઈ કલાકારોએ મહાશિવરાત્રિ નિમિત્તે શિવના સાન્નિધ્યમાં ઘૂઘવતા દરિયાકિનારે પોતાના કાંડાનું કૌવત દાખવી શિવનું સૌમ્ય સ્વરૂપ, જટાધારી રૂપ, સોમનાથ મંદિર, જી-૨૦ સમિટ વગેરે કૃતિઓ કંડારી હતી.

રેતી વડે કંડારાયેલી આ તમામ કૃતિઓ નિહાળી મુલાકાતીઓ આશ્ચર્યમાં ગરકાવ થયા હતાં. પોરબંદરના રેતશિલ્પ કલાકાર હરિશભાઈ લાખાણીએ સરકારનો આભાર માનતાં કહ્યું કે, “આ ભૂમિમાં શિવત્વ છે અને હું નસીબદાર છું કે મને મહાશિવરાત્રિ પર ભોળાનાથના ચરણોમાં મારી કલા દર્શાવવાની તક મળી. હું ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા એકાદમી અમદાવાદનો પણ આભાર માનું છું.

ગુજરાત રાજ્ય લલિતકલા એકાદમી સચિવશ્રી તેજાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આ શિવનું ધામ છે અને અહીં તમામ કલાકારોએ પોતાની કલા વડે ભગવાન શિવ પ્રત્યે પોતાની આરાધના વ્યક્ત કરી છે. પૂરતી એકાગ્રતા સાથે આ કલા દર્શાવવી એ પણ આકરા તપ સમાન છે. અહીં ફરવા આવતાં પ્રવાસીઓને પણ ભારતીય સંસ્કૃતિને માણવાની એક તક મળે એવો ગુજરાત સરકારનો વિનમ્ર પ્રયાસ છે.
૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
રાજયની જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી-પદાધિકારીશ્રીઓનો એક દિવસીય પરિસંવાદ
———-
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નવતર પ્રયોગ અંતર્ગત જિલ્લા પંચાયત ગીર સોમનાથના પ્રમુખ શ્રીમતી રામીબેન બચુભાઇ વાજા સાથે સીધો સંવાદ
———-
ફિલ્ડની કામગીરી તેમજ વહીવટી બાબતો- સ્થાનિક સમસ્યાઓની વિગતો મેળવી મુખ્યમંત્રીશ્રીએ આપ્યું માર્ગદર્શન
———-
ગીર સોમનાથ, તા.૧૮: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન બચુભાઇ વાજા સાથે ”અમૃતકાળમાં સ્વર્ણિમ ભવિષ્ય તરફ વિષય વસ્તુ સાથે રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ,સંકલ્પો અને છેવાડાના માણસો સુધી પંચાયતીરાજ મારફતે આપણે મહત્તમ ઉપયોગી કેવી રીતે થઇ શકીયે ?” તે સંદર્ભે વિચાર-પરામર્શ કરેલ. પંચાયતીરાજ મંત્રીશ્રી બચુભાઇ ખાબડ મારફતે સરકારની પંચાયત અને ગ્રામ વિકાસની સિધ્ધિની હારમાળાનું વર્ણન કરી પ્રમુખશ્રીના પ્રશ્નો માટે સરકારનો હકારાત્મક અભિગમ છે તેવું જણાવેલ. અધિક અગ્ર સચિવશ્રી મનોજ દાસ દ્વારા પંચાયત વિભાગ અને પ્રમુખશ્રીના પ્રશ્નો અને વિકાસના કામને ઝડપથી ગતિ મળે તેમજ સરકારી નાણાંનું અસરકારક આયોજન થાય -સમય મર્યાદામાં પૂર્ણ થાય અને જરૂર પડે નીચલા સ્તરેથી આયોજન થાય તેમા ૧૫માં નાણાપંચ અને અન્ય કામોમાં વહીવટી અંતરાલ દૂર કરવા ખાત્રી આપેલ.

મુખ્યમંત્રીશ્રીએ મુળભુત આયોજન મુજબ વન વેન કાર્યક્રમનું પ્રારૂપ બદલી ટુ વેન · કાર્યક્રમ કરી રાજયભરના ૧૫થી વધુ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી-ઉપપ્રમુખશ્રી અને કારોબારી સમિતિના અધ્યક્ષશ્રીને પંચાયતને લગતા પ્રશ્નો,વહીવટી મુશ્કેલી, જરૂરીયાતો વિગેરે અન્ય ખુલ્લા મને સૂચન માંગેલ જેમાં ખાસ કરીને ૧૫ વર્ષ પહેલાના ડીઝલના ભાવના અનુસંધાને પદાધિકારીઓના પ્રવાસ ભથ્થા વાર્ષિક નકકી થયેલ ડીઝલનો ભાવ બમણો થઇ ગયેલ છે તે સંદર્ભે પુનઃવિચારણા કરવા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને સમિતિના અધ્યક્ષના માનદ્ વેતનમાં પુનઃવિચાર કરવો જોઇએ, અધિકારી-પદાધિકારી વચ્ચે વહીવટી સંકલન અને પરામર્શ થવી જરૂરી છે, આદીવાસી વિસ્તારના પ્રશ્નો, મહેસુલી કરવેરાના માળખાનું સરળીકરણ તેમજ જિલ્લા પંચાયતને બીન ખેતીના અધિકાર કલેકટર પાસે કેન્દ્રીત થતા જિલ્લા પંચાયતની મહેસુલી આવકમાં ધટાડો થયેલ અને ઓન લાઇન બીન ખેતી પ્રકીયા થતા જિલ્લા પંચાયતની જુની પધ્ધતિમાં થતી સ્થળ ખરાઇ વિવિધ ખાતાઓના નો-ઓબ્જેકેશન સર્ટી. વગેરે પ્રથા બંધ થતાં નવા પ્રશ્નો ઉદભવેલ તે અંગે પણ રજુઆત થયેલ,ગ્રામીણ વિસ્તારમાં આકારણી થતા મકાનવેરાની પુન વિચારણા કરવા જેમ ( GeM ) પ્રોટોલ ઉપર ખરીદી સંદર્ભે, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓને ધારાસભ્ય- સંસદસભ્ય માફક વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવા, ગ્રામીણ વિસ્તારમાં રસ્તાના કામો, ૧૫માં
નાણાપંચમાં ટાઇડ-અનટાઇડ ગ્રાન્ટ રાજયના જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જોગવાઇ કરવા, સ્ટેમ્પ ડયુટી અને રેતી કંકરની ગ્રાન્ટ બાબતે રજુઆતો કરવામાં આવેલ.

આ પરિસંવાદમાં ગ્રામ કક્ષાએ ડોર ટુ ડોર કચરાનું કલેકશન અને નિકાલનું સુવ્યવસ્થિત આયોજન, પંચાયત વિભાગની સિધ્ધીઓ ગુડ ગવર્નન્સ માસ્ટર પ્લાન પ્રેઝન્ટેશન, ૧૫મું નાણાપંચ, ડીસ્ટ્રકીટ ડેવલોપમેન્ટ પ્લાન,તાલુકા ડેવલોપર્મેન્ટ પ્લાન અને અન્ય યોજના સાથે સમન્વય તેમજ ગ્રામીણ વિકાસમાં જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓની ભૂમિકા અને તે લગત ફિલ્મ નિર્દેશન થયેલ.

આ ઉપરાંતના સેશનમાં નાણાનું સુવ્યવસ્થિત આયોજન તથા નાણાંકીય શિસ્ત તેમજ સ્વભંડોળ વધાવવું અને અસરકારણ ઉપયોગ કરવો પ્રેઝન્ટેશન થયેલ.ગ્રામ વિકાસ કમિશ્નરશ્રી મીલિંદ તોરાવણે દ્રારા ગ્રામ વિકાસની યોજનાના સફળ અમલીકરણ કરવા પદાધિકારીશ્રીઓને જણાવેલ.

મુખ્યમંત્રીશ્રી દ્વારા પ્રારંભે પંચાયત વિભાગ દ્રારા પંચાયતીરાજને વધુ સુદૃઢ અને સક્ષમ બનાવવા માટે પંચાયતીરાજ ઇન્ફોરમેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ (PARINAM )પોર્ટલનું ઇ-લોકાપણ કર્યું હતું.

અંતમાં ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના પ્રમુખશ્રી અને ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી નયનાબેન પટેલ આભારવિધિ કરેલ અને આ પરિસંવાદ કરવા બદલ પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી મનોજ દાસ, વિકાસ કમિશ્નરશ્રી સંદીપકુમાર, ગ્રામ વિકાસ કમિશ્નરશ્રી મીલિંદ તોરાવણે તેમજ પંચાયત અને ગ્રામ વિકાસના અધિકારી-કર્મચારીઓનો આભાર માનેલ તેમ ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની એક અખબારી યાદી જણાવે છે.

IMG-20230218-WA0238.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *