Gujarat

ગુજરાતમાં વર્ષ ૨૦૨૧ માં ૭૧ હજાર અને વર્ષ ૨૦૨૨માં ૭૩ હજારથી વધુ કેન્સરના કેસ નોંધાયા

રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, લોકસભામાં ડિસેમ્બર-૨૦૨૨માં દેશભરમાં કેન્સરની સ્થિતિ અંગે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યું છે કે, ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૨૧ માં ૭૧,૫૦૭ જ્યારે વર્ષ ૨૦૨૨ માં ૭૩૩૮૨ કેસ નોંધાયા હતા.
સોમવારે ગુજરાત વિધાનસભા પ્રશ્નોતરીમાં અમદાવાદ સિવિલ મેડિસીટીની ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં નોંધાયેલ દર્દીઓની સંખ્યામાં વર્ષ ૨૦૨૧માં ૨૩,૬૯૫ જ્યારે વર્ષ ૨૦૨૨ માં ૨૫,૧૯૨ દર્દીઓ નોંધાયા હોવાનું જણાવવામાં આવ્યું હતુ.
રાજ્યમાં કેન્સરનું પ્રમાણ રોકવા અને લોકોમાં જનજાગૃતિ માટે છેલ્લા ૮ વર્ષમાં જી.સી.આર.આઇ. દ્વારા ૬૪૧ જેટલા કેમ્પ કરીન્‌ ૫૮ હજાર જેટલા લાભાર્થીઓને વિવિધ ટેસ્ટ, સ્ક્રીનીંગનો લાભ આપવામાં આવ્યો છે.
આ કેમ્પમાં સ્ત્રીઓમાં મુખ્યત્વે થતા ગર્ભાશયના મુખના કેન્સર, સ્તન કેન્સરની ઝીણવટપૂર્વક તરાસ કરવામાં આવે છે. વધુમાં સ્તન કેન્સર માટે મેમોગ્રાફી અને ગર્ભાશયના કેન્સરની તપાસ માટે પેપરસ્મેયર પણ કરવામાં આવે છે.
ગુજરાત સરકારે રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બને તેવું સુદ્રઢ માળખું, સેવાઓ તૈયાર કરી છે. જી.સી.આર.આઇ.માં તાજેતરમાં જ અંદાજિત રૂ. ૮૫ કરોડના ખર્ચે રેડિયોથેરાપી સારવાર માટે અદ્યતન મશીનો વસાવવામાં આવ્યા છે.
જી.સી.આર.આઇ.માં આવતા કુલ દર્દીઓ પૈકી ૩૦ થી ૩૨ ટકા દર્દીઓ અન્ય રાજ્યોમાંથી આવે છે તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *