Gujarat

નિદર્શન મેળામાં ખેડૂતો ખેતીની અવનવી ટેકનોલોજી થી માહિતગાર  બનશે

જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે તા. ૪ ફેબુ્આરીના રોજ  ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળો યોજાશે. કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળ ચાલતા ઓલ ઈન્ડિયા કો–ઓર્ડીનેટડ રીસર્ચ પ્રોજેકટ ઓન ફાર્મ ઈમ્પલીમેન્ટસ એન્ડ મશીનરી,પોસ્ટ હાર્વેસ્ટ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી , ઈરીગેશન વોટર મેનેજમેન્ટ અને પ્લાસ્ટીકલ્ચર એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજીસ, આત્મા પ્રોજેકટ, જૂનાગઢ અને ઈન્ડીયન સોસાયટી ઓફ એગ્રીકલ્ચરલ એન્જીનીયર્સ, ગુજરાત ચેપ્ટર, જૂનાગઢ દ્વારા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હીની પ્રેરણાથી ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળો–ર૦ર૩નું આગામી તા.૪ ફેબ્રુઆરી નાં રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા આયોજન કરવામાં આવેલ છે.

આપણો ભારત દેશ ખેતીપ્રધાન છે, મોટાભાગની વસ્તી ખેતી પર આધારીત છે અને ખેતીમાંથી રોજગારી મેળવે છે. વાતાવરણની અનિયમિતતા, ખેતમજૂરોની અછત, ઉંચો ખેતી ખર્ચ વિગેરે જેવા પરિબળોને કારણે આજે ખેતી દિવસે ને દિવસે કપરી બનતી જાય છે. જેના પરિણામે ગામડામાથી લોકો શહેર તરફ જઈ રહયા છે. આ પરિસ્થિતીમાં ગામડા ટકાવવા અને ખેતીને બચાવવી હશે તો ખેતીને સરળ બનાવવી જરૂરી છે. આજના ઝડપથી બદલાતા યુગમાં સંશોધનો દ્વારા ખેતીમાં પણ ઘણા આવિષ્કારો થતા રહયા છે. જેમાં જળસંચય, જળ નિયમન, યાંત્રિકીકરણ, ખેતીમાં પ્લાસ્ટીકનો ઉપયોગ, પાકનું કાપણી પછીનું વ્યવસ્થાપન, ખેતીમાં પુનઃ પ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ અને મૂલ્યવર્ધન તેમજ ખેતીમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને રોબોટનો ઉપયોગ આ ખૂબજ અગત્યની બાબતો છે. આ બધી બાબતોને એક સાથે સાંકળવામાં આવે તોજ પાકસંવર્ધનની પ્રક્રિયા સરળ બનશે. જેને લીધે ખેતીની આવકમાં વધારો થશે તેમજ ખેડૂતોની આર્થિક સ્થિતીમાં સુધારો થશે. આવા  આશયથી અને આજનો ખેડૂત ખેતીની અવનવી ટેકનોલોજીથી માહિતગાર થાય, તેનું પ્રત્યક્ષ નિદર્શન લઈ શકે અને ખેતીમાં તેને અપનાવી પોતાની ખેતીને સરળ અને રસસભર બનાવી શકે તે હેતુ સાથે આ નિદર્શન મેળાનું આયોજન કરાયું છે.

આ એક દિવસીય ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળો–ર૦ર૩ નું આયોજન જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટિયાની પ્રેરણાથી, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એચ. એન. ગાજીપરા તેમજ કૃષિ ઈજનેરી વિદ્યાશાખાના પ્રિન્સીપાલ અને ડીનશ્રી તેમજ  ઓર્ગનીઝીંગ સેક્રેટરી ડો. એન. કે. ગોંટિયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યો છે.

આ કાર્યક્રમનો ઉદઘાટન સમારોહ તારીખ ૪ નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે સરદાર પટેલ સભાગૃહ, જૂ.કૃ.યુ., જૂનાગઢ ખાતે યોજવામા આવશે. તેમજ મેળામાં અંદાજીત ૧૦૦૦ જેટલા ખેડૂતો હાજર રહેશે તથા બહોળી સંખ્યામાં ખેત ઓજારો અને મશીનરીના મેન્યુફેકચર્સ ભાગ લઈને તેમના દ્વારા ઉત્પાદીત મશીનોની સવિસ્તાર માહિતિ આપશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ અને ડીનશ્રી તથા આ કાર્યક્રમના ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી ડો. એન. કે.ગોંટિયા તથા આત્મા પ્રોજેકટના ડાયરેકટર અને નાયબ ખેતી નિયામક (તાલીમ), જૂનાગઢ શ્રી ડી. જી. રાઠોડના માર્ગદર્શન નીચે તેમની ટીમો જહેમત ઉઠાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *