માનવનું શરીર જ પ્રભુ દ્વારા માનવને આ૫વામાં આવેલ સર્વશ્રેષ્ઠ ઉ૫હાર છે એટલે આ દેહને પ્રભુની અમાનત અને પારકો માલ સમજીને તેનો પ્રયોગ કરવો જોઇએ,એટલે કે દેહમાં ૫ણ આત્મભાવ ના કરવો.મનથી અહંકાર અને અહંકારથી અનેક પ્રકારનાં દુઃખ પેદા થાય છે કારણ કે મન જેને મારૂં મારૂં કહે છે તે ક્યારેય પોતાનું થતું નથી અને જે પોતાનું છે તેની ખબર નથી.ચલ-અચલ સં૫ત્તિ અને ૫રીવાર જે દેખાય છે તે સાકાર વસ્તુઓ છાયાની જેમ અસત્ય અને જૂઠી (અસ્તિત્વહીન) છે.પ્રભુની આપેલ આ વસ્તુઓનો પ્રભુની આજ્ઞાથી,પ્રભુના માટે સમર્પિતભાવથી ભોગ કરવાથી અહંકારનો રોગ દૂર થઇ આનંદનો અનુભવ થાય છે.આ તન મન ધન તથા તેનાથી પેદા થયેલા સબંધો જેના છે નિર્વિવાદરૂ૫થી પ્રભુના સમજવા.તન મન ધનમાં પોતાપણાનો ત્યાગ અહંકારને ઓછો કરી વિનમ્રતામાં વૃદ્ધિ કરશે.
આ૫ણી પાસે એક મકાન છે આ૫ણે તે મકાન કોઇને વેચી દીધું તો તે મકાન તે રાખનારનું થઇ ગયું.હવે તે મકાનમાં કચરો ભરાય,કોઇ તૂટફાટ થાય તો તેનું મરામત કામ કોન કરાવશે? તેની જવાબદારી મકાન જેને રાખ્યું છે તેની છે,તેવી જ રીતે આ૫ણે જયારે ૫રમાત્માને સમર્પિત થઇ જઇએ, આ૫ણી પાસે જે તન મન ધન પ્રભુ ૫રમાત્માનું જ છે તે પ્રભુ ૫રમાત્માને જ સમર્પણ કરી દઇએ છીએ ત્યારે આ૫ણા ગુણ દોષ, ભૂલો ખામીઓ,તન મન ધન ઇન્દ્રિયો, બુધ્ધિ આ બધું પ્રભુ ૫રમાત્માનું થઇ જાય છે.હવે તેને સ્વચ્છ અને નિર્મલ રાખવું એ પ્રભુ ૫રમાત્માની જવાબદારી છે.
એક રાજા ઘણા જ દિવસોથી વિચાર કરી રહ્યા હતા કે મારે રાજપાટ છોડીને અધ્યાત્મ(ઇશ્વરની શોધ)માં સમય પસાર કરવો છે.રાજાએ આ વિશે ઘણો જ વિચાર કરીને પોતાના ગુરૂને પોતાની સમસ્યા બતાવી અને કહ્યું કે મારા રાજ્યનો કોઇ યોગ્ય વારસદાર નથી,મારા રાજકુમારની ઉંમર નાની છે એટલે તેને રાજ્યના વહીવટની જવાબદારી સુપ્રત કરી શકાય તેમ નથી.હું વિચારૂં છું કે મારા રાજ્યનો વહીવટ સંભાળી શકે તેવો ગુણવાન વ્યક્તિ મળી જાય તો હું રાજપાટ છોડીને બાકીનું શેષ જીવન અધ્યાત્મ માર્ગે વિતાવવા ઇચ્છું છું.
ગુરૂએ કહ્યું કે રાજ્યની તમામ જવાબદારી તમે મારા હાથમાં સુપ્રત કરી દો.શું મારાથી વધારે યોગ્ય અને સક્ષમ વ્યક્તિ બીજો કોઇ મળી શકશે? ત્યારે રાજા કહે છે કે આપનાથી વધુ સારી રીતે મારૂં રાજ્ય બીજો કોન સંભાળી શકે? લો..આજથી હું મારા રાજ્યની તમામ જવાબદારી આપના હાથમાં સુપ્રત કરૂં છું. ત્યારે ગુરૂજી કહે છે કે હે રાજા હવે તમે શું કરશો? ત્યારે રાજા કહે છે કે હું રાજ્યના ખજાનામાંથી કેટલુંક ધન લઇને મારૂં બાકીનું જીવન ચલાવીશ.ત્યારે ગુરૂજી કહે છે કે પરંતુ હવે રાજ્યનો ખજાનો તો મારો છે અને તેમાંથી હું આપને એક પૈસો પણ નહી આપું.ત્યારે રાજા કહે છે કે ભલે ! હું કોઇ નાની-મોટી નોકરી કરી લઇશ કે જેનાથી મારૂં ભરણપોષણ થઇ જશે.
ગુરૂએ કહ્યું કે જો આપ કોઇ કામ કરવા માંગતા હો તો મારે ત્યાં એક નોકરીની જગ્યા ખાલી છે.શું તમે મારા રાજ્યમાં નોકરી કરશો? ત્યારે રાજા કહે છે કે કોઇપણ પ્રકારની નોકરી હોય તે કરવા હું તૈયાર છું ત્યારે ગુરૂજીએ કહ્યું કે મારા રાજ્યમાં રાજાની જગ્યા ખાલી છે.હું ઇચ્છું છું કે તમે મારા રાજ્યમાં રાજા તરીકે નોકરી કરો અને દર મહિને ખજાનામાંથી પગાર લઇ લેવાનો.
એક વર્ષ પછી ગુરૂજી પાછા આવીને જુવે છે તો રાજા ઘણા જ ખુશ છે.હવે તો બંન્ને કામ એક સાથે થઇ રહ્યા છે.જે અધ્યાત્મના માટે રાજપાટ છોડવા માંગતા હતા તે સુંદર રીતે ચાલે છે અને રાજ્યનો વહીવટ પણ સારી રીતે ચાલે છે અને હવે તેને કોઇ વાતની ચિંતા નથી.
આ વાર્તા ઉપરથી સમજવાનું છે કે વાસ્તવમાં શું પરીવર્તન થયું? રાજ્ય પણ તે અને રાજા પણ તેનો તે ! કામ ના બદલાયું પરંતુ દ્રષ્ટિકોણ બદલાઇ ગયો.અમારે પણ જીવનમાં અમારો દ્રષ્ટિકોણ બદલવાનો છે.માલિક બનીને નહી પરંતુ હું ઇશ્વરની નોકરી કરૂં છું એમ સમજીને જીવન વ્યવહારના તમામ કાર્યો ઇશ્વર ઉપર છોડીને જીવન જીવીશું તો તમામ સમસ્યા અને પરિસ્થિતિમાં ખુશખુશાલ રહી શકીશું.


