એક નાવિક એક સાધુને દરરોજ નદીના એક કિનારાથી બીજા કિનારા સુધી લઇ જતો હતો.સાધુ પાસે પૈસા ન હોવાથી નાવિક કોઇપણ જાતનું મહેનતાણું લીધા નદી પાર કરાવતો હતો.નાવિક ભણેલો ન હોવાછતાં સરળ સ્વભાવનો સમજદાર હતો.સાધુ રસ્તામાં નાવિકને જ્ઞાનની વાતો સંભળાવતા હતા.ક્યારેક ભગવાનની સર્વવ્યાપકતા બતાવતા અને ક્યારેક અર્થ સહિત શ્રીમદ ભગવદગીતાના શ્ર્લોક સંભળાવતા હતા.
નાવિક ઘણા જ ધ્યાનથી સાધુની વાતો સાંભળતો અને તેમની વાતોને હ્રદયમાં વસાવી લેતો હતો. એક દિવસ નદી પાર કર્યા બાદ સાધુ નાવિકને પોતાની ઝુંપડીમાં લઇ જાય છે અને કહે છે કે બેટા..હું પહેલાં એક વેપારી હતો.મેં ધન તો ઘણું જ કમાયો પરંતુ મારા પરીવારને આપત્તિમાંથી બચાવી ના શક્યો અને તમામ પરીવારજનો મને છોડીને ધામમાં ગયા છે એટલે હવે આ ધન મારા કોઇ કામનું રહ્યું નથી માટે આ તમામ ધન તૂં લઇ જા જેનાથી તારૂં તથા તારા પરીવારનું જીવન સુખ રૂપે પસાર થાય.
નાવિક કહે છે કે બાબા..હું તમારૂં ધન લઇ શકું તેમ નથી.મફતનું ધન ઘરમાં આવ્યા પછી અમારા બધાનું આચરણ બગડી જશે અને કોઇ મહેનત નહી કરે,આળસુ બની જશે,લોભ-લાલચ અને પાપ વધી જશે.આપે જ મને સર્વવ્યાપક ઇશ્વરનું જ્ઞાન આપ્યું છે એટલે હવે તો મને આ જળની લહેરોમાં પણ ઇશ્વર દેખાય છે.હું ઇશ્વરની નજરમાં જ છું તો પછી તેના ઉપર અવિશ્વાસ કેમ કરૂં? હું મારૂં કર્તવ્યકર્મ કરૂં છું અને બાકીનું ઇશ્વર ઉપર છોડી દઉં છું.
આ વાર્તા તો અહી પુરી થાય છે પણ આ વાર્તા આપણને એક પ્રશ્ન કરે છે કે આ બંન્ને પાત્રોમાં સાચો સાધુ કોન? એક તો સાધુ કે જેના જીવનમાં દુઃખ આવ્યું તો ભગવા કપડાં પહેરીને સંન્યાસ ધારણ કર્યો,ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો અને લોકોને ઉપદેશ આપી શકે તેવી સ્થિતિમાં પણ આવી ગયા તેમછતાં તેઓ ધનની મમતા છોડી ના શક્યા અને સુપાત્રની શોધ કરતા રહ્યા અને બીજી તરફ નિર્ધન નાવિક કે જે સવારે જમી લીધું અને સાંજની ખબર નથી તેમછતાં તેને પારકા ધનની કોઇ ઇચ્છા નથી.તે સંસારમાં લિપ્ત છે,ભગવા પહેરી સંન્યાસ ધારણ નથી કર્યો તેમછતાં તેને ઇશ્વર પ્રભુ-પરમાત્મામાં અતૂટ વિશ્વાસ છે કે હું હરીનો,હરી મમ રક્ષક એ ભરોસો જાય નહી,જે હરી કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહી..
નાવિકે શ્રીમદ ભગવદગીનાના શ્ર્લોકને ફક્ત સમજ્યો નથી પરંતુ તેને વ્યવહારીક જીવનમાં કેવી રીતે ઉતારવા તે પણ શિખ્યો અને પલભરમાં ધનના મોહને ઠુકરાવી દીધો.આમાં સાચો વૈરાગી કોન તેનો વિચાર કરજો?
બ્રહ્મજ્ઞાન વૈરાગ્ય વગર ટકતું નથી.બ્રહ્મજ્ઞાનની વાતો કરે પણ પદ-પ્રતિષ્ઠા-પૈસા સાથે પ્રેમ કરે તે ખરો જ્ઞાની નથી.વિષયમાં વૈરાગ્ય આવ્યા વિના ભક્તિ થતી નથી,ભક્તિ આવે એટલે જ્ઞાન-વૈરાગ્ય આવે છે.વૈરાગ્ય તેને જ કહેવો જોઇએ કે જેને સૌ સિધ્ધિઓને તથા ત્રણ ગુણોને તણખલાની જેમ ગણીને તેનો ત્યાગ કરી દીધો છે,આવો પુરૂષ જ ૫રમ વૈરાગ્યવાન સમજવો.
આ શરીર કેવું છે? તેની જરા કલ્પના કરો..વિચારો તો કદાચ શરીરસુખ ભોગવવામાં ધિક્કાર છૂટે, વૈરાગ્ય આવે.આ શરીરમાં આડાંઅવળાં હાડકાં ગોઠવી દીધેલા છે.તેને નસોથી બાંધ્યા છે.તેના પર માંસના લોચા મારીને ઉપર ચામડી મઢી દીધી છે.ઉપર ચામડી છે એટલે અંદરનો મસાલો દેખાતો નથી.જો ચામડી કાઢી નાખવામાં આવે તો શરીર જોવાની ઈચ્છા પણ થતી નથી.જોતાં જ ધૃણા થાય છે.રસ્તામાં કોઈ હાડકાંનો ટુકડો જોવામાં આવે તો તેને કોઈ અડકતું પણ નથી પણ દેહમાં રહેલા હાડકાંને આપણે પ્રેમ કરીએ છીએ.આ આપણે સમજી શકતા નથી એના જેવી મૂર્ખતા બીજી કઈ હોઈ શકે? શરીરનું સુખ એ આપણું સુખ નથી.આત્માથી શરીર જુદું છે.શરીરમાંથી પ્રાણ નીકળી ગયા પછી તેને જોતાં બીક લાગે છે.


