Gujarat

રામાયણમાં ગરૂડજીએ કાકભુશુંડિજીને પુછેલ સાત પ્રશ્ન સંત અને અસંત વચ્ચે શું ભેદ છે? (૪)  

રામાયણના ઉત્તરકાંડમાં ગરૂડજીએ કાકભુશુંડીજીને સાત પ્રશ્ન પુછ્યા હતા.તે પૈકી ચોથો પ્રશ્ન છે કે સંત અને અસંત વચ્ચે ભેદ શું છે? તેનો જવાબ આપતાં કાકભુશુડીજી કહે છે કે સંતનાં લક્ષણઃમન..વચન અને શરીરથી અન્ય પ્રત્યે ઉ૫કાર કરવો એ સંતોનો સહજ સ્‍વભાવ હોય છે.સંત અન્યના હીત માટે પોતે કષ્‍ટ સહન કરે છે.અસંતનાં લક્ષણઃઅન્યને કષ્‍ટ આપે છે.કષ્‍ટ આપવું એ તેનો સ્‍વભાવ બની જાય છે.

સત્સંગથી મનનો મેલ દૂર થાય છે.સાચો સંત જ ત્રિગુણાતીત બ્રહ્મનાં દર્શન કરાવી શકે છે.સંત પણ બ્રહ્મની જેમ અનાદિ અને અનંત હોય છે એટલે સંત અને હરિમાં સહેજ ૫ણ ભેદ હોતો નથી.જે ભૌતિક માયા સાથે નહી,પરંતુ પ્રભુને પ્રેમ કરે છે તે જ સાચા સંત છે,તે જેવું કરે છે તેવો જ ઉ૫દેશ અન્યને આપે છે.જ્ઞાન અને ભક્તિ બન્નેનો આધાર ગુરૂ છે કારણ કે બ્રહ્મજ્ઞાન ગુરૂ પાસેથી જ પ્રાપ્‍ત થાય છે અને ત્યારબાદ જ સંત-ગુરૂ અને જીવમાત્રની તન-મન-ધનથી સેવા અને સમર્પણભાવ ભક્તિ કહેવાય છે.આ સેવા વ્યક્તિભાવથી નહી પરંતુ બ્રહ્મભાવથી જ કરવી.

તમામને ભ્રમિત કરવાવાળી માયા ભક્તોને ભ્રમિત,લિપ્‍ત કરી શકતી નથી.સંતોનાં વચન માયાસક્ત લોકોની જેમ આચરણહીન હોતાં નથી.સંત ૫ણ માયામાં જ રહે છે.તેમનું ખાવું-પીવું અને પોષણ ૫ણ માયાથી જ થાય છે પરંતુ તે માયા સાથે નહી પરંતુ માયાપતિ પ્રભુ સાથે પ્રેમ કરે છે.માયાનો અંધકાર બ્રહ્મજ્ઞાનના પ્રકાશને પ્રભાવિત કરી શકતો નથી.

નરક એ છે કે જ્યાં બેગુનાહ લોકોની હત્યા કરવામાં આવે છે અને સ્વર્ગ એ છે કે જ્યાં સંત ૫રમ પિતા ૫રમાત્માના ગુણગાન કરે છે અને આ બન્ને આ ધરતી ૫ર જ વિધમાન છે.પૈસાથી બધુ ખરીદી શકાય છે પરંતુ પ્રેમ નમ્રતા સહનશીલતા ખરીદી શકાતી નથી તે તો સંત મહાત્માઓના સાનિધ્યથી જ પ્રાપ્‍ત થાય છે.

તમામ વિષયોમાં વિતરાગ છે તે જ સંત છે,તે મોહ રહિત બ્રહ્મતત્વમાં નિષ્‍ઠાવાન છે.સંત મહાત્મા ચંદ્ર કિરણોની જેમ નિર્મળ હોય છે.

હરિ-ગુરૂ અને સંતમાં કોઇ ભેદ હોતો નથી.સાધુઓનો સંગ મળે તો લાગેલા કાળા દાગ મટી જાય છેકષ્ટ ક્લેશ દૂર થાય છે કેમ કે સાધુ પુરૂષો સાગર જેવા વિશાળ હોય છે.સાચા સંત જિજ્ઞાસુઓને ત્રણ ગુણો(સત્વગુણ રજોગુણ તમોગુણ)થી ૫ર કરી દઇ ત્રિગુણાતીત પ્રભુ ૫રમાત્માનાં દર્શન કરાવી હ્રદયમાં અલૌકિક પ્રકાશ(જ્ઞાન રોશની)થી જીવન ભરી દે છે.સંત એક એવો અથાહ સાગર હોય છે કે જે આદિ અંતથી ૫ર હોય છે.સંતોના ગુણોની ગણતરી કરી શકાતી નથી.સંત અને ૫રમાત્મામાં સહેજ૫ણ ભેદ હોતો નથી.આનો અર્થ એ થાય કે સંતજ્ઞાની ભક્તતત્વજ્ઞ અને ભગવાનમાં સહેજ૫ણ ભેદ હોતો નથી.સાચો સંત ત્રિગુણાતિત કરીને બ્રહ્મનાં દર્શન કરાવે છે.

સંત થવા માટે દાઢી-જટા વધારવાની જરૂર નથી.સ્વભાવને સુધારે તે સંત બને છે.સંતની પરીક્ષા આંખ અને મનોવૃત્તિ ઉપરથી થાય છે.સંત પોતાની આંખને ઇષ્ટદેવમાં રાખે છે.સંતો મનને પરમાત્માના ચરણમાં,પરમાત્માના નામમાં રાખે છે.

મનુષ્ય સંગથી જ સુધરે છે અને સંગથી જ બગડે છે,મનુષ્ય જન્મથી શુદ્ધ હોય છે,બગડેલો હોતો નથી પણ મોટો થતાં જેના સંગમાં આવ્યો હોય તેવો બને છે.તમારે જેવા થવું હોય તેવા લોકોના સંગમાં રહો.અતિ વિલાસીના સંગથી જીવન બગડે છે,ભજનાનંદી સંતનો સંગ કરવાથી જીવન સુધરે છે.

જ્ઞાનીઓ ઈન્દ્રિયોને વિષયમાં જતી અટકાવે છે ત્યારે ભક્તો ઈન્દ્રિયોને પ્રભુના માર્ગમાં વાળે છે. જ્ઞાન ટકતું નથી તેનું એક કારણ છે મનુષ્યનું જીવન વિલાસી બન્યું છેજ્ઞાન બધું પુસ્તકમાં રહ્યું છે મસ્તકમાં રહ્યું નથી.પુસ્તક વાંચીને મેળવેલું જ્ઞાન શાંતિ નહિ આપેઅંદરથી પ્રગટ થયેલું જ્ઞાન શાંતિ આપે છે.પુસ્તકોમાં શું છે તે જાણવા કરતાં મારા મનમાં શું છે તે જાણવું અતિ ઉત્તમ છે.પુસ્તકોની પાછળ પડે તે વિદ્વાન અને પ્રભુના પ્રેમમાં પરમાત્માની પાછળ પડે તે સંત. વિદ્વાન શાસ્ત્ર પાછળ દોડે છે જયારે શાસ્ત્ર સંતની પાછળ દોડે છે. શાસ્ત્રો વાંચીને જે બોલે છે તે વિદ્વાનજયારે પ્રભુને રિઝાવીને તેના પ્રેમમાં પાગલ થયેલા જે બોલે તે સંત.

સુખ-દુઃખમાં જેની મનોવૃત્તિ એકસરખી રહે છે તે સંત છે.પ્રતિકૂળ પરિસ્થિતિમાં જેનું મન શાંત રહે છે તે સંત છે. સંત શોધવા ક્યાં જશોતમે સંત બનશો એટલે સંત મળશે.સંતને જોવાની દ્રષ્ટિ જોઈએ. દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ બને છે.

પરમાત્માની સાથે આ૫ણો સબંધ જોડે તેવા સંત મહાપુરૂષોનો સમાગમ જીવનની કાયાપલટ કરી દે છે.આવા સંતોનો સમાગમ ન મળે તો કુસંગ તો ન જ કરવો પરંતુ અસંગ એટલે સંગ વગરના અથવા એકલા રહી પ્રભુ નામ-સુમિરણનો સહારો લેવાથી લાભ થાય છે,સમય તથા શક્તિ બચી જાય છે.સંત થયા વગર સંતને ઓળખી શકાતા નથી કે સંત મળતાં નથી,સંત થવા મનને સુધારવાની જરૂર છે,ભક્તિની જરૂર છે.સમદ્દષ્‍ટિ ધીરજ શાંતિ અને તમામને સમાન જોવાવાળી દ્રષ્‍ટિ સંતોનાં આભૂષણો છે તથા સંતોનું મોટામાં મોટું આભૂષણ ઇશ્વરની મરજીમાં ખુશ રહેવું તે છે.

સંત નમ્ર,વિનિત,સહનશીલ તથા ધૈર્યવાન હોય છે.તેમનો જીવન જીવવાનો ઢંગ અનોખો હોય છે.સંતોને વિશ્વાસ હોય છે કે ઇશ્વર જે કંઇ કરે છે તે યોગ્ય જ કરે છે અને અસંત હંમેશાં માન-સન્માન પ્રાપ્‍ત કરવાની દોડમાં લાગેલા રહે છે.સંત સંસારમાં  દરેક માનવમાં હરિ દર્શન કરી સમભાવમાં રહે છે.તમામની સાથે પરમ પ્રેમનો જ વ્યવહાર કરે છે.તમામને ભગવતસ્વરૂ૫ સમજીને સમભાવથી તમામની સેવા કરવી એ જ તેમનો સ્વભાવ બની જાય છે,તેમનામાં કોઇ૫ણ પ્રકારનો ભેદભાવ હોતો નથી.સંત તન મન ધનને પ્રભુની અમાનત સમજીને આસક્તિરહિત ત્યાગભાવનાથી પોતાનું જીવન વ્યતિત કરે છે.

સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી

છક્કડીયા(ધાણીત્રા) તા.ગોધરા જી.પંચમહાલ

Svn.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *