ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી ! હવે હું આદરપૂર્વક શ્રીમદ ભગવદ ગીતાના નવમા અધ્યાયનું માહાત્મયનું વર્ણન કરૂં છું જેને તમે સ્થિર મન બનીને સાંભળો.
નર્મદા નદીના કિનારે માહિષ્મતી નામનું એક નગર હતું જ્યાં માધવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો,જે વેદ-વેદાંગનો તત્વજ્ઞ તથા અવારનવાર આવતા અતિથિઓનો આદર સત્કાર કરતો હતો.તેને પોતાની વિદ્યા દ્વારા ઘણું જ ધન કમાવીને એક મહાન યજ્ઞના અનુષ્ઠાનનો શુભારંભ કર્યો.આ યજ્ઞમાં બલિ આપવા માટે એક બકરો મંગાવવામાં આવ્યો.જ્યારે તેની પૂજા કરવામાં આવી ત્યારે બધાના આશ્ચર્ય વચ્ચે બકરાએ ઉંચા અવાજમાં કહ્યું કે હે બ્રાહ્મણ ! આવા ઘણા બધા યજ્ઞો કરવાથી શું લાભ થવાનો છે? આનું ફળ તો નષ્ટ થઇ જનાર છે તથા જન્મ-જરા અને મૃત્યુનું કારણ છે.આ બધું કરવા છતાં પણ મારી વર્તમાનમાં જે દશા છે જુઓ.બકરાના આવા અત્યંત કૌતુહલપૂર્વકના વચનોને સાંભળીને યજ્ઞ મંડપમાં બેઠેલા તમામ લોકોને નવાઇ લાગે છે.તે સમયે યજમાન બ્રાહ્મણે બે હાથ જોડીને અપલક નેત્રોએ બકરાને પ્રણામ કરીને આદર સાથે પુછ્યું કે..
આપ કંઇ કોન છો? આપનો સ્વભાવ અને આચરણ કેવું છે? તથા જે કર્મના લીધે આપશ્રીને આ બકરાની યોનિ પ્રાપ્ત થઇ છે? તે અમોને વિગતવાર કહેવાની કૃપા કરો.
બકરો કહે છે કે હે બ્રાહ્મણ ! ગયા જન્મમાં હું બ્રાહ્મણોના અત્યંત નિર્મળ કૂળમાં ઉત્પન્ન થયો હતો. તમામ યજ્ઞોનું અનુષ્ઠાન કરનાર અને વેદ-વિદ્યામાં પ્રવિણ હતો.એક દિવસ મારી પત્નીએ ભગવતી ર્માં દુર્ગાની ભક્તિથી અમારા બાળકને થયેલ રોગ મટી જાય તે માટે મારા દ્વારા એક બકરો મંગાવ્યો.ત્યારબાદ જ્યારે ચંડિકાના મંદિરમાં એ બકરાનો બલિ ચઢાવવાના સમયે તે બકરાની માતાએ મને શ્રાપ આપ્યો કે હે બ્રાહ્મણોમાં નીચ અને પાપી ! તૂં મારા દિકરાનો વધ કરવા ઇચ્છે છે એટલે હું તને શ્રાપ આપું છું કે તારો પણ બકરાની યોનિમાં જન્મ થશે.
હે દ્વિજશ્રેષ્ઠ ! ત્યારબાદ કાળવશ મારા મૃત્યુ બાદ હું બકરાની યોનિ પામ્યો છું.જો કે પશુયોનિમાં આવ્યો હોવા છતાં મને પૂર્વજન્મની સ્મૃતિ રહી છે.જો આપ સર્વેને સાંભળવાની ઇચ્છા હોય તો હું તમોને અન્ય એક આશ્ચર્યની વાત કરીશ.
કુરૂક્ષેત્ર નામનું એક નગર છે જે મોક્ષ પ્રદાન કરનાર છે.ત્યાં ચંદ્રશર્મા નામનો એક સૂર્યવંશી રાજા રાજ્ય કરતો હતો.એકવાર જ્યારે સૂર્યગ્રહણનો દિવસ હતો તે દિવસે રાજાએ ઘણી જ શ્રદ્ધાથી કાળપુરૂષને દાન આપવાની તૈયારી કરી.તેમને વેદ-વેદાંગમાં પારંગત એક વિદ્વાન બ્રાહ્મણને બોલાવ્યા અને પુરોહિતને સાથે લઇને તીર્થોના પવિત્ર જળથી સ્નાન કરવા માટે જાય છે.સ્નાન બાદ રાજાએ બે વસ્ત્રો ધારણ કર્યા, પવિત્ર અને પ્રસન્નચિત્ત થઇને રાજાએ સફેદ ચંદન લગાવ્યું અને બાજુંમાં ઉભેલા પુરોહીતનો હાથ પકડીને પોતાના નગરમાં પરત આવે છે.નગરમાં આવીને રાજાએ યથોચિત્ત વિધિથી ભક્તિપૂર્વક બ્રાહ્મણોને કાળપુરૂષનું દાન આપ્યું.
તે સમયે કાળપુરૂષનું હ્રદય ચીરીને તેમાંથી એક પાપાત્મા ચાંડાલ પ્રગટ થાય છે,થોડીવાર પછી નિંદા પણ ચાંડાલીનું રૂપ ધારણ કરીને કાળપુરૂષના શરીરમાંથી નીકળીને બ્રાહ્મણની પાસે આવે છે.આવી રીતે લાલ આંખોવાળી ચાંડાલોની જોડી બ્રાહ્મણના શરીરમાં પ્રવેશ કરવા જાય છે તે સમયે આ બ્રાહ્મણ શ્રીમદ ભગવદ ગીતાના નવમા અધ્યાયનો જપ કરતા હતા અને રાજા ચૂપચાપ આ બધું કૌતુક જોઇ રહ્યા હતા.બ્રાહ્મણના અંતઃકરણમાં ભગવાન ગોવિંદ શયન કરતા હતા તેમનું તેઓ ધ્યાન કરતા હતા.
બ્રાહ્મણે જ્યારે શ્રીમદ ભગવદ ગીતાના નવમા અધ્યાયનો પાઠ કરતાં કરતાં ભગવાનનું ધ્યાન કર્યું તેના પ્રભાવથી ગીતાના અક્ષરોથી પ્રગટ થયેલા વિષ્ણુ-દૂતો દ્વારા પીડિત થઇને બંન્ને ચાંડાલો ભાગી જાય છે.આ ઘટના પ્રત્યક્ષ જોનાર રાજાને ઘણી જ નવાઇ લાગે છે.રાજા બ્રાહ્મણને પુછે છે કે વિપ્રવર ! આ ભયંકર આપત્તિમાંથી આપ કેવી રીતે ઉગર્યા છો? આપ કયા મંત્રનો જાપ કે કયા દેવતાનું સ્મરણ કરી રહ્યા હતા? તે પુરૂષ અને સ્ત્રી કોન હતાં? તેઓ અહી કેવી રીતે આવ્યાં હતા? અને તેઓ કેમ ગભરાઇને ભાગી ગયાં હતાં? તે મને વિસ્તારથી કહો..
બ્રાહ્મણ કહે છે કે રાજન ! ચાંડાલનું રૂપ ધારણ કરીને ભયંકર પાપ પ્રગટ થયું હતું અને તે સ્ત્રી નિંદાની સાક્ષાત મૂર્તિ હતી.તે સમયે હું શ્રીમદ ભગવદ ગીતાના નવમા અધ્યાયના મંત્રોની માળા જપતો હતો,તેના પ્રભાવથી મારી ઉપર આવેલ સંકટ દૂર થયું છે.હે મહિપતે ! હું દરરોજ ગીતાના નવમા અધ્યાયનો જપ કરૂં છું જેના પ્રભાવથી ગ્રહ-જનિત આપત્તિઓ મને હેરાન કરી શકતી નથી,આવું સાંભળીને રાજાએ તે બ્રાહ્મણ પાસેથી ગીતાના નવમા અધ્યાયનો અર્થ સહિત અભ્યાસ કર્યો જેથી મૃત્યુ બાદ બંન્ને પરમશાંતિ એટલે કે મોક્ષને પ્રાપ્ત થયા.
આ કથા સાંભળીને બ્રાહ્મણે બકરાને બંધનમુક્ત કર્યો અને પોતે ગીતાના નવમા અધ્યાયના નિત્ય અભ્યાસથી પરમ ગતિને પ્રાપ્ત થયા.
ગીતાના નવમા અધ્યાયનો સાર એ છે કે..તમામ મનુષ્ય ભગવત્પ્રાપ્તિના અધિકારી છે,પછી તે ગમે તે વર્ણ આશ્રમ દેશ વગેરે ના કેમ ના હોય !
નવમા અધ્યાયમાં ભગવાને અત્યંત ગોપનીય વિજ્ઞાન સહિત જ્ઞાન કહ્યું છે જેને જાણવાથી જીવ જન્મમરણરૂપી સંસારથી મુક્ત થઇ જાય છે.જેને જાણ્યા પછી કંઇ જાણવાનું બાકી રહેતું નથી પરંતુ શ્રદ્ધા વિનાના મનુષ્યો ભગવાનને ન પામતાં મૃત્યુરૂપી સંસાર-ચક્રમાં ભટકતા રહે છે.
આ આખું જગત મારા નિરાકાર સ્વરૂપથી પરીપૂર્ણ છે.તમામ પ્રાણીઓ એટલે કે પરા-અપરા પ્રકૃતિરૂપી આખું જગત મારામાં સ્થિત છે પરંતુ હું એમનામાં સ્થિત નથી અને તે પ્રાણીઓ પણ મારામાં સ્થિત નથી.તમામ પ્રાણીઓ મારામાંથી ઉત્પન્ન થાય છે,મારામાં જ સ્થિત રહે છે અને મારામાં જ લીન થાય છે.જો હું તેઓમાં સ્થિત હોત તો તેઓમાં જે પરીવર્તન થાય છે તે મારામાં પણ થાત,તેઓનો નાશ થતાં મારો પણ નાશ થાત તેથી હું તમામમાં વ્યાપ્ત હોવા છતાં નિર્લિપ્ત છું.
પરમાત્મામાં સંસાર છે,સંસારમાં પરમાત્મા છે-આ જ્ઞાન છે અને પરમાત્મા સિવાય અન્ય કંઇ જ નથી-આ વિજ્ઞાન છે.જ્યાંસુધી સુખની ઇચ્છા છે ત્યાં સુધી જ સંસાર છે.જેમ વાયુ આકાશથી ઉત્પન્ન થાય છે આકાશમાં સ્થિત રહે છે અને આકાશમાં જ લીન થાય છે તેવી જ રીતે તમામ પ્રાણીઓ ભગવાનથી ઉત્પન્ન થાય છે,ભગવાનમાં સ્થિત રહે છે અને ભગવાનમાં જ લીન થાય છે.
આસક્તિ અને કતૃત્વાભિમાનપૂર્વક કર્મ કરવાથી મનુષ્ય કર્મોથી બંધાઇ જાય છે.પ્રકૃતિ પરમાત્માને આધિન રહીને સૃષ્ટિની રચના કરે છે પરંતુ જીવ પ્રકૃતિને આધિન થઇને જન્મ-મરણના ચક્કરમાં ભટકે છે. અજ્ઞાની મનુષ્યો ઇશ્વરના સ્વરૂપને જાણતા નથી અને અલૌકિક ભગવાનને પોતાની જેમ લૌકિક સમજે છે. દૈવી પ્રકૃતિને આશ્રિત અનન્ય મનવાળા મહાત્માઓ મને સર્વ પ્રાણીઓનો આદિ અને અવિનાશી સમજીને મારૂં ભજન કરે છે.
જે અનન્ય ભક્તજનો મુજ પરમેશ્વરનું નિરંતર ચિંતન કરતાં કરતાં મારી ઉપાસના કરે છે તે મારામાં નિરંતર લાગેલા ભક્તોનો યોગક્ષેમ(અપ્રાપ્તની પ્રાપ્તિ અને પ્રાપ્તિની રક્ષા) હું પોતે વહન કરૂં છું. સકામભાવે દેવતાઓનું પૂજન કરનારા મૃત્યુ પછી દેવલોકને પ્રાપ્ત થાય છે,પિતૃઓને પૂજનારા પિતૃઓને પ્રાપ્ત થાય છે, ભૂતોને પૂજનારા ભૂત-પ્રેતોને પ્રાપ્ત થાય છે પરંતુ મારૂં પૂજન કરનારા ભક્તો મને જ પ્રાપ્ત થાય છે.
તૂં જે કંઇ કર્મ કરે છે, જે કંઇ ખાય છે,જે કંઇ હોમે છે, જે કંઇ દાન કરે છે, જે કંઇ તપ કરે છે તે તમામ મને અર્પણ કરી દે.મને અર્પણ કરવાથી તૂં કર્મબંધનથી છુટીને મને પ્રાપ્ત થઇશ.હું તમામ પ્રાણીઓમાં સમાનરૂપે છું.કોઇ મને પ્રિય કે અપ્રિય નથી છતાં જે ભક્તો મને પ્રેમથી ભજે છે તેઓ મારામાં છે અને હું તેમનામાં પ્રત્યક્ષરૂપે પ્રગટ છું.
જો કોઇ અત્યંત દુરાચારી પણ અનન્ય ભક્ત બનીને મને ભજે તો તેને સાધુ જ માનવો.તે સત્વરે/ તે જ ક્ષણે ધર્માત્મા થઇ જાય છે અને હંમેશાં રહેનારી પરમ શાંતિને પામે છે,મારા ભક્તનું ક્યારેય પતન થતું નથી માટે અનિત્ય અને સુખ વિનાના મનુષ્ય શરીરને પામીને તૂં મારૂં ભજન કર..
તૂં મારો ભક્ત થઇ જા એટલે કે મારી સાથે આત્મભાવ કર,ફક્ત મારી સાથે સબંધ જોડ,મારામાં મનવાળો થઇ જા. મન ત્યાં જ લાગ છે જ્યાં આત્મભાવ કે પ્રેમ હોય, મારૂં પૂજન કરનારો થઇ જા એટલે તારૂં ખાવું-પીવું, સુવું-જાગવું, આવવું-જવું, કામ-ધંધો વગેરે જે કંઇ ક્રિયા કરે છે તે તમામ મારી પૂજાના રૂપમાં કર, મને પ્રણામ કર એટલે કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે છતાં સદાય પ્રસન્ન રહે, આ રીતે પોતાને મારામાં પરોવીને મારે પારાયણ થયેલો તૂં મને જ પ્રાપ્ત થઇશ તેમાં કોઇ શંકા નથી.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


