સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં તારીખ ૨-૫-૨૦૨૩ના રોજ અહીં બ્રહ્મપુરી ખાતે શ્રી સમસ્ત બ્રહ્મસમાજ પ્રેરિત શ્રી પરશુરામ સેના આયોજિત સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ તથા બ્રહ્મચોર્યાસીનું ભવ્ય આયોજન પ. પૂ. મહંત શ્રી મુક્તાનંદ બાપુ (ચાંપરડા) સભાપતિ શ્રી અગ્નિ અખાડાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ છે.
આ સમારોહના દીપ પ્રાગટય મહંત શ્રી મહેશદાસ બાપુ – મહંત શ્રી બોઘરયાણી ખોડિયાર મંદિર સાવરકુંડલા, શ્રી મુકેશભાઈ બી. ત્રિવેદી – પ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મસમાજ, શ્રી અમિતભાઈ પંડ્યા – પ્રમુખ શ્રી પરશુરામ સેના સાવરકુંડલાની ઉપસ્થિતિમાં તેમજ વિવિધ શહેરોના બ્રહ્મસમાજના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર છે. યજ્ઞોપવિત સંસ્કારના માંગલિક પ્રસંગો સવારે ૭ કલાકે હેમાદ્રી શ્રવણ, ૮ કલાકે ગ્રહશાંતિ, સવારે ૯ કલાકે યજ્ઞોપવિત સંસ્કાર, સવારે ૧૦ – ૧૫ કલાકે કાશીયાત્રા, ૧૧ કલાકે આશીર્વચન વિધી અને બપોરે ૧૨-૩૦ કલાકે બ્રહ્મ ચોર્યાસી ભોજન
આ સમગ્ર આયોજનને આખરી ઓપ આપવા માટે પરશુરામ સેનાની ટીમ રાતદિવસ મહેનત કરી રહી છે. આ સમૂહ યજ્ઞોપવિત સંસ્કારમાં કુલ અગિયાર બ્રહ્મકુમારો આ યજ્ઞોપવિત સંસ્કારનો લાભ લેશે. સમૂહ યજ્ઞોપવિતના મુખ્ય દાતાશ્રી હરેશ કુમાર નાનાલાલ જોષી (ઓડિટર) સમેત અન્ય સહભાગી દાતાશ્રીઓ આ સમૂહ યજ્ઞોપવિત સંસ્કારમાં આર્થિક યોગદાન આપી ધન્યતા અનુભવશે.
