ગ્રામજનોને દોઢ કી.મી. ફરીને જવું પડે અને રોંગ સાઈડમાં ચાલવું પડે છે.!! અકસ્માતનો ભય તાત્કાલિક સર્કલ મુકવા માંગ
ઉના-સોમનાથ-ભાવનગર નેશનલ ફોરટેક હાઈવે બની ગયો અને વાહન વ્યવહાર પણ ધમધમતાં થયાં છે. ત્યારે નેશનલ ફોરટેક ઓથોરિટી દ્વારા હાઈવે રોડ ટચ આવેલ ગ્રામ્ય વિસ્તારોનાં આવતાં ગામો નજીક સર્કલ ડીવાઈડર નહીં મુકાતાં અકસ્માતની ધટના બની રહી છે. તેની ચીંતા લોકોને સતાવી રહી છે. ઉનાના રાણવશી ગામે સર્કલ મુક્વા બાબતે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઇ વંશ દ્વારા અગાઉ આ નેશનલ ફોરટેક માર્ગ બનતો હતો તે સમયે લેખીત પત્ર દ્વારા ભલામણ કરવામાં આવી હતી.
પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા મૌન સેવ્યું હતું અને છેલ્લા એક વર્ષથી વર્તમાન ધારાસભ્ય તેમજ સાંસદ સભ્યને અને લાગતાં વળગતા તંત્રના અધિકારીઓને રજુઆત કરવા છતાં રાણવશી ગામે સર્કલ મુક્વામાં આવ્યુ નથી. આ બાબતે ગ્રામજનો દ્વારા થોડાં સમય પહેલાં હાઈવે જામ કરી વાહન વ્યવહાર અટકાવીને ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ કરીને નેશનલ ફોરટેક ઓથોરિટીની આંખ ખોલવા પ્રયત્ન કરાયો હતો. છતાં નેશનલ ફોરટેક ઓથોરિટી દ્વારા કોઈ કાર્યવાહી નહીં થતાં રોષ સાથે રાણવશીના સરપંચ વિજયભાઈ પીઠાભાઈ રાઠોડ, તલાટી મંત્રી સહિત સેંકડોની સંખ્યા રાણવશી તેમજ આજુબાજુના ગ્રામિણ વિસ્તારના યુવાનો તેમજ અગ્રણી આગેવાનો વિશાળ સંખ્યામાં ભારે સુત્રોચ્ચાર સાથે ઉના નાયબ કલેકટર કચેરી ખાતે પહોંચી રોષ સાથે આવેદનપત્ર આપી પંદર દિવસમાં સર્કલ મુક્વામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
લોકોને દોઢ કી.મી. ફરીને જવું પડે છે..
આવેદનપત્ર આપવા આવેલાં રાણવશી ગ્રામજનોનાં સરપંચ પ્રતિનિધી વિજયભાઈ રાઠોડનાં જણાવ્યા અનુસાર નેશનલ ફોરટેક હાઈવે માર્ગ બનતો હતો. એ વખતે કોન્ટ્રાક્ટરને સર્કલ મુક્વા માંગણી કરી હતી. તેમ છતાં ઈરાદા પૂર્વક સર્કલ નહીં મુકાતાં ગ્રામજનોને દોઢ કી.મી. સુધી દુર ચાલીને જવું પડે છે. અને દોઢેક કી.મી. રોંગ સાઈડમાં વાહનો ચલાવીને નિકળવું પડતું હોવાથી ભારેખમ દોડતાં વાહનોનો ભય અનુભવવો પડે છે. વિધાર્થીઓ, ખેડૂતો, શ્રમિકો તેમજ, હિરાધસુ કારીગરો પોતાના વાહનો રોંગ સાઈડમાં ચલાવવા મજબૂર બનતાં અવાર નવાર અકસ્માત સર્જાય છે. અને નિર્દોષ લોકોનાં જીવ ગુમાવી રહ્યા છે. તાત્કાલિક ધોરણે આ રાણવશી ગામે સર્કલ અથવા ડીવાઈડર મુક્વા માંગણી સાથે આવેદનપત્ર અપાયું છે.

