માલાહાઈડ-ડબલિન
આવતીકાલે માલાહાઈડ ખાતે ભારત અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચનો પ્રારંભ થશે. ભારતી ક્રિકેટર્સની વૈશ્વિક લોકપ્રિયતાને પગલે આયર્લેન્ડ બોર્ડને તડાકો પડી ગયો છે. ભારત અને આયર્લેન્ડની પ્રથમ બે ટી૨૦ મેચની તમામ ટિકિટો ચપોચપ વેચાઈ ગઈ છે. આયર્લેન્ડ બોર્ડે ગુરુવારે જણાવ્યું હતું કે, ભારત અને યજમાન દેશ વચ્ચેની બે ટી૨૦ મેચની તમામ ટિકિટોનું વેચાણ થઈ ગયું છે. આ ઉપરાંત ત્રીજી ટી૨૦ મેચની ટિકિટો પણ ઝડપથી બુક થઈ રહી છે અને તે પણ સંપૂર્ણ વેચાઈ જવાની અપેક્ષા છે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે તમામ ત્રણ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચો ધ વિલેજ માલાહાઈડ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ ખાતે રમાશે. આ સ્ટેડિમની સત્તાવાર ક્ષમતા ૧૧,૫૦૦ વ્યક્તિઓની છે. અગાઉ ભારત આયર્લેન્ડ સામેના તમામ પાંચ ટી૨૦ મુકાબલા જીતી ચૂક્યું છે. ૨૦૦૯ના ઈંગ્લેન્ડમાં રમાયેલા ટી૨૦ વર્લ્ડ કપમાં એમ એસ ધોનીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ ગ્રુપ મુકાબલામાં પણ આયર્લેન્ડને આઠ વિકેટથી હરાવ્યું હતું. આ ઉપરાંત ૨૦૧૮ અને ૨૦૨૨માં આયર્લેન્ડે ભારતીય ટીમ સામે ઘરઆંગણે બે વખત બે-બે ટી૨૦ મેચની શ્રેણી રમી હતી અને તેમાં પણ ભારતનો વિજય થયો હતો. આયર્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન લોરકાન ટકરે જણાવ્યું કે, માલાહાઈડમાં રમવાનો એક અલગ અહેસાસ હોય છે. અમે ભારત જેવી ટોચની ટીમ સામે રમીને મોટી છાપ છોડવા પ્રયાસ કરીશું. ભારતીય ટીમના વધુ સમર્થકો હશે પરંતુ આટલા મોટાપાયે પ્રેક્ષકોની હાજરી આયર્લેન્ડમાં ક્રિકેટ માટે રોમાંચક સાબિત થશે. અમને ભારત સામે અગાઉ વિશ્વ કપ અને ઘરઆંગણે શ્રેણીમાં રમવાનો અનુભવ છે. આયર્લેન્ડની ટીમ સંપૂર્ણ સજ્જ છે તેમ ટકરે વધુમાં જણાવ્યું હતું.


