Gujarat

સોમનાથમાં ધ્વજા પૂજાનું અનેરૂં મહત્વ

ગીર સોમનાથ
દશકો પછી આ વખતે અધિક શ્રાવણ અને શ્રાવણ એમ બમણો શિવોત્સવ આવી રહ્યો છે. શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવના દર્શને લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. અને મોટી સંખ્યામાં મહાદેવની પૂજા અર્ચના કરતા હોય છે. તેમાં પણ ભાવિકોની સૌથી પ્રિય પૂજા એટલે સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા. ત્યારે ૬૦ દિવસનો શ્રાવણ હોય મહાદેવની ધ્વજા પૂજા અગાઉના વર્ષો કરતા વધુ નોંધવાની સંભાવના છે. જેને લઇને ટ્રસ્ટે આગવી તૈયારીઓ કરી મોટીમાત્રામાં ધ્વજા પૂજા થઈ શકે તેવી પૂરતી તૈયારીઓ કરવાનો ર્નિણય કર્યો છે. ધ્વજા પૂજા ભક્તોનું કલ્યાણ કરવાની સાથે તેમના પિતૃઓને સદગતિ આપે છે. ધ્વજા પૂજા કરવાથી ભક્તની યશ, કીર્તિ, અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. ધ્વજા કેતુ સ્વરૂપ પણ માનવામાં આવે છે, જેથી જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ ધ્વજા પૂજા અતી મહત્વની અને પુણ્યદાયક માનવામાં આવે છે. શ્રી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયા બાદ ટ્રસ્ટના તત્કાલીન અધ્યક્ષ અને જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ જામસાહેબ દ્વારા ૧૩ મે ૧૯૬૫ ના રોજ મધ્યાહને ૧૨ઃ૩૦ કલાકે કૌશેય ધ્વજા રોપણ કરવામાં આવ્યું હતું. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરની ધ્વજા એકંદરે ૨૧ મીટરની હોય છે. જેમાં મહાદેવનું ત્રિશૂળ અને નંદીજી બિરાજમાન હોય છે. આ ધ્વજા મંદિરના મુખ્ય શિખર પર ૧૫૫ ફૂટની ઊંચાઈ પર ફરકાવવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા તાલીમ અપાયેલ કર્મચારીઓ શિખરથી નીચે સુધી બંધાયેલ દોરડા અને સેફ્ટી બેલ્ટ સાથે શિખર પર ચડીને ધ્વજારોપણ છે. ભક્તો પોતાના હાથે ધ્વજા શિખર પર ચડાવી શકે તેના માટે ટ્રસ્ટ સ્વહસ્ત ધ્વજા રોહણ સેવા આપે છે. જેમાં ભક્તો ધ્વજને પાત્રમાં મૂકીને દોરડા વડે ઉચ્ચાલન કરીને ધ્વજને શિખર પર પહોંચાડે છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર માટેની ધ્વજાઓ સ્થાનિક મધ્યમવર્ગીય મહિલાઓ પાસે ધ્વજા નિર્માણ કરાવવામાં આવે છે. હાલમાં સ્થાનિક મહિલાઓ ધ્વજાનું નિર્માણ કરી રોજગાર મેળવીને આર્ત્મનિભર બન્યા છે. ૩ પેઢીથી આ પરિવાર ધ્વજા નિર્માણનું કાર્ય કરી રહ્યો છે. તેઓ કહે છે કે ધ્વજા નિર્માણ એ માત્ર કામ નહિ પરંતુ સાધના છે. અને શ્રી સોમનાથ ટ્રસ્ટ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં સ્થાનિક રોજગારને પ્રોત્સાહન આપીને તીર્થનો કાયાકલ્પ કર્યો છે. સોમનાથ ખાતે દર્શન કરવા આવનાર ભક્તો વિશેષ રૂપે ધ્વજા પૂજા કરી પોતાના પરિવાર તેમજ પૂર્વજાેના ઉદ્ધારની પ્રાર્થના કરતા હોય છે. અધિક શ્રાવણ અને શ્રાવણ બંને માસમાં અત્યાર સુધીના તમામ શ્રાવણ માસથી વધુ દર્શનાર્થીઓ આવવાનો અને ધ્વજા પૂજા સહિતની પૂજાઓ વધુ માત્રામાં નોંધવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ ભાવિકોને પ્રેમપૂર્ણ આતિથ્ય અને ઉત્તમ દર્શન અનુભવ આપવાના ધ્યેય સાથે કાર્યરત છે. ત્યારે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈના સતત માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટે અધિક શ્રાવણ અને શ્રાવણમાં આવનાર ભાવિકો માટે સરળ દર્શન વ્યવસ્થા તેમજ મંદિર પરિસરમાં આવેલ નૃત્યમંડપ અને સંકીર્તન ભવન ખાતે સુચારુ પૂજન વ્યવસ્થા ગોઠવી છે. આ કામ માટે ટ્રસ્ટે વિશેષ અધિકારીઓ અને કર્મચારીઓની ગોઠવણ પણ કરી છે. તેમજ પૂજન સામગ્રી, અને અનુસાંગિક વ્યવસ્થાઓ સહિતની પૂર્વતૈયારીઓ પૂર્ણ કરી છે.

Page-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *