શ્રમ સાદાઈ અને સંયમના પૂજારી સંસ્કૃતિવીર રવિશંકર મહારાજને વંદન
*
આઝાદીની મહાચળવળના સાક્ષી બનેલા ખેડા જિલ્લાના વીર સપૂત એટલે રવિશંકર મહારાજ
*
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે ૧૫ મી ઓગસ્ટ, ૨૦૨૩ના સ્વતંત્રતા પર્વના અવસર પર “માતૃભૂમિની માટીને નમન વીરોને વંદન “ ની થીમ પર ખેડા જિલ્લામાં તા. ૦૯મી ઓગસ્ટથી “મારી માટી, મારો દેશ” અભિયાન શરૂ થઈ રહ્યું છે.
અંગ્રેજો વિરૂદ્ધ આઝાદીની ચળવળમાં દેશ અને રાજ્યના અનેક વીર સપૂતોએ પોતાના પ્રાણ ન્યોછાવર કરેલા જેમાં ખેડા જિલ્લાના વીર સપુત એટલે રવિશંકર મહારાજ
મૂકસેવક, લોકસેવક અને ગુજરાતના ‘દાદા’ રવિશંકર મહારાજને આપણે કેટલા ઓળખીએ છીએ?
રવિશંકર મહારાજનું પૂરું નામ રવિશંકર શિવરામ વ્યાસ. ગુજરાતની ગુનેગાર ગણાતી અને પ્રજાને ત્રાસરૂપે નીવડેલી કોમોમાં મહારાજે જીવનભર કામ કર્યું. તેમના અંતરમાં માતાનું અમર્યાદ વાત્સલ્ય ભર્યું પડ્યું હતું. ટૂંકા ધોતિયા પર કસવાળા કેડિયાવાળી, માથે ટોપી અને ઉઘાડા પગની મહારાજની લગભગ બે મીટર ઊંચી તામ્રવર્ણી કાયાએ ગુજરાતનો ખૂણેખૂણો ખૂંદી નાખ્યો હતો. ગુજરાતના લોકજીવનની એની તન્મયતાએ એમને સાચા લોકસેવક બનાવ્યા. ઘણાં વર્ષો પર અમદાવાદમાં એક જણાના ઓટલે ઉતારેલા પોતાના નવા જોડા ચોરાઈ ગયા ત્યારથી એમણે જોડા પહેરવા છોડી દીધા હતા.
શ્રમ સાદાઈ અને સંયમ એ મહારાજના જીવનના ત્રણ પ્રધાન ગુણો હતા. જનતાને પણ તેમણે એ જ ગુણો કેળવવાનો બોધ આપ્યો. તેઓ ચેતવણી રૂપે કહેતા હવેનો જમાનો પરિશ્રમનો આવે છે. પરિશ્રમ નહિ કરે તે ભૂખે મરશે.
મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ એમનું વતન. મહારાજનો જન્મ માતર તાલુકાના રઢુ ગામે વિ.સં.૧૯૪૦ની મહાશિવરાત્રીના એટલે કે ૨૫મી ફેબ્રુઆરી, વર્ષ ૧૮૮૪ના રોજ થયેલો. નાનપણમાં ખૂબ તોફાની હતા. માતા પાસે બેસી કિશોર રવિશંકર માતાને રામાયણ ભાગવત વગેરે સંભળાવે એટલું જ નહિ પણ માતા સાથે દળણું દળવા પણ બેસી જાય. ધૂળી નિશાળના આચાર્ય એમના જ પિતા. એ શિવરામ મહેતાજી વિદ્યાર્થીના અભ્યાસની કચાશ સહી લેતા, પણ સંસ્કારની કચાશ મુદ્દલ નહિ.
પંદર સોળ વર્ષની વયે ફાટી નીકળેલ પ્લેગની મરકી વખતે મૃત્યુ પામેલાઓને અગ્નિદાહ આપવામાં વ્યસ્ત રહેતા. પિતા પાસે ૬ ચોપડી ભણ્યા એ જ એમનુ ભણતર. પણ માનવસંસર્ગ અને કુદરત પાસેથી એમણે વિપુલ જ્ઞાન મેળ્યે મહારાજ છેક નાનપણથી નિર્ભય. ભૂત જોવા મધરાતે સ્મશાનમાં જવું, લડતા પાડાને લાકડી વડે છૂટા પાડવા, બહારવટિયાની શોધમાં એકલા ઘૂમવું એ તો મહારાજને માટે રમત વાત, સમાજ અને ધર્મની દુર્વ્યવસ્થા તેમને ખૂંચતી. કાકાસાહેબે મહારાજને સંસ્કૃતિવીર કહ્યા હતા. ડુંગળીચોર તરીકે પ્રસિદ્ધિ પામેલા મોહનલાલ પંડ્યાના સંપર્કમાં મહારાજ આવેલા. તે અરસામાં દક્ષિણ આફ્રિકાથી હિંદ આવી ગાંધીજી અમદાવાદ રહ્યા.
પછી તો સ્વદેશી ભાવનાથી એવા રંગાયા કે પત્નીને કહ્યું કે, આજથી આ મિલકત તમારી અને દેશ મારો, લોકસેવાનું વ્રત લઈ એ ગામડે ગામડે ફર્યા. ઝવેરચંદ મેઘાણીએ ‘માણસાઈના દીવામાં રવિશંકર મહારાજને મોટેથી સાંભળેલી વાતો રજૂ કરી મહરાજની અતિ ઊજળી બાજુનું દર્શન સૌને કરાવ્યું છે.
વર્ષ ૧૯૬૦ના મે માસની પહેલી તારીખે મુબઈના દ્વિભાષી રાજ્યોમાંથી છૂટું પડી વર્તમાન ગુજરાત સર્જાયું. એ ગુજરાત રાજ્યનું ઉદઘાટન કરવા માટે રવિશંકર મહારાજને પસંદ કરવામાં આવ્યા હતા. સમગ્ર જીવનદર્શનના નિસ્તારરૂપે એમણે કહ્યું છે કે, શ્રમ કર્યા વિના જીવે એ હિંસા કરે છે. અહિંસક એ કહેવાય જે કોઈનું લોહી ના લે. પરસેવો પણ લોહીનો પ્રતિનિધિ છે. આપણા માટે કોઈ પરસેવો પાડે એ પાપ છે.
ગુજરાતના આ મૂકસેવક પ્રખર ગાંધીવાદી હતા. ૧૦૧ વર્ષમાં પ્રવેશ કરી વર્ષ ૧૯૮૪ના જુલાઈની પહેલી તારીખે તેમણે મહાપ્રયાણ કર્યું. ભૂદાનપ્રવૃત્તિના એ જબરા ચાહક હતા.
શ્રમ સાદાઈ અને સંયમના પૂજારી સંસ્કૃતિવીર રવિશંકર મહારાજને શત શત નમન.
૦૦૦
(સ્ત્રોત મિનેશ પ્રજાપતિ લિખિત ‘ખમીરવંતા ખેડાના સ્વાતંત્ર્ય સેનાનીઓ’ પુસ્તકમાંથી)


