સુરત
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, ભારે પવન સાથે શરૂ થયો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પહેલા જ વરસાદમાં સુરત પાણી પાણી થઈ ગયુ છે. સુરતની ખાડી ઓવરફ્લો થતાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. લગભગ ગળાડૂબ પાણીમા લોકો આવી ગયા છે. સણીયા હેમાદ અને કુંભારીયામાં ઘરમાં પાણી ઘૂસી જતાં લોકો પારાવાર પરેશાન થઈ રહ્યાં છે. ખાડીઓના પુરાણ થઈ જવાના કારણે તે ઓવરફ્લો થઈ રહી છે. જેથી તંત્રની પોલ ફરી એકવાર ખૂલી છે. સુરતની ખાડીમાં ઘોડાપુર આવતા પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદને કારણે પલસાણાના બાલેશ્વર ગામે ખાડીમાં ઘોડાપૂર આવ્યું છે. હાલ બાલેશ્વર ગામે આવેલ ખાડી બે કાંઠે વહેતી થઈ છે. ભારે વરસાદથી આખું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે.તો બીજી તરફ, બત્રીસગંગા ખાડીમાં ભારે પાણીની આવક થતાં નેશનલ હાઇવે તરફ જવાનો રસ્તો બંધ થયો છે. ખાડીમાં પાણીની આવક થતાં બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. ખાડીમાં પાણી આવક થતાં તુંડી, બગુમરા ગામે જવાનો રસ્તો પણ બંધ થયો છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા રસ્તો બંધ કરાયો છે.ખાડીમાં ઘોડાપૂર આવતા ટાંકી ફરિયાના ૨૦૦ જેટલા પરિવારોને અસર થઈ છે. ગતવર્ષે જીડ્ઢઇહ્લ સ્થાનિક પોલીસ દ્વારા અનેક પરિવારોનું રેસ્ક્યૂ કરાયું હતું.
નેશનલ હાઈવે ૪૮ પર પાણી ભરાયા
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઇ છે. વલથાણ નજીક નેશનલ હાઇવે ૪૮ ઉપર ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે વાહન ચાલકોએ હેડ લાઇન ચાલુ રાખવાની નોબત. ભારે વરસાદને પગલે વિઝીબલિટી ડાઉન થઈ છે. તો હવામાન વિભાગે જિલ્લામાં ૩ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને લઈ જિલ્લા કલેકટરે અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે. ભારે વરસાદની આગાહીને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.


