આફત સામે પૂર્વ તૈયારી એ જ ઉપાય હોય છે. ત્યારે જૂનાગઢ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના દરિયા કાંઠામાં બિપોરજોય વાવાઝોડું ટકરાવાની આગાહી કરવામાં આવી છે. જેથી વાવાઝોડા પહેલા કેટલીક પૂર્વ તૈયારી કરી લેવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ ટળી શકે તેમ હોય છે.
વાવાઝોડા પહેલા ફાનસ,ટોર્ચ ખાવાની વસ્તુઓ, પાણી, કપડા રેડિયો જેવા તાત્કાલિક જરૂરિયાતની વસ્તુઓ ભેગી કરી તૈયાર રાખવી જોઈએ. જે લોકો જોખમી વિસ્તારમાં રહેતા હોય તેમણે વાવાઝોડાની પ્રથમ આગાહી સમયે જ સલામત સ્થળે સ્થળાંતર કરવું સલાહભર્યું રહે છે. સાથે જ સ્થળાંતર સમયે ગભરાટ કર્યા વગર પોતાના સામાન તેમજ ઢોર ઢાખરની સલામતીનું ધ્યાન રાખવું. બિમાર વ્યક્તિઓ અને બાળકો માટે ખોરાક, પાણી અને દવાઓની લગભગ સાતેક દિવસ ચાલે તેવી વ્યવસ્થા કરી લેવી હિતાવહ છે.
સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો, સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહો, રેડિયો સેટને પણ ચાલુ હાલતમાં રાખો અને બેટરીથી ચાલતા રેડિયો વાપરવા સલાહભર્યું છે. શાંત રહો અને ગભરાટ કર્યા વગર ઘરના સભ્યો અને ખાસ કરીને બાળકોમાં વાવાઝોડા અને તેની અસરો તેમજ સલામતીના પગલાં વિશે ચર્ચા કરો, જેથી કટોકટીના સમયે કોણે શું કરવું તેનું તેઓને જ્ઞાન રહે. આમ કરવાથી તેઓનો ભય દૂર થશે અને આપત્તિ સમયે ઝડપથી સલામતીભર્યા પગલાં લેવાની સૂઝ વિકસશે. જરૂરી અને કીમતી સામાન પ્લાસ્ટિકમાં પેક કરી શકાય તેમ હોય તો ઉપરના માળે ખસેડી દેવો પણ હિતાવહ છે.
લોકોએ પોતાના અગત્યના દસ્તાવેજો, ફોટોગ્રાફ સાથેના ઓળખ પત્રો તેમજ બ્લડ ગ્રુપની માહિતી સાથે રાખો. જેથી ઈજા પામવા, ગુમ થવા કે મૃત્યુ પામવાના કિસ્સામાં ઓળખ શક્ય બને અને ફાનસ, ટોર્ચ, વધારાની બેટરી, ધાબળા, કપડા અને પ્રાથમિક સારવારની કીટ પણ સાથે રાખવી. પોતાના આવાસની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરવાનો પ્રયત્ન કરો. ઉપરાંત કેટલાક લાકડાના પાટીયાઓ રાખો જેથી બારીઓમાં જડી શકાય.
વાહનો પણ ચાલી શકે તેવી સ્થિતિમાં રાખો. તેમજ માછીમારોએ દરિયામાં જવું નહીં અને સલામત સ્થળે બોટને લાંગરવી જોઈએ.
આમ, કેટલીક પૂર્વ તૈયારીઓથી મુશ્કેલીઓને ટાળી શકાય છે.
