સાવરકુંડલા તા.
(બિપીન પાંધી દ્વારા)
શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન – સાવરકુંડલા દ્વારા પન્ના નાયક તથા નટવર ગાંધી ફ્રી પેડ પ્રોજેક્ટ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં તારીખ- ૦૮/૦૬/૨૦૨૩ ના રોજ સાવરકુંડલાનાં ગ્રામ્ય વિસ્તાર વિજપડીમાં શ્રી વી. ડી. નગદીયા હાઈસ્કૂલ , બર્બટાણા તથા બાબરીયાધાર ખાતે પ્રાથમિક શાળામાં શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર દ્વારા કિશોરી-માતાઓની ઘરે- ઘરે મુલાકાત લઈને આ કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી અને ત્યાં તેમના ઘરેથી પ્રોગ્રામનાં સ્થળ સુધી વાહન વ્યવસ્થા પણ કરી હતી. જેમાં માતા અને તરુણીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. જેમાં ૧૯૭૨ તરુણીઓ, માતાઓ- બહેનોને સ્થળ પર વિનામૂલ્યે પેડ તથા પૌષ્ટિક નાસ્તાના વિતરણ કરવામાં આવ્યું. જેમાં વિજપડી ગ્રામ્ય વિસ્તારમાં ૩૫૦ માતા બહેનો તથા શ્રી વી. ડી. નગદીયા હાઈસ્કૂલમાં ૫૫૦ તરુણીઓ, બર્બટાણામાં ૨૫૦ માતાઓ – બહેનો તથા બાબરિયાધાર વિસ્તારમાં ૨૬૧ માતાઓ – બહેનો એ આ કાર્યક્રમનો લાભ લીધો હતો. આ ઉપરાંત ૫૭૫ બહેનોને રી-પ્રજનન તંત્ર વિષે સચોટ માહિતી તથા તે માટેના ઉદભવેલા પ્રશ્નોનું નિરાકરણ આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી ચંદ્રિકાબેન ઘેલાણી કામદાર સાથે રહી માસિક ચક્ર દરમિયાન સ્વચ્છતાનું મહત્વ સમજાવીને માર્ગદર્શન આપ્યું તથા પ્રોગ્રામનો હેતુ ખુબ જ ઊંડાણપૂર્વક સમજાવ્યો હતો. ગ્રામ્ય તરુણીઓને શારીરિક – માનસિક સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો માટે મૌન તોડવા અને મેન્ટલ હેલ્થ વધારવા માટે અમેરીકાથી પ્રતિ વર્ષ સાવરકુંડલા સેવા આપવા આવતા મનોચિકિત્સક શ્રી રશ્મિબા જાડેજા ચૌહાણે વ્યક્તિગત દિકરીઓનો સંપર્ક કરી પોતાનો મુલ્યવાન સમય ફાળવેલ તથા પેડના ઉપયોગનું ડેમોસ્ટ્રેશન પોતાની ઉમદા શૈલીમાં બતાવેલ. યોગ સેન્ટરના નિષ્ણાંત ટ્રેનર શ્રી ગીતાબેન જોષીએ તરુણાવસ્થા, મહિલા સશક્તિકરણ અને તંદુરસ્તી વિશે બહેનોની સાથે સમપરામર્શ કરેલ. નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ હીનાબેન જોષીએ સવિસ્તૃતિથી તરુણાવસ્થા અને માસિક સ્ત્રાવની ઉજવણી, માસિક સ્વચ્છતા જાગૃતી શિબિર વિશે માહિતી આપેલ.
તારીખ ૦૯/૦૬/૨૦૨૩નાં રોજ સાવરકુંડલા શ્રી એસ. વી. દોશી ગર્લ્સ સ્કુલમાં પિરીયડસ મેટર, શિક્ષિત બનીએ, સ્ત્રી સશક્તિકરણ, નિષેધ તોડવા, આત્મવિશ્વાસ કેળવવા, પેડ-વુમન-ટીમએ સક્રિય કામગીરી કરેલ. જેનો ૫૬૧ તરુણીઓએ લાભ પ્રાપ્ત કર્યો હતો.
મનોચિકિત્સક શ્રી રશ્મિબા જાડેજા ચૌહાણે વિદ્યાર્થીનીઓ સાથે ઘનિષ્ઠતાથી મુલાકાત લઈ તેમના પ્રશ્નોનું નિરાકરણ કરેલ. હોલિસ્ટિક હેલ્થ કેર સેન્ટરના હોમિયોપેથી ડોક્ટર ડૉ.અમીબેન પાંધીએ માસિક-પિરીયડ દરમિયાનના પ્રશ્નો અને તેનું નિરાકરણ, તરુણાવસ્થા અને તંદુરસ્તી, અસ્વચ્છતાથી તથા રોગ-પ્રશ્નો સમજાવેલ. આ સાથે શાળાના આચાર્ય, શિક્ષકો, ગ્રામ અગ્રણીઓ અને લાભાર્થીઓએ ખુબ રસપૂર્વક પ્રોગ્રામને સફળ બનાવેલ તે નોંધનીય છે.


