72 ક્વાટરમાંથી નળ કનેક્શનો કાપી નાખ્યા : જોકે વિરોધ બાદ કામગીરી અટકાવાઇ
સરકારી આદેશ બાદ જેતપુરના તંત્રોની કાર્યવાહી : લોકોની સલામતી માટે લેવાઈ રહ્યા છે પગલાં
જેતપુરમાં જર્જરિત ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરના આસામીઓને એક જ દિવસની મહેતલ આપી આજે પાલિકા તંત્રએ કુલ 168 બ્લોકમાંથી 72 ક્વાર્ટરમાં નળ કનેક્શનો કાપી નાખ્યાની ઘટનામાં રહીશોમાં ભારે હો-દેકારો બોલી ગયો હતો. એક તબક્કે અમુક મહિલાઓએ તંત્રની મશીનરીની આડે સૂઈ જઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. પણ પ્રજાની સલામતી માટે રાજ્ય સરકારે જર્જરિત મકાનો દૂર કરવાના જારી કરેલા આદેશોને જેતપુર નવાગઢ નગર પાલિકા તંત્રએ કામગીરી શરૂ કરી હોવાનું કહેવાય છે.
પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરમાં હાઉસિંગ બોર્ડના 168 બ્લોક આવેલા છે. આમાનાં ઘણા આવાસો અત્યંત જર્જરિત હાલતમાં પટકાઈ ગયા છે. બીજી બાજુ આવા જર્જરિત આવાસો પાડી નાખવાના સરકારી આદેશની જેતપુરમાં પણ પાલિકા તંત્રે અમલવારી શરૂ કરતાં આવાસમાં રહેતા લોકોમાં કાગારોળ થઈ પડ્યો હતો. જોકે સ્થાનિકોએ કનેક્શન કાપવાની વાતનો વિરોધ નોંધાવતા અંતે પાલિકાના એન્જિનિયરે મામલો થાળે પાડી, પ્રજાની સલામતી માટે કદમ ઉઠાવાતું હોવાનું જણાવ્યું હતું.
બોક્સ :
એક દિવસની મહેતલ જ મળી હોવાનો ક્વાર્ટરમાં રહેતા લોકોનો આક્ષેપ
ગુજરાત હાઉસિંગ બોર્ડની ટીમને સાથે રાખીણવે પાલિકા અને મામલતદાર તંત્ર આજે ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનો પર કામગીરી કરવા ગયું ત્યારે વિરોધ થયો હતો. લોકોએ કહ્યું કે હજુ તો કાલે સર્વે કરી ગયા અને આજે બીજા જ દિવસે તંત્રએ મારતે ઘોડે આવીને ધડાધડ નળ કનેક્શનો બટકાવવા માંડતા અમો પાણી વગર કેમ રહી કે જીવી શકીશું ? થોડો સમય તો આપવો જોઈને અન્યત્ર સ્થળાંતર માટે ? અત્યારે ચોમાસું જામી રહ્યું છે ત્યારે મકાન પણ કયા શોધવું ? વિગેરે બાબતો અંગે રોષ ઠાલવી તંત્રની કામગીરી અટકાવી દેવાઈ હતી.
બોક્સ : મહિલાઓએ જેસીબી આગળ બેસી જઈને જતાવ્યો વિરોધ
આજે તંત્ર નળ કનેક્શનો કાપવા ગયું ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા મહિલા વર્ગે જેસીબી આગળ બેસી, સૂઈ જઈને કામગીરી અટકાવીને વિરોધ નોંધાવ્યો હતો.


