ગાંધીનગર
ભારત પ્રથમવાર જી-૨૦નું યજમાન બન્યું છે અને તેના ભાગરૂપે ગુજરાતમાં પણ મહત્વની બેઠકો યોજાઇ રહી છે. ગુજરાતમાં જી-૨૦ બેઠકોના આયોજન અને મહેમાનોના સત્કાર, રહેઠાણ, ભોજન સહિતની વ્યવસ્થા પાછળ રાજ્ય સરકાર દ્વારા ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ માટે બજેટમાં આ રકમની ફાળવણી કરવામાં આવી છે. જી-૨૦ની કુલ બેઠકો પૈકી ગુજરાતમાં ૧૫ જેટલી બેઠકો યોજાનાર છે જેમાંથી અત્યારસુધીમાં ત્રણ બેઠકો ગાંધીનગર, અમદાવાદ અને કચ્છના ધોરડો ખાતે યોજાઇ ગઇ છે. હજુ ચાલુ વર્ષ દરમિયાન ૧૨ જેટલી બેઠકો યોજાનાર છે. વિવિધ ૭ જેટલા સ્થળોએ યોજાનાર આ બેઠકોમાં આમંત્રિતોના પ્રોટોકોલ મુજબની વ્યવસ્થા, આયોજન અને આતિથ્ય સત્કાર માટે ગુજરાત સરકાર દ્વારા છૂટથી ખર્ચ કરવામાં આવનાર છે. આ ખર્ચ ઉદ્યોગ વિભાગ દ્વારા ઉઠાવવામાં આવશે. ગુજરાતની ઓળખ સમી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ છેલ્લા ૪ વર્ષથી યોજી શકાઇ નથી. કોરોનાને કારણે ૨૦૨૧ની વાયબ્રન્ટ સમિટ રદ થયા બાદ ૨૦૨૨ અને ૨૩માં પણ આયોજન થઇ શક્યું નથી. હવે વર્ષ ૨૦૨૪માં સમિટ થશે કે નહીં તેની ખાતરી નથી, તેથી સરકારે હાલ નામ પૂરતી માત્ર એક કરોડ રૂપિયાની જાેગવાઈ કરી છે. દેશના પ્રથમ સેમિકન્ડક્ટર ચીપ્સના ધોલેરામાં વેદાન્તા-ફોક્સકોન ગૃપ દ્વારા સ્થપાનારા પ્લાન્ટ માટે ધોલેરા ખાતે ૭૦૦ એકર જમીન ફાળવી છે ત્યારે સેમિકન્ડક્ટર પોલીસી હેઠળ આ પ્રોજેક્ટને મળનારા ૫૨૪ કરોડની જાેગવાઇ બજેટમાં કરવામાં આવી છે. ૮ મહત્વના યાત્રાધામોમાં યાત્રાધામ વિકાસ બોર્ડની ઓફિસ અને ઇન્ફર્મેશન સેન્ટર બનાવવા ૪ કરોડ રૂપિયા ફાળવાયા છે. પાવાગઢ મંદિરમાં માસ્ટર પ્લાન મુજબ વિકાસ કામો માટે વધુ ૧૦ કરોડ, જ્યારે સિદ્ધપુર તિર્થક્ષેત્રના વિકાસ માટે ૫ કરોડ રૂપિયા ફાળવાયા છે.


