Gujarat

જેતપુર-રાજકોટ વચ્ચે ધમધોકાર બાયોડિઝલનો વેપલો શરૂ !

થોડા સમય બંધ રહ્યા બાદ આવો
વેપલો શરૂ થવામાં કોનું હિત સચવાયું
જેતપુર તા. 6
 : જેતપુર – રાજકોટ વચ્ચે ફરી ઠેકઠેકાણે બાયોડિઝલનું ધૂમ વેચાણ શરૂ થઈ ગયાની સચેત લોકોએ લાગતાં વળગતાઓને રજૂઆતો કરવાનું શરૂ કર્યું હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. ત્યારે અમારા નિકટત્તમ વર્તુળોએ પણ આ બાબતે સત્ય જાણવા શરૂ કરેલી મથામણ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને જ રહેશે.
આ અંગે વિગતો મળી રહી છે કે, જેતપુરથી રાજકોટ સુધીમાં કાગવડના પાટિયા પાસે તેમજ ગોમટા ચોકડી પાસે વિગેરે જગ્યાએ ફરી બાયોડિઝલનું વેચાણ શરૂ થયું છે. અગાઉ આવી વ્યાપક ફરિયાદોને લીધે રાજકોટ જિલ્લા કલેકટરે લાલ આંખ કરી બાયોડીઝલનો વેપાર બંધ કરાવ્યો હતો. પણ ફરી એકાએક શરૂ થઈ જવા મામલે સંબંધીતોની ભૂમિકા સામે સવાલો પેદા થયા છે.
આ બાબતે જાણી ગયેલા લોકો હવે ફરી જેતપુરથી રાજકોટ વચ્ચે શરૂ થયેલા બાયોડિઝલના વેચાણને બંધ કરાવવા મેદાને પડ્યા છે. રજૂઆત કરનાર લોકોનું કહેવું છે કે, બાયોડિઝલના વેચાણ કરતાં શખશો યેનકેન પ્રકારે ભાજપ સાથે સંકળાયેલા છે. અને આ કારણે તેઓ ગમે તેને, થાય તે કરી લેવાની ધમકીઓ આપવા લાગ્યા છે. ત્યારે હવે રાજકોટ જિલ્લા કલેકટરની પ્રતિષ્ઠનો સવાલ ઊભો થયો છે કે ગાંધીનગર ખાતેથી છૂટેલા હુકમ બાદ તેઓએ કે સંબંધીતોએ બંધ કરાવેલ બાયોડિઝલનું વેચાણ ફરી શરૂ થવાનું કયું કારણ હોય શકે ? તેવા સવાલો પેદા થયા છે.
બોક્સ : બાયોડિઝલથી વાહનના એન્જિનને મોટું નુકશાન
વાહનોની લે-વેચ અને સર્વિસ – રિપેરિંગ સાથે સંકળાયેલા અભ્યાસુઓનું કહેવું છે કે, ડીઝલ અને પેટ્રોલ સિવાય જો વાહનોમાં બાયોડીઝલ વાપરવામાં આવે તો જે તે વાહનના એન્જિનની અંદાજે 10 વર્ષ આયુષ્ય ઘટી જાય છે એટલે કે એન્જિનને મોટું નુકશાન થવાની પૂરેપૂરી સંભાવના છે. કારણ કે જો બાયોડિઝલનો વપરાશ યોગ્ય અને ફળે તેવો હોય તો જે તે વાહનની કંપનીઓ જ જાહેરાત કરે કે બાયોડિઝલ વાપરજો !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *