*સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે જામનગર જિલ્લાના કેશિયા ગામથી ‘સુજલામ સુફલામ જળ અભિયાન- ૨૦૨૩’નો પ્રારંભ કરાયો*
*જામનગર તા.૧૭ ફેબ્રુઆરી,* સમગ્ર રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના ઉમદા હેતુસર વરસાદી પાણીના સંગ્રહ માટેના મહત્વના ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ નો રાજ્યવ્યાપી પ્રારંભ તા. ૧૭ ફેબ્રુઆરીથી થઈ રહ્યો છે. ત્યારે જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં આવેલા કેશિયા ગામથી સાંસદ શ્રી પૂનમબેન માડમ અને જિલ્લા કલેકટર શ્રી ડો. સૌરભ પારધીના હસ્તે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેશિયા ગામના તળાવને ઊંડું કરવાના વિકાસ કાર્યનું સાંસદ શ્રી પૂનમબેનના હસ્તે ખાતમુહર્ત કરીને જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પ્રાર્થના ગીત અને દીપ પ્રાગટ્ય બાદ સુજલામ સુફલામ જળ અભિયાન- ૨૦૨૩ વિષય આધારિત ટૂંકી ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.
સાંસદ શ્રી પૂનમબેન માડમે તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટિના પરિણામે સુજલામ સુફલામ જળ સંચય અભિયાનની વર્ષ ૨૦૧૮ માં શરુઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા અટલ ભૂજળ યોજના, કેચ ઘી રેઇન યોજના, ટ્રીટેડ વેસ્ટ વોટર પુનઃ ઉપયોગ યોજના, સૌની યોજના-આમ અનેકવિધ પાણી અને સિંચાઈને લગતી યોજનાઓ કાર્યરત છે. સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ એ આપણા સૌનું જનભાગીદારીનું અભિયાન છે. આજે વિશ્વ અને દેશભરમાંથી અનેક નિષ્ણાંતો સૌની યોજના કેસ સ્ટડી કરવા માટે ગુજરાતની મુલાકાત લે છે.
સાંસદશ્રીએ આગળ જણાવ્યું હતું કે, ખેડૂતો અને ગૃહિણીઓને પડતી પાણીની મુશ્કેલીઓ નિવારવા માટે સ્વયં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પહેલ કરી છે. સૌરાષ્ટ્રના દરેક ઘરે-ઘરે પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સૌની યોજનાનો સફળપણે અમલ થયો છે. વિશ્વમાં જ્યારે પીવાના પાણી અને ખોરાકની ગંભીર સમસ્યા સર્જાઈ છે, ત્યારે ગુજરાતની આ સૌની યોજના એક પ્રેરણારૂપ આદર્શ સાબિત થઇ છે. સાંસદશ્રીએ કેશિયા ગ્રામજનોને યોજનાના શુભારંભ બદલ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી એન.એ. ખાંટ અને શ્રી મધુસુદનભાઈ વ્યાસે કરી હતી.
ઉપરોક્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ચંદ્રિકાબેન જે. અઘારા, જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન શ્રી ગોમતીબેન ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ દલસાણીયા,મહિલા સરપંચ શ્રી ભાવનાબેન,તાલુકા પંચાયતના સદસ્યો. સભ્યો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ચૌધરી, રાજકોટ સિંચાઈ વર્તુળ યોજના અધિક્ષક ઈજનેર શ્રી કે. એસ. મહેતા, પ્રાંત અધિકારી શ્રી ડો. સાકરીયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી માધુરીબેન પટેલ, મામલતદાર શ્રી ડાભી, નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી યુ. આઈ. ભગત, ઊંડ જળસિંચન વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી એસ. એસ. હરદયા,અને બને તલાટી કમ મંત્રીઓ આજુબાજુના ગામોમાંથી પધારેલા આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા………….


