Gujarat

મૂરખનાં લક્ષણો

સૌથી મોટો મૂરખ કોન ? આ વિશે એક બોધકથા જોઇએ..પ્રેમચંદ નામના એક જીજ્ઞાસુ ભક્ત હતા.તે હંમેશાં પ્રભુભક્તિમાં જ લીન રહેતા હતા.દરરોજ સવારે વહેલા ઉઠીને પૂજા-પાઠ,ધ્યાન-ભજન કરવાનો તેમનો નિયમ હતો અને ત્યારબાદ તે પોતાની દુકાન ઉપર જતા હતા.બપોરના સમયે ભોજનના સમયે તે દુકાન બંધ કરી દેતા હતા અને ત્યારબાદ તેઓ બપોર બાદ દુકાન ખોલતા ન હતા.બપોર પછીના સમયે તેઓ સાધુ-સંતોને ભોજન કરાવતા હતા,ગરીબોની સેવા કરતા હતા.વ્યાપારમાં જે કંઇ મળતું તેમાં સંતોષ માનીને પ્રભુપ્રીતિવાળું જીવન જીવતા હતા.પ્રેમચંદના આવા વ્યવહારથી લોકોને નવાઇ લાગતી હતી અને લોકો તેમને ગાંડા સમજતા હતા.

લોકો વાતો કરતા હતા કે આ તો મહામૂર્ખ છે.વ્યાપારમાંથી કમાવેલ તમામ પૈસા દાન અને પરોપકારના કાર્યોમાં જ લુટાવી દે છે અને દુકાન પણ અડધો દિવસ જ ખોલે છે.સવારનો સમય પણ તેઓ પૂજા-પાઠમાં જ પસાર કરી દે છે.એકવાર ગામના નગરશેઠજી પ્રેમચંદને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે મેં એક લાલ ટોપી બનાવી છે એમ કહીને નગરશેઠે લાલ ટોપી પ્રેમચંદને પહેરાવતાં કહે છે કે આ ટોપી મૂર્ખાઓ માટે બનાવી છે અને તારા જેવો મોટો મૂર્ખ મારા નગરમાં બીજો કોઇ જોયો નથી એટલે આ ટોપી હું તને પહેરાવું છું અને તને જો તને કોઇ તારાથી મોટો મૂર્ખ દેખાય તો આ ટોપી તૂં તેને પહેરાવી દેજે.

પ્રેમચંદ શાંતિથી તે ટોપી પહેરીને ઘેર આવે છે.એક દિવસ આ નગરશેઠ ઘણા જ બિમાર પડે છે. પ્રેમચંદ તેમની ખબર-અંતર પુછવા તેમને ઘેર જાય છે અને તબિયતના વિશે પુછપરછ કરે છે ત્યારે નગરશેઠ કહે છે કે ભાઇ પ્રેમચંદ ! હવે તો આ દુનિયા છોડીને જવાનો સમય આવી ગયો છે તેની તૈયારી કરૂં છું. ત્યારે પ્રેમચંદ પુછે છે કે ક્યાં જવાની તૈયારી કરી રહ્યા છો? ત્યાં કોઇ વ્યક્તિને તમામ તૈયારીઓ કરવા માટે ત્યાં મોકલ્યો છે? આપની સાથે આપની પત્ની,પૂત્ર-પરીવાર,ધન-ગાડી બંગલા વગેરે લઇને જવાના છો?

નગરશેઠ કહે છે કે ભાઇ ! અંતિમ યાત્રામાં કોન સાથે આવવાનું છે.કોઇ સગા-વહાલા કે ધન-દૌલત સાથે આવતા નથી.આ જીવે એકલા જ જવું પડે છે.સુખના તમામ સાધનો અને સગા-સબંધીઓને તો અહી જ છોડીને જવાનું હોય છે.આત્મા-પરમાત્મા સિવાય કોઇનો સાથ મળતો નથી.નગરશેઠના આ શબ્દો સાંભળતાં જ પ્રેમચંદે લાલ ટોપી ઉતારીને નગરશેઠને પહેરાવી દેતાં કહ્યું કે હવે આ ટોપી તમે પહેરી લો.

ત્યારે નગરશેઠે તેનું કારણ પુછ્યું તો પ્રેમચંદ કહે છે કે મારા કરતાં મોટા મૂરખ તો આપ છો. આપશ્રીને ખબર હતી કે તમામ ભૌતિક સંપત્તિ અને સગાં-સબંધીઓ છેલ્લે તમારી સાથે આવવાના નથી તેમ છતાં આપ સમગ્ર જીવન દરમ્યાન એ લાલચમાં લાગેલા રહ્યા અને આવશ્યકતાઓની પૂર્તિ થઇ જવા છતાં પણ વધુ કમાઇ કરવાના સ્વાર્થમાં લાગેલા રહ્યા,શારીરિક અને ભૌતિક ઇચ્છાઓની પૂર્તિમાં લાગેલા રહ્યા અને ક્યારેય સતકર્મો કર્યા નથી,જરૂરતમંદોની સેવા તો ક્યારેય કરી જ નથી.ઇશ્વરની ભક્તિના માટે સમય તો કાઢ્યો જ નથી,પુણ્ય-દાન કે ધાર્મિક કાર્યો તો કર્યા જ નથી.ધર્મનું આચરણ તો કર્યું જ નથી.. આમ પરલોકમાં જવાની તૈયારી તો આપે કરી જ નથી એટલે તમારાથી મોટો મૂરખ આ જગતમાં બીજો કોઇ નથી !

મૂર્ખનાં લક્ષણો બતાવતાં વિદુરનીતિમાં કહ્યું છે કે જે ઉપદેશને અયોગ્ય હોય એેવાને ઉપદેશ આપે, જે અલ્પ લાભથી સંતોષ માની બેસે,જે પોતાના સ્વાર્થ માટે વારંવાર શત્રુનાં પડખાં સેવે છે, જે સ્ત્રીઓને સાચવવામાં જ કલ્યાણ જુવે છે, જે યાચનાને અયોગ્ય એવાની પાસે યાચના કરે છે, જે પોતે પોતાના વખાણ કરે છે, જે સારા કુટુંબમાં જન્મ્યો હોવા છતાં અયોગ્ય કાર્ય કરે છે, જે નિર્બળ હોવા છતાં બળિયા સાથે નિત્ય વેર રાખે છે, જે અશ્રદ્ધાળુને હિતવચન કહે છે, જે અનિચ્છનિય વસ્તુની ઈચ્છા કરે છે, જે પોતાની પત્નીના પિતા વગેરે પાસેથી સંકટના સમયમાં રક્ષણ મેળવ્યા પછી તેમની પાસે વધારે ધન અને માન વગેરેની કામના રાખે છે, જે પરસ્ત્રીમાં અથવા પારકા ખેતરમાં બીજ વાવે છે, જે સ્ત્રી સાથે હદબહારનો કંકાસ કરે છે, જે પોતાને કોઇ વસ્તુ મળી હોવા છતાં મને યાદ નથી એમ જુઠું બોલે છે, જે વચન આપ્યા પછી પણ યાચકને કશું આપતો નથી, જે દુર્જનને સજ્જન કહીને સ્થાન આપે છે તે મૂરખ છે.

સગાં-સબંધીઓ તમામ સ્વાર્થના સગા છે,દુનિયાના તમામ સગપણ જૂઠા છે,ધન-વૈભવએ ઢળતી છાયા જેવા છે, આપણો સાચો સાથીદાર, ભવસાગરની નૌકાનો સાચો સુકાની પ્રભુ પરમાત્મા છે.મૃત્યુના સમયે સગાં-સબંધીઓ કોઇ જીવની સાથે જતા નથી.જીવ પોતાના સારા-નરસા કર્મો..મન અને ઇન્દ્રિયોના સૂક્ષ્મ રૂ૫ સહિત ૫હેલાંના શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે.જ્ઞાન ભક્તિ સંપન્ન કર્મ કરેલા હશે તો મુક્ત થઇ જવાશે એટલે પરીવાર તથા સબંધીઓના મોહમાં ૫ડીને ક્યારેય એવા કર્મ ના કરવા જોઇએ કે જે અમોને ભવિષ્યમાં મૃત્યુ ૫છી દુઃખદાયી થાય.

સંસારના તમામ સબંધો અસત્ય અને કલ્પિત છે.નિઃસ્વાર્થભાવથી સંસારમાં રહીને ભલે પોતાનો કારોબાર કરો.પોતાના ૫રીવાર તથા સબંધીઓની સાથે તેમને ઇશ્વરનું સ્વરૂ૫ સમજી અનાસક્ત થઇને પ્રેમ કરો પરંતુ ઇશ્વરને ક્યારેય ના ભૂલવા જોઇએ કારણ કે આ માયાવી સંસારમાં તો થોડા સમય માટે જ રહેવાનું છે, છેલ્લે તો એક પ્રભુ ૫રમાત્મામાં જ સમાવવાનું છે.દરેક સમયે અંગસંગ રહેવાવાળા ૫રમાત્માનું ધ્યાન કરતા રહો.સંતોનું હંમેશાં સન્માન કરો કારણ કે સંતનું સન્માન એ ઇશ્વરનું સન્માન છે.મનુષ્યએ પોતાની સામાજીક જવાબદારીઓને નિભાવતાં નિભાવતાં સર્વવ્યાપી પ્રભુનું હંમેશાં શ્વાસે શ્વાસે સુમિરણ કરવું જોઇએ.સામાજીક જવાબદારીઓથી ભાગનારનું આધ્યાત્મિક માર્ગમાં કોઇ સ્થાન નથી.

પવિત્ર અવતારવાણીમાં કહ્યું છે કે જગમાં રહીને સૌની સાથે બધાં જ કામ વ્યવહાર કરો, પરીવારને સગા-સબંધી સૌની સાથે પ્રેમ કરો પરંતુ હ્રદયથી એ ના ભુલો કે મારૂં અસલ ઠેકાણું કયું છે? ચાર દિવસ આ જગમાં રહીને પાછા કયાં જવાનું છે? સર્વ દિશામાં જેનો વાસ છે પલપલ એનું ધ્યાન ધરો,કહે અવતાર સૂનો ગુરૂસેવક તમે સંતોનું સન્માન કરો..

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *