Gujarat

વડોદરામાં પહેલીવાર એર એમ્બ્યુલન્સનો ઉપયોગ, 24 કલાકની પ્રક્રિયા કર્યા બાદ વૃદ્ધાને લઈને સારવાર માટે મુંબઈની ઉડાન ભરી

શહેરમાં પહેલીવાર એર એમ્બ્યુલન્સ દ્વારા મહિલા દર્દીને મુંબઈ લઈ જવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, વૃદ્ધા પોતાના ઘરમાં પડી ગયાં હતાં, જેમાં ઇજા પહોંચતાં તેઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

જોકે વધુ સારવાર માટે મુંબઈ લઈ જવાના હોવાથી તેમના પરિવાર તેઓને એર એમ્બ્યુલન્સ કરવાની રજૂઆત કરતાં 108 એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ હતી.

વડોદરામાં 108 એમ્બ્યુલન્સ દ્વારા અનેક લોકોના જીવ બચાવાયા છે અને તેઓની રાઉન્ડ ધ ક્લોક સેવાથી લાખો લોકોને યોગ્ય સમયે સારવાર મળે છે.

શુક્રવારે શહેરમાં પહેલીવાર 108ની એર એમ્બ્યુલન્સનો ઉપયોગ કરાયો છે. 62 વર્ષિય રૂપાબહેન ભરતભાઈ પટેલ તેઓના ઘરે ગયાં હતાં, જેમાં તેમને તેમને ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.

જ્યાં તેઓને પગ અને કમરમાં ખૂબ પીડા થતી હોવાથી પરિવારે તેઓને મુંબઈની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરી 108 એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી.

24 કલાકની પ્રક્રિયા બાદ તેઓને એર એમ્બ્યુલન્સ મળતાં શુક્રવારે હરણી એરપોર્ટથી રૂપાબહેનને મુંબઈ ખાતે ખસેડાયાં હતાં.