Gujarat

માલસર સ્થિત ગજાનન આશ્રમની પોંડિચરીના લે.ગવર્નરે મુલાકાત લીધી

માલસરના ગજાનન આશ્રમમાં શુક્રવારે દેવ દિવાળીના દિવસે પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે. કૈલાશનાથને આવી નવ નિર્માણ પામનાર આશ્રમની વિગતવાર ચર્ચા કરી હતી. નર્મદા મૈયા ની પૂજા કરી, નર્મદા ઘાટ સહિતની મુખ્ય પાંચ શિલાઓની પૂજા અર્ચના કરી પૂજ્ય ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કરી તેમણે ભોજન પ્રસાદ લીધો હતો.

ગુજરાતના ચાર ચાર મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે વર્ષો સુધી ગુજરાતની સેવા કરનાર કે. કૈલાસનાથનનો ગુજરાતના અનેક વિકાસના કાર્યોમાં હાથ છે.

કૈલાશનાથને ગજાનન આશ્રમના પૂજ્ય ગુરુજી સાથે વર્ષોથી શ્રદ્ધા, વિશ્વાસ તથા આધ્યાત્મિકતાથી જોડાયેલા હોવાથી ગુરુ પ્રત્યેના શિષ્યના ભાવને પ્રગટ કરવા માટે તેમજ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પધારી પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. પૂજ્ય ગુરુજી દ્વારા આશ્રમમાં શૈક્ષણિક ક્ષેત્રમાં શિક્ષિત તેમજ દીક્ષિત વિદ્યાર્થીઓને તૈયાર કરવા, વ્યસન મુક્ત યુવાન, રાષ્ટ્ર માટે સમાજ માટે એક નવી ક્રાંતિ લાવનારા ઋષિ કુમારો તૈયાર કરવા, માલસર તથા આજુબાજુના ગામોના સર્વાંગી વિકાસ માટે નર્મદા નદી ઉપર વિશાળ ઘાટનું નિર્માણ વગેરે અંગે તેમણે વિસ્તારપૂર્વક પૂજ્ય ગુરુજી સાથે ચર્ચાઓ કરી હતી. અને આશ્રમના નવ નિર્માણ માટે શુભકામનાઓ આપી હતી.