ઉનાના અમોદ્રા ખારા વિસ્તારમાં બે ડાલા મથ્થા સિંહ તેમજ અન્ય સિમ વિસ્તારમાં પાંચ મળી કુલ સાતેક જેટલા સિંહના આટાફેરાથી ગામ લોકો તેમજ ખેડૂતોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે.
ડાલા મથ્થા ગામની પ્રાથમિક શાળા તેમજ મુખ્ય બજારમાં અવાર નવાર આવી પશુ પર હુમલો કરી મારણની મિજબાની માણી વહેલી સવારે ફરી ખારા વિસ્તારમાં જતાં રહે છે. મોડી રાત્રે સિંહે એક ગાભણી ગાયનું પ્રાથમિક શાળાની બાજુમાંજ મારણ કર્યું હતું. તેમજ ગામમાં મૂળદાસ મંદિરની સામે અને અન્ય અલગ અલગ જગ્યાઓએ ચાર જેટલાં પશુના મારણ કરેલ હોવાનું જાણવા મળે છે.
આ સિવાય ગામના ખારા વિસ્તારમાં સિહો પરિવારે રહેણાંક બનાવી લીધું હોય તેમ અવાર નવાર જોવા મળતાં હોય છે. ચોમાસાની સિઝનમાં વીજ પુરવઠો બંધ થતો હોય ત્યારે મોડી રાત્રીના શિકારની શોધમાં નીકળી જતા હોય અને ગામમાં તેમજ સીમમાં બિનવારસુ પશુને નિશાન બનાવી મારણ કરતા હોવાનુ સામે આવતા ગ્રામજનોમાં ભય જોવા મળી રહ્યો છે.