Gujarat

ગુજરાત હાઇકોર્ટમાં અરજી પેન્ડિગ હોવાને લીધે વિસાવદર બેઠકની પેટાચૂંટણી જાહેર થઈ નહી હર્ષદ રીબડીયા હાઇકોર્ટમાંથી અરજી પરત લેશે

તાજેતરમાં ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત થઈ છે. પરંતું જે બેઠક પર સૌથી પહેલા ધારાસભ્યનુ રાજીનામું પડ્યું એ વિસાવદર બેઠકની પેટાચૂંટણીની કોઈ જાહેરાત ન થઈ હતી. ત્યારે બે દિવસથી વિસાવદરના પેટાચૂંટણી ચર્ચાન વિષય બન્યો છે. ત્યારે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી મુદે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે હર્ષદ રીબડીયા હાઇકોર્ટમાં અરજી પરત લેશે. ગુજરાત હાઇકોર્ટમાં અરજી પેન્ડિગ હોવાને લીધે પેટાચૂંટણી જાહેર થઈ ન હતી. ત્યારે હવે ગુજરાત હાઇકોર્ટમાં હર્ષદ રિબડિયા અરજી પરત ખેંચશે. હર્ષદ રીબડીયાએ ભુપત ભાયાણીની જીતને હાઇકોર્ટમાં પડકારી હતી. જે અરજી હાઇકોર્ટમાં પેન્ડિગ હોવાની વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ ન હતી.

આખરે અરજી પરત ખેંચાશે તો વિસાવદરની બેઠકની પેટાચૂંટણીનો માર્ગ મોકળો થશે. આમ, એક સમયે ભૂપત ભાયાણીની જીતને પડકનાર હર્ષદ રીબડીયાએ ખુદ ભાયાણી માટે માર્ગ મોકળો કરી દીધો. તો બીજી તરફ, વિસાવદર બેઠકની પેટાચૂંટણી જાહેર ન થતા આપમાંથી ભાજપમાં ગયેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી પણ ચિંતામાં હતા. તેમણે પ્રતિક્રીયા આપતા કહ્યુ હતું કે, વિસાવદર બેઠક પર નિયત સમયે ચૂંટણી થાય તેવા પ્રયાસો ચાલી રહ્યાં છે.

કાર્યકર્તાઓ ઈચ્છે છે કે લોકસભા સાથે જ ચૂંટણી યોજાય. ચૂંટણી પંચ અને હાઇકોર્ટનું હું સન્માન કરું છું. તો બીજી તરફ, વિસાવદર વિધાનસભામાં પેટા-ચૂંટણી યોજવામાં ન આવતા આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા અને મનોજ સોરઠીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર સચિવાલય ખાતે ચૂંટણી કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના શીર્ષ નેતાઓએ ઇલેક્શન કમિશનની ઓફિસમાં ઇલેક્શન કમિશનરને રજૂઆત કરી અને આવેદનપત્ર આપ્યું હતું.

જાે વિસાવદરમાં પેટા-ચૂંટણી યોજવા માટે કદાચ હાઈકોર્ટ જવાની જરૂર પડશે તો આમ આદમી પાર્ટી દ્વારા લડત આપવામાં આવશે તેવુ પણ જણાવ્યું હતું. આ ઉપરાંત હાલ ગુજરાત ભાજપમાં ૪ સીટ પર ઉમેદવારો અંગે કોકડું ગુંચવાયું છે. ૨૦ માર્ચ બાદ બાકી રહેલી ૪ સીટ પર ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે. મહેસાણા, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ઉમેદવારોના નામનું કોકડું ગુંચવાયું છે. ગત ચૂંટણીમાં ભાજપે ૬ મહિલા ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા. અત્યાર સુધી ભાજપે ૪ મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે.

ત્યારે સુરેન્દ્રનગર, અમરેલી અને મહેસાણામાં મહિલાને ટિકિટ મળી શકે છે. પરંતું આંતરિક ચર્ચા એવી છે કે, ચારેય બેઠક પર પાર્ટી નવા બિન વિવાદિત ચહેરાની શોધમાં છે. તો લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ જતા કોંગ્રેસ એક્શનમાં છે. આજકાલમાં ગુજરાતના લોકસભા બાકીના ઉમેદવારો પર મહોર લાગી શકે છે. સાત બેઠકોના ઉમેદવાર અંગે ર્નિણય લેવાઈ શકે છે.