Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં નેશનલ હાઇવે નંબર 56 ઉપર તુટેલો ભારજ નદી ઉપરનો બ્રિજ તથા અન્ય બ્રિજ માટે સાંસદ જશુ રાઠવાની આગેવાનીમાં પ્રતિનિધિઓની નિતીન ગડકરી સાથે દિલ્હીમાં મુલાકાત

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે ભારજ નદી ઉપરનો બ્રિજ તૂટી ગયો છે તથા ડાઈવર્ઝન પણ ધોવાઈ ગયો છે જેથી ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યના વાહન વ્યવહાર પર ભારે ઊંડી વિપરીત અસર જોવા મળી છે. જેના કારણે આજરોજ છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાની આગેવાનીમાં પૂર્વ રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તથા અભેસિંગભાઈ તડવીએ દિલ્હી ખાતે દેશના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિનભાઈ ગડકરી સાથે મુલાકાત કરી હતી..અને સમગ્ર સમસ્યા અંગે અવગત કરાયા હતા. જ્યારે છોટાઉદેપુર જિલ્લાની પ્રજાને પડતી પારાવાર મુશ્કેલીઓ અંગે રાજમાર્ગ મંત્રી એ વહેલામાં વહેલી તકે બ્રિજનું કામ શરૂ કરવામાં આવશે તે માટે બાહેધરી આપી હતી.
છોટાઉદેપુરથી સાંસદના આગેવાનીમાં દિલ્હી ખાતે પ્રતિનિધિ મંડળે રાજમાર્ગ મંત્રી નીતિનભાઈ ગડકરીને રજૂઆત કરી હતી. કે અમારા વિસ્તારમાં ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગ  ઉપરના રોડ અને પુલોને ભારે નુકસાન પહોંચ્યું છે . જ્યારે ફેરકુવા થી બોડેલી નેશનલ હાઇવે નંબર 56 જે મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો મુખ્ય હાઇવે છે. જેમાં પાવીજેતપુર તાલુકાના સિહોદ ગામ પાસે ભારજ નદી ઉપર બનાવવામાં આવેલો બ્રિજ પુરી રીતે તૂટી ગયો છે.
જેના લીધે સમગ્ર વાહન વ્યવહાર બંધ થઈ ગયા છે. અને આ ક્ષેત્રની પ્રજા ભારે ચિંતિત છે. જેથી બંધ થયેલો આ રસ્તો વહેલી તકે પુનઃ શરૂ થશે તેવી પ્રજા આશા રાખીને બેઠી છે.  જ્યારે બનાવવામાં આવેલું ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું હોય જે ડાયવર્ઝન વહેલી તકે ફરી બનાવવામાં આવે એ ખૂબ જરૂરી છે. જ્યારે સદર નેશનલ હાઇવે નંબર 56 પર બનેલા 80 થી 90 વર્ષ જુના બ્રિજ પણ વધુ ક્ષતિગ્રસ્ત થયા છે જેમાં  (1) ઓરસંગ નદી છોટાઉદેપુર નો બ્રિજ (2) મુલધરનો મેરિયા નદી પરનો બ્રિજ (3) તેજગઢ ખાતે આવેલો આની નદી પરનો બ્રિજ પણ નવા બનાવવામાં આવે તે માટે માંગ કરવામાં આવી હતી
છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાએ દિલ્હી થી ટેલીફોન મારફતે જણાવ્યું હતું કે  પૂર્વ રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને અભેસિંગભાઈ તડવી તથા અમારું પ્રતિનિધિ મંડળ આજરોજ  દેશના માર્ગ વ્યવહાર તથા રાજમાર્ગ મંત્રીને મળ્યા અને છોટાઉદેપુરની પરિસ્થિતિ અંગે અવગત કરાવ્યા હતા.
અને વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે તેમ રજુઆત કરી હતી. જેના પ્રત્યુતરમાં મંત્રી એ જણાવ્યું હતું કે ભારજ નદી ઉપરના નવા બ્રિજનું ટેન્ડર વહેલામાં વહેલી તકે થાય તથા ડાઈવર્ઝન તાત્કાલિક બને તે માટે હૈયા ધારણા આપી હતી.  અને ટેન્ડર વહેલું બહાર પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર