દેશભરમાં ક્યારેય પણ બની ન હોય તેવી વિરલ ઘટના જામનગર નજીકના નરારા ટાપુ ખાતે બની છે, જેમાં ઓઇલ કંપનીની 40 વર્ષ જૂની પાઇપલાઇન બદલાવવા માટે ત્યાં મરીન નેશનલ પાર્કના જીવસૃષ્ટિ તેમજ કોરલને ખૂબ જ નુકસાન થાય તેમ હોઈ આ માટે વન વિભાગ અને જિયોલોજીની ટીમે સંયુક્ત રીતે દેશભરમાં પ્રથમ વખત એક અભિયાન હાથ ધરી 16,000 જેટલા જીવસૃષ્ટિઓ અને કોરલને પાંચ કિલોમીટર દૂર ખસેડીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.

જામનગર નજીક આવેલા નરારા ટાપુ મરીન નેશનલ પાર્ક તરીકે જાહેર થયો છે. અહીં અનેક પ્રકારની જીવસૃષ્ટિઓ તેમજ કોરલનો ખજાનો છે. વર્ષે લાખો સહેલાણીઓ આ ટાપુની મુલાકાતે આવે છે ત્યારે મરીન નેશનલ પાર્ક જાહેર થઈ તે પહેલા 40 વર્ષ પૂર્વ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની પાઇપ લાઇન આ વિસ્તારમાંથી પસાર થતી હતી. હવે સમય સાથે આ પાઇપલાઇન બદલવી પડે તેમ હતી પરંતુ મરીન નેશનલ પાર્કના કાયદાઓ અને તેમની નુકસાની અને જેને રાખી આ શક્ય થાય તેમ લાગતું ન હતું પરંતુ વન વિભાગ અને જિઓલોજીની ટીમે પ્રથમ વખત દેશભરમાં કોઈ દિવસ થયું ન હોય તેવું અભિયાન હાથ ધર્યું અને કોરલ જીવસૃષ્ટિઓને મૂળ જગ્યાએથી ખસેડી 5 કિલોમીટર દૂર સ્થળાંતર કરવામાં આવ્યું. બે વર્ષ અને નવ માસ જેટલો સમય આમાં લાગ્યો પરંતુ જીવસૃષ્ટિઓને કોઈ નુકસાન ન થયું અને કોરલ પણ જીવંત રહી જતા વન વિભાગ અને જીયોલોજી ઓફ ઇન્ડિયાની ટીમે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. શિફ્ટિંગમાં ખૂબ જ કાળજી રાખવામાં આવી છે તેમજ હજુ પણ તેમના પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિથી ભારતમાં અન્ય સ્થળોમાં પણ તેનો લાભ મળી શકે તેમ છે.
આ ખૂબ જ પડકારરૂપ કામ હતું
નરારા ટાપુમાં 16,000 જેટલા પરવાળા શિફ્ટ કરવાની કામગીરી કરાઈ હતી, જે ખૂબ જ પડકારજનક હતી. જીયોલોજીની ટીમ મહિનામાં 20 દિવસ પરવાળાઓ અને જીવસૃષ્ટિઓની તપાસ કરતી હતી અને શિફ્ટિંગ થયેલી કોરલમાં 90 %થી વધુ કોરલ જીવંત અવસ્થામાં તેમજ વિકાસ પામી રહ્યા છે. – પરબતભાઈ કરમુર, RFO, મરીન નરારા ટાપુ
ઇન્ટર ટાઈડલ તેમજ સબ ટાઈડલ વિસ્તારમાં કામગીરી થઈ
કોરલ તેમજ દરિયાઈ જીવસૃષ્ટિ અને ખસેડવાની કામગીરી ઇન્ટર એટલે કે ઉપરનો વિસ્તાર અને સબ ટાઈડલ એટલે કે અંદરના વિસ્તારમાં કામગીરી કરવામાં આવી છે. આ માટે બે કિલોમીટરની નર્સરી ઉભી કરવામાં આવી છે. સબ ટાઈડલ વિસ્તારમાં લો ટાઇટ વખતે છથી સાત મીટર અંદર તેમજ સબ ટાઈડલ વિસ્તારમાં વખતે એક મીટર અંદર કામગીરી કરવામાં આવી છે, જેના માટે નવ સાઇટ બનાવવામાં આવી છે.

