વૈધરાજ ના લોકલાડીલા નામથી સમગ્ર જોડિયા પંથકમાં જાણીતા નારણદાસ પીતાંબરભાઈ પોપટ સમાજસેવક તથા સ્વાતંત્ર સેનાની હતા. તેઓનો જન્મ જોડિયા મુકામે 15 જાન્યુઆરી ઈ.સ. 1915 માં થયો હતો.પત્ની નર્મદાબહેન તેમજ બે પુત્રો અને છ પુત્રીઓનો બહોળો પરિવાર જોડીયા ગામમાં જ રહેઠાણ ધરાવતો હતો.પરિવારની જવાબદારી છતાં ઈ.સ.1939માં થયેલ જામનગર રાજ્ય પ્રજા પરિષદની લડતમાં નવાનગર રાજ્યની જુલમશાહી સામેની લડતમાં નારણદાસ પોપટે ભાગ લીધો હતો.આથી જામશાહી રાજ્યના જુલમનો ભોગ બનતા તેઓને જામનગર જીવા સત્તાના ડેલામાં અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. જામનગર રાજ્યએ તેની ઘરવખરી તથા મકાન પણ જપ્ત કરી વેચી નાખ્યા હતા. ઉપરાંત છૂટ્યા તરત જ રાજ્યએ તેમને હદ પાર કર્યા હતા.
જામનગર રાજ્યએ તેમને હદ પાર કર્યા બાદ તેઓ ઈ.સ. 1948- 39 માં થયેલી રાજકોટની લડતમાં જોડાયા હતા. ત્યારબાદ ઇ.સ. 1942માં શરૂ થયેલી ” *હિંદ છોડો*” લડતમાં નારણદાસે મુંબઈ જઈને સક્રિય ભાગ લીધો હતો. આ લડતમાં ઝંપલાવવા બદલ તેમને 10 મહિના કેદની સજા પણ ભોગવવી પડી હતી. આઝાદી બાદ નારણદાસ પોપટ ને ભારત સરકાર દ્વારા પેન્શન તથા તામ્રપત્ર એનાયત કરી સ્વાતંત્ર સેનાની તરીકેની તેમની સેવાની કદર કરી હતી.તેમના આ કાર્યો અંગેની માહિતી હડિયાણા કન્યાશાળાના શિક્ષિકા શ્રી દેવાંગીબેન માધવજીભાઈ બારૈયાએ સંકલન કરી અને આ અનસંગ હિરોને “આઝાદીકા અમૃત મહોત્સવ” પોર્ટલ પર સાંસ્કૃતિક મંત્રાલય દિલ્હી ના સહયોગ થી અપલોડ કરવામાં આવ્યું છે જેથી સંપૂર્ણ દેશ આ દેશભક્તની યશોગાથા જાણી શકે.
દેશભક્ત નારણદાસે દેશ સેવા સાથે ભારતની આઝાદી બાદ સમાજસેવાની પ્રવૃત્તિઓમાં ઝંપલાવ્યું હતું. ઇ.સ. 1949માં “શ્રી જોડિયા સર્વોદય મોટર વાહન વ્યવહાર સહકારી મંડળી લિમિટેડ” ની સ્થાપના કરી પોતાના વિસ્તારના લોકોને વાહન વ્યવહાર ની સેવા પૂરી પાડવા બસ સેવા શરૂ કરી હતી. તેઓની આ બસો ખાસ પુસ્તક કે સ્કૂલ બેગ સાથે રસ્તા પર જોવા મળતા કોઈપણ બાળક માટે ઉભી રહી જતી અને વિના મૂલ્યે તેને સ્કૂલ પર પહોંચાડતી તથા બસો જે ગામડે રાત્રિ રોકાણ કરતી ત્યાં ગામમાં કોઈ બીમાર પડે કે સગર્ભા મહિલાને નજીકના શહેરમાં હોસ્પિટલમાં લઈ જવાની જરૂર પડે તો મંડળીની મંજૂરી વિના ફ્રી ઓફ કોસ્ટ ડ્રાઇવરે તેમને દવાખાને પહોંચતા કરવા તેવી સૂચના નારણદાસે આપેલ. તેમની આવી સેવાને કારણે હજારો વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શક્યા તેમજ કટોકટીના સમયમાં અનેક લોકોના જીવ બચાવી શક્યા.આથી જ તો વૈધરાજની બસ તરીકે ઓળખાતી આ બસ સેવા એ સમગ્ર ગુજરાતમાં કીર્તિ મેળવી હતી. આ મંડળના માધ્યમથી તેમણે જોડિયા તાલુકામાં જોડિયા બસ સ્ટેન્ડ નું નિર્માણ, શાળાના ઓરડા બંધાવવા, ગરીબ તથા જરૂરિયાત મંદોને ચીજવસ્તુ આપવી, દિન દુખીયાઓને મફત બસ સેવા પૂરી પાડવી,પ્રૌઢ શિક્ષણ વગેરે જેવી સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરી હતી.
ગુજરાત રાજ્યની સ્થાપના બાદ પોતાની સહકારી મંડળીની બસોનું ગુજરાત એસ.ટી.માં વિલીનીકરણ કરી તેઓએ રાષ્ટ્રપ્રેમ અદા કર્યો હતો. ઇસ 1962 માં ધ્રોલ -જોડીયા વિસ્તારના ધારાસભ્ય માત્ર 46 વર્ષની વયે બની ઉત્તમ કામગીરી કરી લોક ચાહના તેમણે મેળવી હતી. આમ તેઓ એક યા બીજી રીતે સદાય દેશ સેવા કરતા રહ્યા હતા.
ભારતની આઝાદી માટેની લડતમાં પ્રખર સ્વાતંત્ર સેનાની તરીકેની નારણદાસ પોપટની સેવાઓની કાયમી સ્મૃતિ માટે આઝાદીને 25 વર્ષ પુરા થયા ના અવસર નિમિત્તે 15 મી ઓગસ્ટ 1972 ના રોજ ભારત સરકાર દ્વારા તેમનું સ્મારક જોડિયાના દરબારગઢ મુકામે સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ સ્મારક આજે પણ ત્યાં વિદ્યમાન હોય તમામ નાગરિકોને દેશ સેવાની ઉત્તમ પ્રેરણા પૂરી પાડી રહ્યું છે.
20 ઓગસ્ટ, 1996ના રોજ તેમનું અવસાન થતાં ભારત દેશે એક પ્રખર દેશભક્ત તથા ગુજરાત રાજ્ય એ ઉત્તમ સમાજ સેવક ગુમાવ્યો.

