Gujarat

રસ્તા પર મળેલો મોબાઈલ યાત્રાળુને પરત કર્યો; મૂળ માલિકે ખુશી વ્યક્ત કરતા ડ્રાઈવરના વખાણ કર્યા

અનેકો એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જ્યાં લોકો પોતાનો કિંમતી સામાન સહિતની અન્ય સામગ્રીને ક્યાંય ભૂલી જતા હોય છે કે પછી ગુમાવી દેતા હોય છે કે ખોવાઈ જાય છે. ત્યારે અમુક લોકો દ્વારા તે મળેલી વસ્તુઓને પરત મૂળ માલિક સુધી પહોંચાડી ઈમાનદારીની મિશાલ પેશ કરે છે. યાત્રાધામ અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે. અન્ય ધાર્મિક કાર્યને લઈને અંબાજી આવતા હોય છે.

ત્યારે અમુક લોકોનો કિંમતી સામાન અંબાજીમાં રહી જતો હોય છે કે ખોવાઈ જતો હોય છે. અંબાજીમાં મંદિરમાં પણ અનેકવાર યાત્રાળુઓના મોબાઇલ, પાકીટ, સોનાની વસ્તુઓને મંદિરના સ્ટાફ દ્વારા મૂળ માલિકને પરત આપેલી છે. એવો જ એક વધુ કિસ્સો અંબાજીથી સામે આવ્યો છે.

અમદાવાદથી આવેલા યાત્રાળુઓ જે અંબાજીમાં આવેલા એવલા બીડીમાં કોઈ સામાજિક કાર્યક્રમમાં આવ્યા હતા. ત્યારે તે અંબાજીના હાઇવે પરથી પસાર થતાં જૈન મંદિર આગળ તેમનો મોબાઇલ પડી ગયો હતો. તેમને આ બાબતે કોઈપણ જાણ ન હતી.

ત્યાર બાદ ત્યાંથી પસાર થતાં એક ગાડીચાલક જે અંબાજીના સ્થાનિક હતા, તેમને આ મોબાઈલ પર નજર પડતાં તેમનો મોબાઈલ લઈ મૂળ માલિકને મોબાઈલમાંથી ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ડ્રાઇવરે યાત્રાળુઓને મોબાઈલ પરત આપ્યો હતો.

અમદાવાદથી આવેલા યાત્રાળુઓને મોબાઈલ પરત મળતાં તેમણે ખુશી વ્યક્ત કરી હતી અને ડ્રાઇવરની ઈમાનદારીના વખાણ કર્યા હતા.