મોરબી જિલ્લો ખનીજ સંપદાથી સંપન્ન હોય ખાણ ખનીજ વિભાગને એક વર્ષમાં લીઝથી કરોડની આવક થવા પામી છે. મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યાર બાદની સૌથી વધારે મહેસુલી આવક હોવાનું પણ ખનીજ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
મોરબી જિલ્લામાં આવેલ વાંકાનેર, મોરબી, હળવદ તાલુકાઓમાં બ્લેકત્રેપ, સેન્ડ સ્ટોન, સાદી રેતી અને ફાયર ક્લે તેમજ રેડ ક્લે જેવા ખનીજોની કુલ 385 ક્વોરી લીઝો આવેલી છે. જેને લીધે સરકારને દર વર્ષે કરોડોની મહેસુલી આવક મળતી હોય છે.
જેમાં વર્ષ 2022-23માં 29.28 કરોડની આવક થઇ હતી. જેની સામે ચાલુ વર્ષે 2023-24માં 32.32 કરોડની આવક થવા પામી છે, જે 20 ટકા જેટલો વધારો દર્શાવે છે.

મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી અત્યાર સુધીની સૌથી વધુ મહેસુલી આવક કરવામાં આવી છે. ઉપરાંત જિલ્લામાં ચાલતી ગેરકાયદે ખનીજ ખનન, વાહન અને સંગ્રહની પ્રવૃતિઓ અટકાવવા આકસ્મિક રેડ અને ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે.
જે અંતર્ગત વર્ષ 2023-24માં ગેરકાયદે ખનીજ ખનન, વાહન અને સંગ્રહના 223 કેસ પકડવામાં આવ્યા છે અને 6.15 કરોડની દંડની વસૂલાત કરવામાં આવી છે અને કુલ 9 કેસોમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેવુ ખનીજ વિભાગના અધિકારી જે.એસ.વાઢેર જણાવ્યું હતું.

