125 જેટલા નાના-મોટા કાર્યકરોએ કેસરિયા કરીને ભાજપનો ખેસ ધારણ કર્યો
છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસમાં આજે મોટુ ગાબડું પડ્યું છે. આજે જિલ્લાના 125 જેટલા કોંગ્રેસી કાર્યકરોએ કેસરિયા કરીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે. હાલમાં ભાજપમાં જાણે ભરતી મેળો ચાલી રહ્યો હોય તેમ દરરોજ ભાજપમાં જોડાવા માટે લાઈન લાગી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસમાં આજરોજ ગાબડું પડ્યું છે. 125 જેટલા નાના-મોટા કાર્યકરોએ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.આજરોજ છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસના 125 જેટલા નાના-મોટા કાર્યકરો ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા હતા. જેમાં મહત્વના કહી શકાય એવા છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રૂપસિંગ રાઠવા, જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ ગણપતસિંહ બારીયા, પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મહામંત્રી સિદ્ધરાજ લુહાર, યંગ બ્રિગેડ કોંગ્રેસ સેવાદળના પ્રમુખ નલિનકુમાર બારીયા, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના બક્ષીપંચ મોરચાના રણજીતસિંહ રાજપુત પરમાર સહિત 125 જેટલા કાર્યકરોએ કોંગ્રસને રામ રામ કરીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

