પૂર્વ ચીનમાં એક દુઃખદ અકસ્માતમાં ૧૧ લોકોના મોત થયા છે. અહીં મંગળવારે વહેલી સવારે બનેલી આ ઘટનામાં એક બસે વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને ટક્કર મારી હતી, જેમાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે ૧૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટના બાદ ચારેબાજુ હોબાળો મચી ગયો હતો. આ અકસ્માત શાળાના ગેટ પાસે થયો હતો. ડોંગપિંગ કાઉન્ટી પોલીસ વિભાગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા પૂર્વી પ્રાંત શેનડોંગના તાઈઆન શહેરમાં એક શાળાના મુખ્ય દરવાજા પર સવારે ૭ઃ૩૦ વાગ્યા પહેલા ઉભા હતા. આ દરમિયાન બસે તેને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં છ માતા-પિતા અને પાંચ વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે ૧૩ લોકો ઘાયલ થયા છે.
ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, આરોપી બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ મામલાની તપાસ શરૂ કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બસ વિદ્યાર્થીઓને લઈ જવા માટે તૈયાર કરવામાં આવી હતી. જાેકે, પોલીસ વિભાગે એ જણાવ્યું નથી કે બસ ચલાવવા માટે કોણ જવાબદાર છે.
પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓને લઈ જવા માટે ભાડે રાખેલી બસે અચાનક નિયંત્રણ ગુમાવ્યું અને બાળકો અને તેમના માતા-પિતાને ટક્કર મારી. હાલમાં એ સ્પષ્ટ નથી થયું કે આ માત્ર અકસ્માત હતો કે પછી બાળકો પર જાણીજાેઈને હુમલો કરવામાં આવ્યો હતો. ખરેખર, ચીનમાં બાળકોની શાળાઓ પર હુમલા કોઈ નવી વાત નથી. આ પહેલા પણ ઘણી વખત આવું બન્યું છે.
જૂન મહિનામાં જિયાંગસુ પ્રાંતમાં એક સ્કૂલ બસ સ્ટોપ પર હુમલો થયો હતો. એક વ્યક્તિએ બસ સ્ટોપને નિશાન બનાવીને હુમલો કર્યો હતો, આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. માર્ચમાં, શાનડોંગ પ્રાંતના દેઝોઉ શહેરમાં એક જુનિયર સ્કૂલની બહાર એક વ્યક્તિએ લોકોને કચડી નાખ્યા હતા, જેમાં બે લોકો માર્યા ગયા હતા અને ૬ લોકો ઘાયલ થયા હતા.