International

ઈઝરાયેલે હિઝબુલ્લાના ડ્રોન કમાન્ડરને મોતને ઘાટ ઉતાર્યો

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસની જેમ જ હિઝબુલ્લાહનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. નેતન્યાહુએ જાહેરાત કરી હતી કે, જ્યાં સુધી આતંકવાદીઓ સરહદ પારથી અમારા પર રોકેટ છોડવાનું બંધ નહીં કરે ત્યાં સુધી ઇઝરાયેલ સંપૂર્ણ શક્તિ સાથે તેમના પર હુમલો કરવાનું ચાલુ રાખશે. લેબનોન માટે નેતન્યાહુને ખાધેલી કસમને પગલે, યુ.એસ. અને અન્ય યુરોપીયન દેશો દ્વારા કરવામાં આવેલી યુદ્ધવિરામની ઓફરની આશાઓને ધૂંધળી કરી નાખી છે.

અમેરિકા ભલે ઇઝરાયલને યુદ્ધવિરામ માટે મનાવવાની પ્રયાસ કરી રહ્યું હોય, પરંતુ યુએસએ પાછલા દરવાજાથી ઈઝરાયેલને શસ્ત્રો અને મિસાઇલો માટેના મોટા પેકેજાે પણ આપી રહ્યું છે. આવુ પહેલી વાર નથી, ગાઝા યુદ્ધ દરમિયાન નિર્દોષોના ભયાનક નરસંહારના આરોપો છતાં અમેરિકાએ ઈઝરાયેલને મદદ કરવાનું ચાલુ રાખ્યું. ગુરુવારે, ઇઝરાયેલી સેનાએ લેબનોનમાં નવો હુમલો કર્યો. આ હુમલામાં હિઝબુલ્લાહનો અન્ય એક વરિષ્ઠ કમાન્ડર માર્યો ગયો હતો.

જવાબી હુમલામાં, લેબનીઝ તરફથી ઇઝરાયેલ પર ડઝનેક રોકેટ પણ છોડવામાં આવ્યા હતા. આ ભીષણ સંઘર્ષની અસર એ થઈ છે કે, ઈઝરાયેલ અને લેબનોનના સરહદી વિસ્તારોમાં રહેતા લોકો પોતાનો જીવ બચાવવા ભાગવા લાગ્યા છે. તેમને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવી રહ્યા છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિશ્વ નેતાઓના વાર્ષિક મેળાવડામાં ભાગ લેવા ન્યૂયોર્ક પહોંચેલા નેતન્યાહુએ જાહેરાત કરી હતી કે, જ્યાં સુધી હિઝબુલ્લાહ અમારા પર હુમલો કરવાનું બંધ નહીં કરે ત્યાં સુધી અમે તેના પર સંપૂર્ણ તાકાતથી હુમલો કરવાનું ચાલુ રાખીશું. નેતન્યાહૂએ આ વાત ત્યારે કરી જ્યારે અમેરિકન અને યુરોપીયન અધિકારીઓ મધ્ય પૂર્વમાં શરૂ થયેલા આ નવા સંઘર્ષને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકન અધિકારીઓએ ઈઝરાયેલને યુદ્ધમાં ના જવાની સલાહ આપતા કહ્યું છે કે, કૂટનીતિ દ્વારા આ યુદ્ધ ટાળી શકાય છે.

એક તરફ અમેરિકા યુરોપિયન દેશો સાથે મળીને ઈઝરાયલને યુદ્ધવિરામ અટકાવવા વિનંતી કરી રહ્યું છે. બીજી તરફ ઈઝરાયેલને મિસાઈલ અને હથિયારો માટે પણ જંગી આર્થિક પેકેજ આપવામાં આવી રહ્યું છે. ઇઝરાયેલને તેના ચાલુ સૈન્ય પ્રયાસોને સમર્થન આપવા અને આ ક્ષેત્રમાં ગુણાત્મક લશ્કરી ધાર જાળવવા માટે યુએસ તરફથી ઇં૮.૭ બિલિયનનું સહાય પેકેજ પ્રાપ્ત થયું છે.

ઇઝરાયેલના સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે ગાઝા યુદ્ધ દરમિયાન પણ અમેરિકાએ ઈઝરાયેલને આર્થિક મદદ કરવાનું ચાલુ રાખ્યું હતું. ઈઝરાયેલની સેના પર ગાઝામાં ભયાનક નરસંહાર અને નિર્દોષોની હત્યાનો આરોપ હતો, તેમ છતાં અમેરિકા ઈઝરાયેલને યુદ્ધવિરામ માટે મનાવવાની કોશિશ કરતું જાેવા મળ્યું અને બીજી તરફ તેણે ઈઝરાયેલને મદદ કરવાનું પણ ચાલુ રાખ્યું. પેકેજમાં યુદ્ધ સમયની આવશ્યક ખરીદીઓ માટે ઇં૩.૫ બિલિયનનો સમાવેશ થાય છે. બાકીના ઇં૫.૨ બિલિયન એર ડિફેન્સ સિસ્ટમ્સ માટે ફાળવવામાં આવ્યા છે. જેમાં આયર્ન ડોમ એન્ટી મિસાઈલ સિસ્ટમ, ડેવિડ સ્લિંગ અને એડવાન્સ લેસર સિસ્ટમનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ હાલમાં બે મોરચે લડી રહ્યું છે, ગાઝામાં હમાસ વિરુદ્ધ અને લેબનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ. ઇઝરાયેલના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે આ સહાય “ઇઝરાયેલ અને યુનાઇટેડ સ્ટેટ્‌સ વચ્ચેની મજબૂત અને સ્થાયી વ્યૂહાત્મક ભાગીદારી અને ઇઝરાયેલની સુરક્ષા માટે તેની અડગ પ્રતિબદ્ધતા”ને વધુ મજબૂત બનાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલની સેનાએ દાવો કર્યો હતો કે તેણે બેરૂતના ઉપનગરોમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગ પર હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ડ્રોન કમાન્ડરને મારી નાખ્યો હતો. કમાન્ડર મોહમ્મદ હુસૈન સુરૂર માર્યા ગયા હોવાના ઇઝરાયેલના દાવા પર હિઝબુલ્લાએ તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી ન હતી.