Gujarat

વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનો ભવ્ય સ્વાગત અભિવાદન સમારોહ યોજાયો

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગર દ્વારા તા. ૧૬ નવેમ્બર, રવિવારે સોમનાથ મહાદેવ મંદિર સે.૧૬ પાસેના મેદાનમાં વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માનો ભવ્ય સ્વાગત અભિવાદન સમારોહ યોજાઈ ગયો હતો.

પ્રદેશ ભાજપ પ્રમુખને પાટનગરના આંગણે આવકારવા માટે શહેર ભાજપ પ્રમુખ આશિષકુમાર દવેના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં શહેરમાં વસતા તમામ વર્ણના નાગરિકોની ભારતીય જનતા પાર્ટી માટેની સ્નેહ અને સમર્થનની લાગણી તેમજ કાર્યક્રમને સફળ બનાવવા અર્થે સક્રિયતા સાથે ઉત્સાહપૂર્વકની સહભાગિતા દૃશ્યમાન થઈ હતી. કાર્યક્રમ શરૂ થયા પૂર્વે માનવ મહેરામણ થી ઉભરાયેલું વિશાળ મેદાન ભાજપ સંગઠનની મહેનત અને નાગરિકોના ભાજપ પ્રત્યેના વિશ્વાસ અને સમર્થનની પ્રતીતિ કરાવી રહ્યું હતું. પ્રદેશ ભાજપ અધ્યક્ષ માટેનો પાટનગરવાસીઓનો આવકાર જનમેદનીમાં સ્પષ્ટપણે જાેઈ શકાતો હતો.

મોટી સંખ્યામાં મહિલાઓ પરંપરાગત પરિધાન સાડી અને કેસરી સાફામાં સજ્જ થઈ આવતા તેમજ સમગ્ર મેદાનમાં ભાજપના કેસરિયા ધ્વજ લહેરાતા સમગ્ર વાતાવરણ કેસરીમય બન્યું હતું. વિવિધ સમાજના આગેવાનો તેઓના પરંપરાગત પોશાકની ઝાંખી સાથે સમારોહ સ્થળે પહોંચ્યા હતાં. વિવિધ ગામના નાગરિકો ટ્રેકટરને સુંદર રીતે શણગારી સૌ સમૂહમાં એક સાથે કાર્યક્રમમાં પધાર્યા હતાં. એક યુવાન ઓપરેશન સિંદૂરને બિરદાવતા અતિ સુંદર અને આકર્ષક પરંપરાગત પોષાકમાં સજ્જ થઈને આવ્યા હતાં જે નાગરિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત વિશાળ જનસાગરમાં વિવિધતામાં એકતાના દર્શન થયા હતાં. આ ઉપરાંત સ્ટેજના આગળના ભાગમાં ભારતીય જનતા પાર્ટીના ચિહ્ન કમળ ની સાથે ચરૈવેતી ચરૈવેતી લખેલી અતિસુંદર રંગોળી તૈયાર કરવામાં આવી હતી. ૫૧,૦૦૦ જેટલી ફૂલસ્કેપ નોટબુકથી શ્રી જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેનું જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓમાં વિતરણ કરાશે.

સ્વાગત અભિવાદન સમારોહમાં ઉપસ્થિતિ પૂર્વે પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્માએ ગેઝીયા હૉલ, જી.આઇ.ડી.સી, સેકટર ૨૫ ખાતે ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો હતો તેમજ સ્વામિનારાયણ મંદિર સે.૨ અને સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરી સંતોના આશીર્વાદ મેળવ્યા હતાં. પ્રદેશ અધ્યક્ષશ્રી નાગરિકો અને કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલતા મંચ પર પહોંચ્યા હતા જ્યાં તેઓએ ધાર્મિક આગેવાનો અને સંતવૃંદ પર પુષ્પવર્ષા કરી આશીર્વાદ મેળવ્યા હતાં.

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ તેઓના સંબોધનમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અભૂતપૂર્વ આવકાર અને સ્નેહ આપવા બદલ ગાંધીનગરવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પાટનગરને વધુ સ્વચ્છ, સુંદર અને વિકસિત બનાવવા માટે થયેલ કાર્યો અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. તેઓએ કહ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનથી રાજ્યના પાટનગરને મહાત્મા મંદિર, ગિફ્ટ સિટી, મેટ્રો અને રિવરફ્રન્ટ સહિતના મહત્વપૂર્ણ પ્રકલ્પો મળ્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના મતવિસ્તાર ગાંધીનગર લોકસભામાં ગાંધીનગર શહેરનો મોટો વિસ્તાર સમાવિષ્ટ હોવાથી અને તેઓની મતક્ષેત્રના વિકાસ માટેની સક્રિય સહભાગિતા હોવાથી પાટનગરના વિકાસને વધુ વેગ મળ્યો છે. આ ઉપરાંત તેઓએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશભરમાં થઈ રહેલી દેશના વિકાસ અને સુરક્ષા માટે થઈ રહેલ કામગીરી અંગે જણાવ્યું હતું.

સ્વાગત અભિવાદન સમારોહમાં શહેર ભાજપ પ્રમુખ આશિષકુમાર દવે, ધારાસભ્ય રીટાબેન પટેલ, અલ્પેશજી ઠાકોર, મેયર મીરાબેન પટેલ, સંગઠન અને મહાનગરપાલિકાના ભાજપના પદાધિકારીઓ, પક્ષના સિનિયર આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષકુમાર દવે એ પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના ભવ્ય સ્વાગત અભિવાદન સમારોહના સફળ આયોજન માટે સક્રિયતા સાથે યોગદાન અને સહકાર આપવા બદલ ધારાસભ્ય, મેયર, સંગઠનના પદાધિકારીઓ, નગરસેવકો અને પ્રત્યેક કાર્યકર્તા અને આયોજન સાથે જાેડાયેલા પ્રત્યેક વ્યક્તિનો અને વિશેષ કરીને પાટનગરમાં વસતા વિવિધ સમાજાે, ધાર્મિક સંતો મહંતો, સેવાકીય સંસ્થાઓ, સહકારી આગેવાનો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, યુવાઓ, માતાઓ અને બહેનોનો આભાર વ્યક્ત કર્યો છે.