Gujarat

ગુજરાતીઓ સાથે 2746 કરોડ ઠગાઇ, માત્ર 10 કરોડ રિફંડ થયા

છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતીઓ સાથે સાઇબર ફ્રોડમાં 2746 કરોડ રૂપિયાની ઠગાઇ થઇ છે. રાજ્યસભામાં કેન્દ્ર સરકારે આપેલા જવાબ મુજબ, 2021માં ‘સિટિઝન ફાઇનાન્સિયલ સાઇબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ’ લોન્ચ થયા બાદ ફેબ્રુઆરી 2025 સુધીમાં ગુજરાતમાં સાઇબર ફ્રોડની 3.67 લાખ ઘટના બની છે. આ મામલે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. સૌથી વધુ 6.30 લાખ સાઇબર ફ્રોડની ઘટના ઉત્તર પ્રદેશમાં થઇ છે.

રાજ્યમાં 1%થી પણ ઓછી રકમ એટલે કે માત્ર 10.32 કરોડ રૂપિયા જ લોકોને રિફંડ થઇ શક્યા છે. આ સમય દરમિયાન દેશમાં કુલ 38 લાખથી વધુ ફાઇનાન્સિયલ સાઇબર ફ્રોડના કેસમાં લોકોએ 36 હજાર કરોડ રૂપિયા ગુમાવ્યા છે. જેની સામે માત્ર 60.51 કરોડ રૂપિયા જ રિફંડ થયા છે. આ માહિતી ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કો-ઓર્ડિનેશનલ સેન્ટર(I4C)ના નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ સંબંધિત સાઇબર ફ્રોડની છે.

દેશમાં શંકાસ્પદ બેન્ક એકાઉન્ટમાં 4380 કરોડ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ રકમને લીન એમાઉન્ટ કહેવામાં આવે છે. સાઇબર એજન્સી તપાસ કરી શકે તે માટે છેતરપિંડી થવાની આશંકામાં આ રકમ ફ્રીઝ કરાય છે. ફેબ્રુઆરી 2025ની સ્થિતિએ ગુજરાતના બેન્ક ખાતાઓમાં 557 કરોડ રૂપિયા લીન એમાઉન્ટ તરીકે છે. જે મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ છે. મહારાષ્ટ્રમાં 622 કરોડની રકમ ફ્રીઝ કરવામાં આવી છે.