માહિતી અધિકારની આડમાં ખંડણી ઉઘરાવનાર વધુ બે કથિત એક્ટિવિસ્ટ સામે પોલીસે ગુના નોંધ્યા છે. મહિધરપુરાના યોગેશ નાવડીવાલા અને ઘીયા શેરીના હેમંત દેસાઈએ બિલ્ડર પાસેથી ખંડણી વસૂલતા પોલીસને ફરિયાદ મળતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
બે તબક્કામાં બિલ્ડર પાસે 20 હજાર રૂપિયા પડાવ્યા હતા ફૈઝલ સિદિક લાલા નામના બિલ્ડરે મહીધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેણે જૂની મિલકત ખરીદી નવી બિલ્ડીંગ બનાવતા આ એક્ટિવિસ્ટો RTIમાં અરજી કરી હેરાનગતિ કરી રહ્યા હતા. યોગેશ નાવડીવાલાએ બાંધકામ ગેરકાયદે હોવાનું બતાવી સતત અરજી કરી બે તબક્કામાં બિલ્ડર પાસે 20 હજાર રૂપિયા પડાવ્યા હતા.
RTIના દબાણ હેઠળ 40 હજારની ખંડણી વસૂલી હતી હેમંત દેસાઈએ પણ ગલેમંડી પીરછડી રોડ પર બનેલી એક બિલ્ડીંગ ગેરકાયદે હોવાનો આક્ષેપ કરી RTIના દબાણ હેઠળ 40 હજારની ખંડણી વસૂલી હતી. એક વર્ષ સુધી બિલ્ડર મૌન રહ્યો હતો, પણ ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા આવા તત્વો પર કાર્યવાહી શરૂ થતાં તેણે પોલીસમાં ફરિયાદ આપી હતી.
શાકીર શેખની પાસા હેઠળ અટકાયત RTIના નામે પત્રકારત્વની આડમાં ખંડણી ઉઘરાવનાર શાકીર શેખની વિરુદ્ધ પોલીસ કમિશનરે કડક પગલાં ભરતા તેની પાસા હેઠળ અટકાયત કરી ભુજ જેલ રવાના કર્યો છે. શાકીર શબ્બીરમીયાં શેખ (વિરમગામી મહોલ્લો, બેગમપુરા) RTIનો દુરુપયોગ કરી બિલ્ડરો અને વિવિધ સંસ્થાઓને બ્લેકમેઇલ કરતો હતો. લાલગેટ અને અઠવા પોલીસ મથકે તેની વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાઇ હતી.
શાકીર શેખને ભુજ જેલ મોકલવામાં આવ્યો શાકીર શેખે સુરત મહાનગરપાલિકાની એક મહિલા કર્મચારીને બદનામી કરવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ પણ સામે આવ્યા હતા. સતત ગુનાઓમાં સંડોવાયેલા શાકીર પર હવે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને તેને ભુજ જેલમાં મોકલવાની પરવાનગી આપવામાં આવી છે.