Gujarat

બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા તાલુકાનાં તેજસ્વી તારલાઓ માટે એક્સપોઝર વિઝીટ યોજાઈ

વિદ્યાર્થીઓએ મેળવેલ ઝળહળતી સિદ્ધિની યોગ્ય કદર અર્થે કરવામાં આવેલ આયોજનને હકારાત્મક પ્રતિસાદ
દેશની નવી શિક્ષણ નીતિ 2020 વિધાર્થીઓને ક્ષેત્રીય મુલાકાતો તથા સમજપૂર્વકનાં શિક્ષણ ઉપર ભાર મૂકે છે. જેનાં અનુસંધાને બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા વિવિધ ક્ષેત્રની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાબતે વધુ માહિતી આપતાં શાળાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે તાલુકાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ કે જેમણે અભ્યાસિક તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ મેળવેલ છે તેમની યોગ્ય કદર અર્થે તથા તેમનામાં નવીન આત્મવિશ્વાસ જગાડવાનાં ભાગરૂપે આ વિશેષ એક્સપોઝર વિઝીટનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું.
સદર આયોજન અંતર્ગત તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓનાં 43 જેટલાં તેજસ્વી તારલાઓ એક્સપોઝર વિઝીટમાં સહર્ષ જોડાયા હતાં. તેમને પ્રત્યક્ષ અનુભવો પૂરા પાડવા માટે તાલુકાનાં તમામ સી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ ખડેપગે રહ્યાં હતાં. જેમનાં માર્ગદર્શન હેઠળ વિધાર્થીઓએ સાયન્સ સીટી, ધરમપુર, બરૂમાળ મંદિર તથા તિથલ બીચની મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમિયાન સૌએ વનભોજન તથા દેશી રમતોની પણ મજા માણી હતી.
સાયન્સ સીટી ખાતે સૌ વિદ્યાર્થીઓએ પ્લેનેટોરિયમ, થ્રીડી શો તથા પ્રાયોગિક કાર્યમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોની બહુહેતુક મુલાકાત પ્રસંગે તાલુકાનાં ઈન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.