Gujarat

કચ્છના વડા મથક ભુજ શહેર સહિત જિલ્લાના અન્ય સ્થળે પાંચ મહત્વના સોપાન આ વર્ષે સાકાર થઈ શકે

વિકાસની પાંખે સવાર સરહદી કચ્છ જિલ્લાની ઉડાન વધુ સક્ષમ કરવા આ વર્ષે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ પ્રકલ્પો શરૂ થવાની સંભાવના છે. લોક ઉપયોગી સુવિધાના ખાતર્મુહુત અને લોકાર્પણ માટેની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં રેલવે સ્ટેશનનથી લઈ નવો બાયપાસ માર્ગ અને બ્રિજ સહિતના સોપાનનો સમાવેશ થાય છે. સંભવિત વર્ષના અંત સુધીમાં નવા પ્રકલ્પો કચ્છવાસીઓ માટે સુવિધાના નવા દ્વાર ખોલી શકે છે.

ભુજ શહેરમાં નિર્માનાધિન આઇકોનીક રેલ મથક ભુજ શહેરને આ વર્ષે એરપોર્ટને ટક્કર મારે એવું રેલવે સ્ટેશન આકાર પામી રહ્યું છે.જૂના રેલવે મથક કરતાં 12 થી 13 ગણું મોટું અને આધુનિક સગવડોથી સજ્જ 12356 સ્કવેરમીટરનાં નવાં ગ્રીન બિલ્ડિંગનું નિર્માણ પૂરબહારમાં ચાલી રહ્યું છે. રેલ તંત્ર દ્વારા અંતિમ તબક્કાના ફિનિશિંગની કામગીરી માટે વધારાના પાંચ- છમાસની નવી મુદ્દત મગાઇ છે. જે દરમ્યાન કામ આટોપી લીધા બાદ બે-ત્રણ માસ પરીક્ષણ થશે. સંભવિત ઓક્ટોબર-25 સુધી આ લક્ઝુરિયસ રેલવે મથક કાર્યવીત થઈ શકે છે.

ભીમાસર ભુજ ચાર માર્ગીય ધોરીમાર્ગનું કાર્ય ધમધોકાર ભીમાસરથી ભુજ સુધીના 60 કીમીનું ફોર લેન રૂપાંતરણનું કામ હાલમાં જોરશોરથી ચાલી રહ્યું છે. રુ.1085 કરોડ પ્રોજેક્ટની ટેન્ડર કોસ્ટ છે. આ રસ્તા પર કુલ બે મેજર બ્રિજ, ચાર રેલવે બ્રિજ, દસ વાહનો માટેના અંડરપાસ અને ચાર બાયપાસ આવેલા છે. નેશનલ હાઇવે ઓથોરિટી હસ્તક આ પ્રોજેક્ટનું નિર્માણ થઈ રહ્યું છે. જાન્યુઆરી 2023 માં શરુ કરવામાં આવ્યું હતું. હાલ લગભગ 65% કામગીરી પૂર્ણ થઈ છે અને આ પ્રોજેક્ટ આગામી જૂન, 2025માં પૂર્ણ થવાની ધારણા છે.

મીરજાપર ભુજોડી માર્ગને સૈદ્ધાંતિક મંજૂરી મળતા બાયપાસનો માર્ગ મોકળો જિલ્લા મથક ભુજ શહેરના સુખપર ચાર રસ્તાથી વાયા એરોપ્લેન સર્કલ થઈ જિલ્લા ઉધોગ કેન્દ્ર સુધીના રિંગરોડને ભુજોડી બ્રિજ સુધી લંબાવવા માટેની માગ અંતર્ગત ભુજ વિધાનસભાના ધારાસભ્ય કેશુભાઈ પટેલના પ્રયાસોથી આ માર્ગને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ ગઈ છે. અંદાજીત 12 થી 15 કિલોમીટરનું અંતર ધતાવતા રિંગ રોડ ના કાર્ય માટે આગામી બજેટમાં ગ્રાન્ટની ફાળવણી થઈ શકે છે અને વર્ષના આખર સુધીમાં તેનું કામ પૂરું થવાની સંભાવના છે.

ભુજ શહેરના મહત્વના કૃષ્ણાજી બ્રિજનું નવ નિર્માણ થશે-ધારાસભ્ય ભુજ વિધાનસભાના ધારાસભ્ય કેશુભાઈ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ભુજ શહેરના મહત્વના કૃષ્ણાજી બ્રિજના જુના ભાગનું નવ નિર્માણ વહીવટી પૂર્ણ થતાં ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. બ્રિજ નવ નિર્માણ માટે સુધારાઈના અધિકારી સાથે બે બેઠકના અંતે ખૂટતી કડીઓ પુરી કરવા સરકારમાં રજૂઆત કરાઈ છે અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાંજ ભાડા અથવા નગરપાલિકા દ્વારા ગ્રાન્ટ નક્કી કરી તેનું કાર્ય શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ કૃષ્ણાજી બ્રિજના જુનાભાગને વાહનો માટે બંધ રાખવામાં આવ્યો છે.

કચ્છના નમકાચ્છાદિત રણ વચ્ચેથી પસાર થતા એકલ બાંભણકા માર્ગની સુવિધા આ વર્ષે મળી જશે. ખડીરવાસીઓને તાલુકા મથકથી નજીક લાવતા 24 કિમિ માર્ગનું ૨૦ કિલોમીટર સુધી માટીકામ પૂર્ણ થયું છે. જેને લઈ અફાટ રણને ચીરીને બનાવાયેલા રસ્તામાં આંશિક અવરજવર પણ શરૂ થઈ છે. જિલ્લા પંચાયત હસ્તકના આ માર્ગનું નિર્માણ કાર્ય રૂ.138 કરોડથી વધુની ગ્રાન્ટ સાથે થઈ રહ્યું છે. ખડીરવાસીઓને રસ્તાની સુવિધા સાથે કચ્છને રણ માર્ગના સુંદર રસ્તાની ભેટ મળશે.