પૂર્વ કચ્છ જિલ્લામાં આવતા ગામો અને ત્યાંના રસ્તાઓ પર તેમજ શહેરના વિસ્તારોમાં દેશી દારૂ બેફામ રીતે વેચાઇ રહ્યો છે.
ખુલ્લેઆમ રોડ ઉપર કેબીનોમાં દેશી દારૂ વેચાઇ રહ્યો છે અને સરળતાથી મળી રહ્યો છે. જેથી યુવાધન દારૂની લતથી બરબાદી તરફ ધકેલાઇ રહ્યો હોવાની ચિંતા ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મંત્રીએ પૂર્વ કચ્છ એસપીને પત્ર પાઠવીને કરી હતી.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મંત્રી મુસ્તાક સોઢાએ પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છના ગામડાઓ અને શહેરોમાં ખુલ્લેઆમ વેચાતા દેશી અને અંગ્રેજી દારૂથી ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે.
યુવાનો દારૂના વ્યસની બની રહ્યા છે અને યુવાધન પોતાનું જીવન બરબાદ કરી રહ્યું હોવાથી પૂર્વ કચ્છ વિસ્તારમાં વેચાતા દારૂ ઉપર કડક હાથે કાર્યવાહી કરવા ભાર પૂર્વક રજૂઆત કરી હતી. શહેરી વિસ્તારમાં એવો એક પણ વિસ્તાર બાકી નથી જ્યાં શરાબ મળતો ન હોય.
સાથે સાથે પૂર્વ કચ્છમાં 100થી 200 જેટલા સ્પા સેન્ટર, જેમાં 99 ટકા સ્પા સેન્ટરોમાં દેહવ્યાપાર થતો હોવાનો આક્ષેપ કરી આ દિશામાં પણ કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

