પૂજ્યપાદ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પાવન તપઃસ્થલી અને આધ્યાત્મિક ચેતનાથી પરિપૂર્ણ એવા સાવરકુંડલા મુકામે આવેલા સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં ગત તા.૨૬-૨-૨૫ ને બુધવારનાં રોજ મહાશિવરાત્રિ મહોત્સવ, સમૂહ પાર્થિવ શિવલિંગ મહાપૂજા તેમજ પૂજ્યપાદ સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા લિખિત પુસ્તક – પ્રેમભરી પ્રાર્થના- નાં વિમોચનનો ભવ્યાતિભવ્ય સમારોહ ખૂબ જ સફળતાપૂર્વક સમ્પન્ન થયો હતો.
આ શિવરાત્રિ મહોત્સવને આવકારવા માટે ૨૫-૨-૨૫ ને મંગળવારનાં રોજ પટેલવાડી, શિવાજી નગર સાવરકુંડલાથી આશ્રમ સુધીની એક ભવ્ય શિવ રથયાત્રા આયોજિત કરવામાં આવી હતી, જેમાં નાનાં-નાનાં બાળકોને ભગવાન મહાદેવની વેશભૂષાથી શણગારીને રથમાં બેસાડવામાં પર્યાવરણ સુરક્ષા, ભુણ હત્યા નાબૂદી, માનવસેવા, રક્તદાન જવા સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓનાં બેનરો સાથે શિવભક્તિમય ધૂન-સંકીર્તન તથા નારાઓ પોકારીને આયોજિત કરાયેલી આ રથયાત્રામાં ૧૫૦૦ જેટલા ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોએ જોડાઈને લાભ લીધો હતો. ત્યારબાદ આશ્રમનાં પટાંગણમાં મહાનુભાવો અને દાતાશ્રીઓનાં સન્માન અને સમૂહ ભોજન શિવ-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ બીજે દિવસે મહાશિવરાત્રિની પાવન પ્રભાતમાં સવારે ૮-૦૦ કલાકે પ્રારંભ થયેલ શિવસ્તોત્રપાઠ, પ્રાર્થના, ધૂન અને સંકીર્તનથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. ૯-૦૦ કલાકે પૂજ્યપાદ સ્વામીજી અને મહાનુભાવો દ્વારા શિવલિંગ અને શિવપ્રતિમાનું ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂજ્યપાદ સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજે શિવતત્ત્વ રહસ્ય, શિવરાત્રિ વ્રતનો મહિમા, આત્મજ્ઞાન અને માનવસેવાનાં વિષય પર ખૂબ જ સૂક્ષ્મતાથી માર્મિક પ્રવચન કરીને શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ પૂજ્યપાદ સ્વામીજી દ્વારા લિખિત પુસ્તકનું વિમોચન સાવરકુંડલાનાં માનનીય ધારાસભ્ય શ્રીમાન મહેશભાઈ કસવાલા, ટીંબી હોસ્પિટલનાં પ્રમુખ શ્રી હીરાભાઈ પી. ગાંગાણી તથા સાવરકુંડલા આશ્રમ ટ્રસ્ટનાં પ્રમુખ શ્રી રાજેશભાઈ આર. મણોદ્રા અને સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન શ્રી દીપકભાઈ માલાણીનાં વરદહસ્તે કરવામાં આવ્યું હતું. ત્યાર પછી માનનીય ધારાસભ્ય શ્રીમાન મહેશભાઈ કસવાલા સાહેબે પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું તેમજ અન્ય મહાનુભાવોનાં
વક્તવ્યો અને સન્માન પણ થયા હતા. તેમજ સાવરકુંડલા નગરપાલિકાનાં પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી તેમજ તાલુકા પંચાયતનાં પ્રમુખ શ્રી જીતુભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર ધર્મસભા કાર્યક્રમમાં ૧૩૫૦૦ જેટલા ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોએ ઉપસ્થિત રહી પૂજ્ય સ્વામીજીનું પ્રવચન તેમજ મહાશિવરાત્રિનો સમૂહ ફલાહાર મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસંગે માનવમાત્રની નિઃશુલ્ક આરોગ્ય સેવાર્થે પૂજ્યપાદ સ્વામીજી દ્વારા ભાવનગર જિલ્લાનાં ટીંબી મુકામે પ્રસ્થાપિત – ‘સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ’નાં દર્દીઓનાં લાભાર્થે સ્વૈચ્છીક મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓએ પોતાનું અમૂલ્ય રકતદાન કરી મહાશિવરાત્રિ પર્વે ‘માનવસેવા એ જ ખરી મહાદેવસેવા’ સૂત્રને સાર્થક કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં અમરેલી બ્લડ બેંકને ૧૨૦ બોટલ અને ભાવનગર બ્લડ બેંકને ૨૧૩ બોટલ મળીને કુલ ૩૩૩ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવેલ.
ત્યારબાદ સાંજે ૫-૦૦ થી ૬-૦૦ દરમિયાન પૂજ્ય સ્વામીજીએ ભાવિક શિવભક્ત શ્રોતાજનોને શિવમાનસપૂજા તથા શિવકથાથી લાભાન્વિત કર્યા હતા ત્યારબાદ રાત્રિનાં ૮-૦૦ કલાકથી મહાશિવરાત્રિ પર્વની સર્વશ્રેષ્ઠ શિવ આરાધના એવી – ‘શ્રી પાર્થિવ શિવલિંગ મહાપૂજા’નો પ્રારંભ થયો હતો. જેમાં પૂજ્ય સ્વામીજીએ પૂર્ણ અંતર્મુખ સ્થિતિમાં તથા શિવભક્તિભાવમાં સ્થિત થઈને ચાર પ્રહરની પાર્થિવ પૂજા કરાવીને ભગવાન સદાશિવની આરાધનામાં શિવભક્તોને ભક્તિ-તરબોળ બનાવ્યા હતા.
સવારનાં ૭-૦૦ કલાક સુધી અવિરત થયેલ આ મહાપૂજામાં ૧૨૦૦ શિવભક્તોએ પૂજ્ય સ્વામીજીની સાથે આ મહાપૂજા કરી હતી. આ સાથે પટેલવાડી, શિવાજીનગર, સાવરકુંડલા ખાતે આયોજિત કરવામાં આવેલ બહેનો માટેની પાર્થિવ શિવલિંગ મહાપૂજામાં ૫૭૫ બહેનો-માતાઓએ પૂજ્ય સ્વામીજી દ્વારા કરાવવામાં આવતી આ પૂજાનાં લાઈવ પ્રસારણનાં માધ્યમથી પૂજા કરીને અલભ્ય લાભ લીધો હતો. મહાશિવરાત્રિ પર્વનાં આ સમગ્ર કાર્યક્રમોનું જીવંત પ્રસારણ આશ્રમની યુ-ટ્યુબ ચેનલ ગુરુ સાન્નિધ્ય (GURU SANNIDHYA ) પર પ્રસારિત કરવાં આવ્યું હતું, જેમાં ૬૭૦૦ (છ હજાર સાતસો)લોકોએ સવારની ધર્મસભાનો તેમજ ૯૦૦૦ (નવ હજાર)લોકોએ રાત્રિની ચારપ્રહરની પાર્થિવ મહાપૂજાનો ઘરબેઠાં લાભ લીધો હતો.
આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે પૂજ્ય ગુરુદેવનાં આશીર્વાદ અને પૂજ્ય સ્વામીજીની પ્રેરણા તથા માર્ગદર્શન અનુસાર સાવરકુંડલાનાં ધર્મપ્રેમી સત્સંગીજનોએ ભારે જહેમત ઉઠાવીને તન-મન-ધનથી સામૂહિક સહકાર આપ્યો હતો. આ પ્રસંગે આયોજિત મહારક્તદાન કેમ્પમાં લાયન્સ ક્લબ – સાવરકુંડલાનો તેમજ રસોડા વિભાગમાં કેવડાપરા વિસ્તારનાં સીતારામ મંડળનાં યુવાનોનો ખૂબ જ મહત્ત્વનો સહયોગ પ્રાપ્ત થયો હતો, જે બદલ આશ્રમ તેમનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરે છે.
બિપીન પાંધી સાવરકુંડલા