ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી સુજલામ સુફલામ યોજના હેઠળ સંજેલી તાલુકાના પાંચ તળાવોને ઊંડા કરવા માટે રૂપિયા 20 લાખની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે પરંતુ જમીની હકીકત કઈંક જુદી જ કહાની કહી રહી છે. હીરોલાના બે, થાળા, સંજેલી, પીછોડા અને માંડલી ગામના તળાવોને ઊંડા કરવા માટે 15મી મેના રોજ વર્ક ઓર્ડર આપી દેવાયા હતા અને એક મહિનામાં કામ પૂર્ણ કરવાનું હતું.
જોકે, સરકારના નિયમ મુજબ તળાવો ઉંડા કરવાના સ્થાને માત્ર ખોતરીને મુકી દેવાતાં આ યોજના પ્રજાના પૈસાના વેડફાટનું એક વધુ ઉદાહરણ બની રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દરેક તળાવને 7000 ક્યુબિક મીટર ખોદકામ કરવા માટે 4 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પરંતુ એજન્સીઓએ નિયમોને નેવે મૂકીને માત્ર દેખાડા પૂરતું જ કામ કર્યું છે.
જેસીબીની મદદથી તળાવની એક સાઇટ પર માંડ 100 ફૂટ લંબાઈ અને માત્ર 1 ફૂટ જેટલી ઊંડાઈનું ખોદકામ કરીને એજન્સીઓ છેલ્લા એક અઠવાડિયાથી ગાયબ થઈ ગઈ છે. તેઓ જાણે કે વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો વરસાદ પડી જાય અને તળાવોમાં પાણી ભરાઈ જાય તો અધૂરા કામના ફોટા બતાવીને તંત્ર અને એજન્સીઓની મિલીભગતથી નાણાંનો બારોબાર વહીવટ કરી શકાય તેવી આશંકા સેવાઈ રહી છે.
આ કોઈ પહેલી ઘટના નથી. સુજલામ સુફલામ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષથી તળાવોને ઊંડા કરવા માટે અઢળક ગ્રાન્ટો ફાળવવામાં આવે છે પરંતુ વાસ્તવમાં તળાવો ઊંડા થતા જ નથી. માંડલી તળાવનું ઉદાહરણ સ્પષ્ટ છે ત્યાં ખોદકામ થયું જ નથી, માત્ર સફાઈ કરીને જ કામ પૂરું કરી દેવાયું હોય તેવું લાગે છે.
કારણ કે હજુ પણ ઘાસચારો યથાવત જોવા મળે છે. જો સરકારના નિયમો મુજબ તળાવોને યોગ્ય રીતે ઊંડા, પહોળા કરવામાં આવે તો ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થાય. આનાથી ઉનાળામાં તળાવો વહેલા સૂકાઈ ન જાય અને ઢોર-ઢાંખર માટે પાણી ઉપલબ્ધ રહે. આ ઉપરાંત, આસપાસના કુવાઓ અને બોરમાં પણ પાણીના તળ ઊંચા આવે, જેનાથી ખેડૂતોને શિયાળુ અને ઉનાળુ પાકમાં પણ ફાયદો થાય પરંતુ તંત્રની બેદરકારી અને લાપરવાહીને કારણે વર્ક ઓર્ડર આપ્યા બાદ એજન્સીઓ દ્વારા ખરેખર કેટલી ઊંડાઈ, લંબાઈ કે પહોળાઈમાં કામ થયું છે તેની કોઈ તપાસ થઇ નથી.