Gujarat

રાજકોટમાં સરકારી પોલિટેકનિક ખાતે રમતગમત સપ્તાહનો ઉદઘાટન સમારંભ યોજાયો

રાજકોટમાં સરકારી પોલીટેકનિક ખાતે વિદ્યાર્થીઓને તેમની રમતગમતની પ્રતિભાને વિકસાવવાનો અને રજૂ કરવાનો મોકો આપવાના ઉદ્દેશ્યથી આગામી તા. ૨૧ માર્ચ, ૨૦૨૫ સુધી રમતગમત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો શુભારંભ ગત તા. ૧૭ના રોજ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના કેમિકલ ખાતાના વડા તથા ઇન્ચાર્જ આચાર્યશ્રી એ. ડી. સ્વામીનારાયણે સ્વાગત ઉદબોધન કર્યું હતું. ત્યારબાદ સીટી પોલીસના ઝોન-૧ ડી.સી.પી.શ્રી સજ્જનસિંહ પરમારે પ્રાસંગિક ઉદબોધનમાં ભણતરની સાથે રમતગમતનું મહત્વ સમજાવ્યું હતું. જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડી.ડી.ઓ.શ્રી ઇલાબહેન ગોહિલ તથા થોરાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી બી. એમ. ઝણકાટએ પ્રાસંગિક ઉદબોધનમાં રમતગમતના માધ્યમથી કૌશલ્ય, ટીમવર્ક અને સંકલન જેવા પાસાઓને કેળવવા અનુરોધ કર્યો હતો. અંતે મીકેનીકલ ખાતાના વડાશ્રી તથા સ્પોર્ટ્સ વીકના મુખ્ય કન્વીનરશ્રી ડો. એચ.આર. સાપરામેરે આભારવિધિ વ્યક્ત કરી હતી. આચાર્યશ્રી ડો. એ. એસ. પંડયાએ સ્પોર્ટ્સ વીકની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે સ્પોર્ટ્સ વીક દરમિયાન ક્રિકેટ, બેડમિન્ટન, વોલીબોલ, ચેસ, રુબીકસ ક્યુબ, કેરમ, વકતૃત્વ સ્પર્ધા, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, ડીબેટ, રંગોળી, મહેંદી, વન મિનીટ, જંકયાર્ડ, ક્લાસ ડેકોરેશન, રસ્સાખેંચ, ટ્રેઝર હન્ટ જેવી વિવિધ ઇન્ડોર અને આઉટડોર રમતોની સ્પર્ધા યોજવામાં આવી છે. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પર વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં પી.જી.વી.સી.એલ.ના ડેપ્યુટી ઈજનેર શ્રી કે. એ. સ્વામીનારાયણ, સરકારી ઈજનેરી કોલેજના આચાર્યશ્રી ડો. કે. જી. મારડિયા, બી. કે. મોદી ફાર્મસી કોલેજના આયાર્યશ્રી ડો. એ. વી. દુધરેજીયા સહીત કર્મચારીઓ, અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમ સરકારી પોલિટેકનિક રાજકોટની યાદીમાં જણાવાયું છે.